અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીન્દ્ર દવે/તમે કાલે નૈં તો

Revision as of 09:55, 28 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> તમે કાલે નૈં તો પરમદિવસે તો અહીં હશો, ઘણા દીથી હૈયે ઘર કરતું એકાન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

તમે કાલે નૈં તો પરમદિવસે તો અહીં હશો,
ઘણા દીથી હૈયે ઘર કરતું એકાન્ત હરશો.

તમારું થાકેલું શિર હૃદય ધારીશ, પ્રિય, ને
મીંચાયેલાં નેત્રો પર કર પસારીશ હળવે;
વધેલી હૈયાની ધબક સુણી ખોલી દગ તમે
હસી આછું હૈયાસરસી મુજને સદ્ય ધરશો.

તમારી લાવેલી કુમળી કળીની વેણી સમ એ
નિશાએ હૈયાનાં દલ ઊઘડશે, અંતર જશે,
તમારા હોઠેથી સુરભિ, લઈ અર્પીશ સુરખી,
સ્વયં વીંટાઈ હું જઈશ અથરી થૈ કર વિશે.

તમારા આશ્લેષે રજની ક્ષણમાંહે જ વીતશે,
પરંતુ આજે તો ક્ષણ પણ ન વીતે ક્યમ કરી;
તમારાં સ્વપ્નોમાં શયન, સ્મરણે જાગૃત બનું,
હશો કાલે નૈં તો પરમદિન, આજે ટળવળું.