અનેકએક/દ્વિધા

Revision as of 06:35, 26 March 2023 by Meghdhanu (talk | contribs) ()
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

દ્વિધા



અક્ષરો અને કાગળની વચોવચ છું
એકાકી

વચોવચ છું
આમ આ તરફ
કાગળના કોરાપણામાં ઘૂમરી ખાતા
પ્રચંડ રિક્ત લોઢ
ઊછળીને
મારી પર ફરી વળી
અગાધ ઊંડાણમાં તાણી જવા જાય એવી ક્ષણે
અક્ષરોને ઝાલી
ઊગરી જાઉં છું
ફસડાતાં શાંત પડતાં વલયોમાં
ઝલમલ ઝાંય
ખળભળતી
ઓસરી જાય
ક્યારેક
આકાશમાં ઊમટી આવે વાદળો એમ
અક્ષરોના મરોડદાર વળાંકોની
અનંત ઝીણી શક્યતાઓની ભુલભુલામણીમાં
અટવાઈ જાઉં
અનેક વાદ્યોમાંથી તરંગાતી રાગિણીની જેમ
અજવાળાની આકર્ષક કોતરણીમાંથી
વહી જતો હોઉં ત્યારે
વાદળો પછીતે
આકાશની નિર્લિપ્ત નીરવતાની
ઝાંખી થઈ જાય અને
અક્ષર-કાગળ અળગા થઈ જાય

અક્ષરો અને કાગળની વચ્ચેના અવકાશમાં
નિ:શબ્દ રહી
બેઉ તરફના આવેગ ખાળું છું