શિવલાલ ધનેશ્વર કવિ

Revision as of 02:11, 15 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કવિ શિવલાલ ધનેશ્વર, ‘અનુપ’ (૧૮૫૦; ૧૮૯૯) : કવિ, અનુવાદક. પાંચમા ધોરણ સુધીનું શિક્ષણ ઉત્તરસંડામાં, શાળા બંધ થતાં શિક્ષણ અધૂરું. પિતા સાથે મતભેદ થતાં ઘર છોડી અમદાવાદ જઈ ત્યાં ટ્રેનિંગ કૉ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

કવિ શિવલાલ ધનેશ્વર, ‘અનુપ’ (૧૮૫૦; ૧૮૯૯) : કવિ, અનુવાદક. પાંચમા ધોરણ સુધીનું શિક્ષણ ઉત્તરસંડામાં, શાળા બંધ થતાં શિક્ષણ અધૂરું. પિતા સાથે મતભેદ થતાં ઘર છોડી અમદાવાદ જઈ ત્યાં ટ્રેનિંગ કૉલેજમાં અભ્યાસ શરૂ કર્યો, પણ મહીપતરામે ઠપકો આપતાં અભ્યાસ છોડી દેવાતજ ગામમાં ગામઠી નિશાળ કાઢી. ત્યાંથી ઘોઘા જઈ કન્યાશાળામાં જોડાયા. ૧૮૬૯માં મુંબઈ ગયા. પહેલાં કન્યાશાળામાં, પછી છાપખાનામાં નોકરી કરી. પ્રતિકૂળ આર્થિક સ્થિતિમાં પોતાનું પુસ્તક પૈસા લઈ પારસી ગૃહસ્થને નામે ચડાવી આપ્યું. ૧૮૭૫થી કચ્છના રાજવી કુટુંબના શિક્ષક. ૧૮૮૭માં કચ્છના મહારાજા સાથે ઇંગ્લૅન્ડનો પ્રવાસ. ત્યાંથી આવ્યા પછી કચ્છના કાયદાનો અભ્યાસ કરી પહેલાં અંજારમાં પછી ૧૮૯૪થી મુંદ્રામાં ન્યાયાધીશ. મૃત્યુ વતન મુંદ્રામાં.

૧૮૭૧માં, એક માસિક શરૂ કરવાના ઉદ્દેશથી ‘પ્રાસ્તાવિક કાવ્ય : અંક-૧'નું એમણે પ્રકાશન કર્યું ત્યારથી એમની કવન-પ્રવૃત્તિ આરંભાઈ. ‘પ્રાસ્તાવિક કાવ્ય’માંનાં પ્રાસંગિક અને ઈશ્વરપ્રીતિનાં કાવ્યો ઉપર મધ્યકાલીન કવિઓની અસર છે. ‘શ્રીનાથજીની પેઢીમાં રૂ. ૭૨,૦૦૦ ચોરી થઈ તે વીશે તથા તે ચોરી પક્ષવામાં શેઠ લક્ષ્મીદાસ ખીમજીએ જે યત્ન કડકયા તે વીશે’ (૧૮૭૧) એ પ્રાસંગિક પદ્યકૃતિ જ છે. કચ્છના મહારાજા સાથે કવિએ કરેલા મહાબળેશ્વરના પ્રવાસને નિરૂપતિ કાવ્યકૃતિ ‘પ્રવાસવર્ણન’ (૧૮૮૬) અલંકારસૌંદર્ય ધરાવતી છતાં રાજા અને અંગ્રેજોની અતિસ્તુતિ તેમ જ બિનજરૂરી વિગતોને કારણે શિથિલ બનેલી છે. ‘કચ્છભૂપતિ વિવાહ વર્ણન’ (૧૮૮૫) એ એમણે આશ્રયદાતા રાજાની પદ્યરૂપમાં કરેલી સ્તુતિ જ છે. ‘સોક્યનું સાલ : ૧-૨’ એ પ્રાસંગિક પદ્યરચના છે.

એમણે તુલસીકૃત ‘રામચરિતમાનસ'નું ભાષાંતર ‘રામાયણ’ (૧૮૭૫) કર્યું છે. કાળજીથી થયેલું આ ભાષાંતર શુદ્ધ ભાષા અને સાહજિક પદ્યબંધ ધરાવે છે. પૂર્વમેઘમાં સળંગ પૃથ્વી અને ઉત્તરમેઘમાં સળંગ સ્રગ્ધરાનો. વિનિયોગ કરતું ‘મેઘદૂત’ (૧૮૯૮) ભાષાંતર ગુણવત્તામાં સરેરાશ છે. કાલિદાસાદિ સંસ્કૃત કવિઓની કૃતિઓને છપ્પા-દોહરામાં ઉતારતી રચના ‘કાવ્યકલાપ’ (૧૮૭૨) પણ અનુવાદ છે. ‘શૃંગારતિલક’, ‘શૃંગારાષ્ટક’, ‘વૈરાગ્યશતક’ અને ‘હંસદૂત’ આદિ અન્ય અનુવાદોનું સામટું પુસ્તક કરવાની એમને ઉમેદ હતી. જીવનના અંતકાળે ‘મહાભારત’નો અનુવાદ કરવા તરફ એ વળ્યા હતા. ‘વિરાટપર્વ’નું ભાષાંતર આરંભ્યું હતું.