ચંદ્રહાસ આખ્યાન/કડવું ૨૨

Revision as of 10:29, 7 March 2023 by Meghdhanu (talk | contribs) (કડવું 22 Formatting Completed)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
કડવું ૨૨


[પોતે ધારેલું એનાથી વિપરીત થયેલું જોઈ ધૂંધવાયેલો ધૃષ્ટબુદ્ધિ પુત્ર મદનને પાટુ મારીને પછાડી દે છે. સાચી વાતનો ખલાસો થતાં મનમાં દાઝ રાખી પસ્તાય પણ છે.]

રાગ : કાહાલેરો

નારદજી એમ વાણી વેદ : સુણ, અતલિબલ અર્જુન :
પાપી પુરોહિત પુરમાં આવ્યો, રીસે ભર્યાં લોચન.         

મારમાર કરતો પુરમાં પેઠો ને લોક સામા આવે;
શુદ્ધ્ય[1] નહિ શરીર પોતાને, મિત્રને નવ બોલાવે.         

પ્રજા સર્વે વિસ્મે પામી, ‘સેનાપતિને ચઢિયો કોપ;
કાગળે લખ્યું તેટલું નવ ખરચ્યું, મદને મર્યાદા કીધી લોપ.’         

જોવા આવે તે ત્યમ નાસે, ઊભા સેવકને મારે;
ધૂંધવાતો ફૂંફવાતો આવ્યો પાપી રાજદ્વારે.          

પ્રતિહારે જઈ કહ્યું અંતઃપુરમાં મદનને નામી શીશ :
‘ધૃષ્ટબુદ્ધિ આવ્યા ઓ પેલા, ચઢી છે કાંઈક રીસ.’          

પાળે પાગે, અતિ અનુરાગે, પીતાંબર પલવટ વાળી,
પિતાજી સામે સંચરિયો, કરે ગ્રહી પૂજાની થાળી.         

‘અષ્ટ મહાસિદ્ધ નવ નિધ મેં ખર્ચી, થયું હશે પિતાને જાણ;’
મદને જાણ્યું જે મુને પિતાજી કાંઈક આપશે લાહાણ[2].         

ગાલવ ઋષિએ ગમન કીધું ત્યાંથી : ‘રીસે ચઢ્યો મહારાજ,
પિતા-પુત્ર વઢીને મરશે, અહીં રહ્યાનું નહિ કાજ.’         

ઓઢી ચૂંદડી મીંઢળ હાથે, પીળું પીતાંબર પહેરી,
વિષયા વેગે આવી મળવા, તાત ન જાણ્યો વેરી.         

દાસ-દાસી ઘરના બ્રાહ્મણ આવ્યા સર્વે મળવા.
પીળું કુસુંબ કેશરિયે વાગે, દેખી અદેખો લાગ્યો બળવા.          ૧૦

પુત્ર પ્રત્યે ક્રોધ કરીને બોલ્યો, પછાડ્યું પૂજાનું પાત્ર :
‘કહે, કુંવર મૂઢ મૂર્ખ મારા, તેં શત્રુ કીધો જામાત્ર!           ૧૧

શું કીધું તે રિપુ સંગાથે! તુંને લઈ પૃથ્વીમાં દાટું.’
એવું કહી પાસે જઈ પાપીએ પુત્રને મારી પાટું.          ૧૨

જેમ ચંદ્ર પડે વ્યોમથી ભોમ, રાહુ ગ્રહી લે જેવો :
તેમ મદન કુંવર મૂર્છાગત કીધો, પિતાપ્રહારે તેવો.          ૧૩

હાહાકાર થયો મંદિરમાં, દાસ-દાસી ત્રાસે નાહાસે!
ખળભળાટ થયો ખડકી લગે, મંત્રી કાળ સરિખો ભાસે.          ૧૪

ધીર ધરી ઊઠ્યો સુત સાધુ, પાયે લાગી ઊભો કર જોડ :
‘તમો વિષ્ણુ વિરંચી જેવા મારે, પણ કાઢો કુંવરની ખોડ.          ૧૫

ગુરુ જેષ્ટ ને પિતામહ તેનું વચન લોપે તે મહાપાપી!
મેં તો તમે લખ્યું તેટલું ખર્ચ્યું, જે કાગળમાં આજ્ઞા આપી.’          ૧૬

પછે પુત્રે પત્ર આપ્યું શોધીને, બડબડ કરતાં લીધું;
સર્વે દેખતાં શોક સહિત ઉકેલી અવલોકન કીધું.          ૧૭

વિષની વિષયાનો અક્ષર દીઠો : ‘શું લખતાં કર ન કપાયો?’          ૧૮

‘કર કપાયો.’ વાંક[3] જાણી પુત્રશું ભેટ્યો મળ્યો રે;
પણ અરે રે દીકરીને પરણ્યાથકી, દુઃખે હૃદયાશું બળ્યો રે.          ૧૯




  1. શુધ્ય – ભાન
  2. લહાણ – આપવું
  3. વાંક – દોષ