અનેકએક/સદ્‌ગત પિતા માટે

Revision as of 01:17, 26 March 2023 by Meghdhanu (talk | contribs) (Created page with "{{center|'''સદ્‌ગત પિતા માટે'''}} <poem> હજુ હમણાં તો આપણે વાતો કરતા હતા ને એકાએક સોપો પડી ગયો કોઈ એક ક્ષણે સરી ગયા તમે ક્ષણસોંસરવા ક્ષણ પછી ક્ષણ પછી ક્ષણ પછી પછી ક્ષણરહિત સમયમાં કદાચ સમયસોંસરવા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

સદ્‌ગત પિતા માટે


હજુ હમણાં તો
આપણે વાતો કરતા હતા
ને એકાએક સોપો પડી ગયો
કોઈ એક ક્ષણે
સરી ગયા તમે ક્ષણસોંસરવા
ક્ષણ પછી ક્ષણ પછી ક્ષણ
પછી પછી ક્ષણરહિત સમયમાં
કદાચ સમયસોંસરવા
હું અવાક્ ઊભો જોઈ રહું છું
શબ્દોને
ઘડિયાળની ટિક્...ટિક્..માં ઝૂલતા..ઝિલાતા
વિલાતા
રાત્રિના
પ્રગાઢ અંધકારમાં
સૂના, શાંત સરોવરે
આપણે એકમેકના હાથ છોડી દીધા હોય એમ
ઝબકી જાઉં છું
આમ, છૂટી જતા હશે હાથ?
ઓસરી રહેલા વમળના વેગે ધ્રૂજતી
હથેળીઓમાં
મોં છુપાવી દઉં છું
હમણાં હમણાં
અરીસામાં જોઉં છું તો
હોઠોનો મરોડ
નાકનો ઘાટ
અરે...ચહેરાની એકએક રેખા
તમારા ચહેરાને મળતી આવી છે
સમયનો
વિશૃંખલ સૂનકાર
શ્વાસમાં, રક્તમાં, છાતીમાં સર...સરતો
સાંભળું છું
સાંજની સૂન વેળાએ
યુવા પુત્રના
માથામાં હાથ ફેરવતો
દાદાજીની વારતા માંડું છું