જળપથ્થર
જળપથ્થર
જળ
પ્રવહમાન છે
પ્રવાહી છે
પથ્થર
ઘનીભૂત ઘન
સાકાર
જળ
તળપાતાળે આકાશે
વનસ્પતિમાં વાયુમાં
વિવિધ રૂપેરંગે
વિહરે છે
ગુરુત્વના આકર્ષણમાં
પથ્થર
અવિચલ રહે છે
સમુદ્ર
આખો સમુદ્ર
ખડકને
વીંટળાઈ વળે
વીંટળાતો રહે
બુંદેબુંદનો ઘુઘવાટ
ખડકના અણુઅણુ
વહ્યા કરે
ઘટ
ઘટમાં
કંકર પડે.
તરંગિત જળ
રણકી ઊઠે.
ડુંગરો
ધોધમાર વરસાદે
આકાશ
ડુંગરો પર વરસી પડ્યું
તળઘેરાવો
ઉત્તુંગ ટોચો
ઊંડી ખીણો
ડૂબી ગયાં
ધુમ્મસ નર્યું ધુમ્મસ
વિસ્તરી રહ્યું...
નદી
નદી કહે છે
વાણી
પરા પશ્યન્તી મધ્યમા વૈખરી
વહે છે
અવાક્ પથ્થરો
કાંઠે પડ્યા
તળિયે ડૂબ્યા
વહેણે વહ્યા
જોતા રહે છે
જોતા જ રહે છે