ઉછરંગરાય કેશવરાય ઓઝા

Revision as of 14:39, 11 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "ઓઝા ઉછરંગરાય કેશવરાય (પ-૯-૧૮૯૦, ૬-૮-૧૯૫૭): નવલકથાકાર, પત્રકાર. વતન-જન્મસ્થળ જૂનાગઢ. પ્રાથમિક શિક્ષણ રાજકોટ અને ધ્રાંગધ્રામાં તથા માધ્યમિક શિક્ષણ વેરાવળ અને જૂનાગઢમાં. જૂનાગઢની બહાઉદ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

ઓઝા ઉછરંગરાય કેશવરાય (પ-૯-૧૮૯૦, ૬-૮-૧૯૫૭): નવલકથાકાર, પત્રકાર. વતન-જન્મસ્થળ જૂનાગઢ. પ્રાથમિક શિક્ષણ રાજકોટ અને ધ્રાંગધ્રામાં તથા માધ્યમિક શિક્ષણ વેરાવળ અને જૂનાગઢમાં. જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાંથી ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિષયો સાથે ૧૯૧૩માં બી.એ. એ પછી કેન્યા (પૂર્વ આફ્રિકા)માંની ન્યૂ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ, મુંબઈના ચીફ એજન્ટ. એ દરમિયાન ‘બૃહદ્ ગુજરાત’ નામના સાપ્તાહિકનું પ્રકાશન. ૧૯૨૦થી ૧૯૨૬ મુંબઈની રાષ્ટ્રીય શાળામાં આચાર્ય. ‘મુંબઈ સમાચાર', ‘પ્રજામિત્ર-પારસી, ‘વૉઇસ ઑફ ઇન્ડિયા’ વગેરે સમાચારપત્રોના અંગ્રેજી વિભાગનું સંપાદન. ૧૯૨૬માં ફરી પરદેશ. ‘ટાંગાનિકા ઓપિનિયન’ અને ‘ડેમોક્રેટ’ના તંત્રી. મુખ્યત્વે અંગ્રેજી અને ગુજરાતી પત્રકાર તરીકે કામ કરતા એમણે ઇતિહાસ, રાજકારણ અને એ અંગેની ખટપટનું નિરૂપણ કરતી ‘અજોજી ઠાકોર’ (૧૯૨૮), ‘તક્ષશિલાની રાજમાતા’ (૧૯૩૮), ‘કાઠિયાવાડી રાજરમત' (૧૯૪૦), ‘પિતૃહત્યા’ (૧૯૪૨) અને ‘પુણ્યબંસરી' જેવી નવલકથાઓ આપી છે. ‘ધની વણકર અને બીજી વાતો' (૧૯૪૦) નામનો વાર્તાસંગ્રહ અને ૧૯૪૦ પૂર્વેની કાવ્યરચનાઓનો સંગ્રહ ‘જૂના જૂના કાગળિયા' (૧૯૫૨) તથા લોકસાહિત્યની પ્રચલિત પ્રેમકથાઓનું ડોલનશૈલીમાં નિરૂપણ કરતાં ‘મેહ અને ઉજળી' (૧૯૩૫) તેમ જ ‘સેણી અને વિજાણંદ' (૧૯૩૫) નામનાં કથાકાવ્યો પણ એમણે આપ્યાં છે. રશિયા અને જર્મનીના આઝાદીના ઇતિહાસનું નિરૂપણ કરતાં ‘રશિયા' (૧૯૩૮) તથા ‘સ્વતંત્ર જર્મની' (૧૯૩૮) જેવાં ઇતિહાસનાં પુસ્તકો એમના નામે છે. ન્હાનાલાલ કવિના ‘જયા-જયન્ત’નો અંગ્રેજી અનુવાદ (૧૯૨૯) પણ એમણે કર્યો છે.