અમીદાસ પરમાણંદ કાણકિયા

Revision as of 02:16, 17 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "કાણકિયા અમીદાસ પરમાણંદ (૧૭-૭-૧૯૦૭) : જન્મ વતન સિહોર, (સૌરાષ્ટ્ર)માં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સિહોર, તળાજા, રાજુલા અને ભાવનગરમાં લઈ ૧૯૨૨માં મૅટ્રિક. ૧૯૨૭માં મુંબઈની વિલ્સન અને એલ્ફિન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

કાણકિયા અમીદાસ પરમાણંદ (૧૭-૭-૧૯૦૭) : જન્મ વતન સિહોર, (સૌરાષ્ટ્ર)માં. પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ સિહોર, તળાજા, રાજુલા અને ભાવનગરમાં લઈ ૧૯૨૨માં મૅટ્રિક. ૧૯૨૭માં મુંબઈની વિલ્સન અને એલ્ફિન્સ્ટન કૉલેજમાં અભ્યાસ કરી સ્નાતક. ૧૯૨૯માં અનુસ્નાતક અને ૧૯૩૪માં બી.ટી. ૧૯૩૦થી શિક્ષણને કાર્યક્ષેત્ર બનાવ્યું. ૧૯૫૧ સુધી એ ક્ષેત્રે પ્રવૃત્ત. ૧૯૫૨થી ૧૯૭૦ દરમિયાન ઇતિહાસ-સંશોધન અને લેખન. ૧૯૭૦ પછી સામાજિક પ્રવૃત્તિ. ત્રીશીના ગાળામાં જાણીતાં ‘ગુજરાત', ‘કૌમુદી’ અને ‘સાહિત્ય’ સામયિકોમાં એમની કાવ્યકૃતિઓ પ્રગટ થવા લાગેલી. એમના ‘દીપશિખા’ (૧૯૩૭) કાવ્યસંગ્રહમાં સુકુમાર ભાવો અને ભાવનાઓમાં રાચતી રચનાઓ છે. ૧૯૬૨માં પ્રગટ થયેલા ‘દીપજ્યોતિ’ નામના દ્વિતીય કાવ્યસંગ્રહમાં ભક્તિ, રાષ્ટ્રભક્તિ અને ચિંતન-પરાયણતાની અભિવ્યક્તિ છે. ખંડકાવ્ય ‘ધર્મદીપ’ (૧૯૮૬) પણ એમણે રચ્યું છે. એમણે શિક્ષણ, ઇતિહાસ, નાગરિકશાસ્ત્ર આદિનાં વીસેક પાઠ્યપુસ્તકો પણ લખ્યાં છે. રમણ વકીલ વગેરે સાથે એમણે ‘કિશોર વાચનમાળા'નું સંપાદન કર્યું છે.