જળલીલા
૧
તાણી લીધા... તરંગ
સમેટી લીધા ઉદ્વેગ
.... આંતરવેગ... આવેગ
વેગ
એકેક સંચલન
સંકેલી લીધું
ઘનઘેરું ઘૂંટી ઘૂંટાઈ
સંકોર્યું
અંતિમ રવવલય
ઘડ્યા
ઝળહળ ઘાટમાં
જળ
નિ:સ્પંદ થયું
૨
તપ્યું તપ્યું
ખળભળ્યું મંથર અલસમાં
બુદ્બુદવાગ્-વિહ્વળ થયું
જળભાર વેરતું
સર્યું
થનગન્યું તરલ મુદ્રાઓમાં
રચી રચી
આકારો વિખેરતું
નિ:સીમમાં
વ...રા...ળ... થયું
૩
શાંત... ઊંડાં... સરોવરજળ
કાંઠે ઊગ્યા ઝાડને ઝાલે દવ
ઝંઝોડે પવન
ડાળડાળખીઓમાં આવી વિલસે વસંત
પાંદડાંમાં ધસે ધસમસે પાનખર
કોઈવાર લીલાછમ્મ તો ક્યારેક ખખડધજ
મૂળસોતાં
ઊખડી પડે કાંઠાનાં ઝાડ
સઘળાં
બિંબપ્રતિબિંબબિંબ ઘૂમરી ખાતાં
નિરંતર
ખળભળતાં રહે
શાંત
ઊંડા સરોવરજળે
૪
સમુંદમાંથી
ઊછળી ઊડી આકાશમારગે વહી
અંધારપાષાણપર્વતો ભેદી
સરી આવી
ઝમે ઝીણું ઝાકળ
પાંદડી ઝૂલે
પવન વહે
ચળકાટ
સપ્તરંગી ઝાંયનો ઘડીક બુંદમાં
ઘડીકમાં તો
સૂર્યસૂર્યસૂર્ય
૫
અર્ધ જળ
વાયુ થઈ વીંઝાય વળી
ભૂરું ભૂખરું રાખોડી ઝરમર ઝાંખું
ત્યાં તો શુભ્રશુભ્ર શ્વેત
ઝરે
બુંદબુંદબુંદ
પળભરમાં ડુંગરના ડુંગર
વરસે અનરાધાર ઊછળે દરિયા
આલિંગે સકળને
લે પાશ પ્રગાઢે
તાણી લઈ જઈ ભીતરતમ
ઓગાળે
ગોચર તે તે કરે અગોચર
શીત શ્વેત શુભ્ર રૂપ ધરીને
આહ્લાદ અપરંપાર
વહે આરપાર
એકાકાર
૬
ઝરણું
રમતું રમતું આવે
રમતું રમતું જાય
રમત
જળની પથ્થરની પર્વતની
ઢોળાવ વળાંક ખીણ પવનની
રૂમઝૂમ રમત
આવવું ઊછળકૂદવું ખિલખિલવું
ઝમઝમ જવું
અદૃશ્ય થવું
૭
પ્રખર તાપમાંથી નીતરી
વેરાય
ઠેરઠેર છાંયડી જેવાં
હોય નહિ
હોય ભાસમાન
તૃષાજ્વરિત કંઠમાં બાઝે
કંટકો થઈને
ઓરાં ઓરાં
ત્યાં તો આઘાં આઘાં
તરસી તરફડી તૂટી જતા હે મૃગ
જળ તો
છલોછલ છલના
૮
ખોબોક જળમાં
ચૂપચાપ ઊતરી આવે આકાશ
આકાશમાં આવે-જાય વાદળ
વાદળમાં આકાર
આકારમાં રંગ
રંગમાં તેજ
અચાનક
હવાની એક લહેરખી
સઘળાં દૃશ્યો
એકસામટાં ભૂંસી નાખે
ફરી
ખોબોક જળમાં
ચૂપચાપ ઊતરે આકાશ
૯
રહે
વાયુમાં પૂર્ણપણે અંતર્ધાન
ન દેખાય ન સંભળાય
ન સ્પર્શાય
જિહ્વાને હોય આછા આછા અણસારા
શ્વાસમાં
કોઈ કોઈવાર વરતારા
હો શીત સપાટી તો
છૂટાં પડી દેખા દે અલપઝલપ
એને ય વળી
ભેજમત્ત હવા
ઉપાડી લે વહાવી લે
૧૦
પવનને
વીંટળાઈ વળે ચોમેરથી
બાંધી લે
આત્મસાત્ કરે
જળઘેરામાં ઘૂઘવે પવન
પવનને રહી લિપ્ત
સરસરે જળ
ક્ષણમાં ભાંગી જશે
જળપવનની આ યુતિ
પડછેના અબ્ધિમાં જળ
પવન વાયુમંડળમાં
વહી જશે
ઝીણેરા સ્ફોટ થશે નહિ થાય
શમી જશે
૧૧
પ્રચંડ જળરાશિ
એકધારો
શતસહસ્રશત શીર્ષ ઉછાળતો
બલિષ્ઠ બાહુઓ વીંઝે પ્રસારે
છાતી વચ્ચોવચ્ચ
પર્વતકાય લોઢને ધસમસતા ગરજતા રાખે
પછડાઈ
પ્રવેશી ઊંડે વહી જાય
જળચરોની કાયામાં
ઉત્તેજે વનસ્પતિને
અવશ વમળોને વળે વીંટળાવી
થરકતા
અનલપ્રપાતો પ્રગટાવે
ખળભળતા અંધારભર્યા જળરાશિને
આરો કેવો કે ઓવારો કેવો કે
કેવાં તળ
નર્યાં બળ
૧૨
ન ખળભળવું ન ઊછળવું
ન વહેવું
ન ઝરવું ન ઝમવું
ન થંભવું ન થીજવું
નિરુદ્દેશે
આકાશે બસ મુક્ત ભ્રમણ પાંશુમલિન વેશે
વિહરવું
બુંદ બુંદ છૂટું રાખી બંધાવું
મહાકાય થતાં થતાં હળવા થવું
વિસ્તરવું
ઋતુરંગે
રહેવું અસીમમાં એકાકી
વા દળ પર દળરમણામાં
વરસવું વા વીખરાવું
૧૩
પ્રગટવું
ગહ્વરમાં કાળમીંઢ પથ્થરો તળેથી
ઉપરથી આજુબાજુથી સરી જવું
ભળી જવું શિલાઓમાંથી ઝમતા સ્રાવમાં
ઝાડીઝાંખરાંને ભીંજવતાં ઠેક ઠેક
ઊછળવું
ધારાએ ધારાએ વળે વીંટળાઈ
ભેખડો પર વેગભેર અફળાઈ અફળાઈ
ધુબાકવું વહેવું
ખડકો પર વેરાવું વહેવું
વહેવું સરકતાં વાદળો સોંસરવું
પંખીઓના સેલારા સોંસરવું
કલબલતાં વૃક્ષો સોંસરવું
પવન સોંસરવું ખળખળ વહેવું
કાંપ હેઠળથી સરસરવું વનસ્પતિમાં
પોષવું વહેવું
ઊંડે શાંત નિરંતર વહેવું
વહી વહી વહીને જળનું
જળમાં ભળી જવું
૧૪
વરસે
પ્હાડો પર ખીણોમાં ઢોળાવો પર
ઢાળના વળાંકો પર
વળાંકોને વીંટળાઈ કેડીઓ પર
કેડીઓ પરથી દદડતી ઘાસબિછાતો પર
તળેટીઓમાં મેદાનોમાં
વેરાનોમાં
વનમાં
ઝૂલતાં ફૂલ ફૂટતાં બીજ
ઊખડતાં મૂળિયાં પર
વળગ્યા માટીકણો પર
ધૂળ કંકર પથ્થર પાષાણ ખડકો
રેતીના કણ રણોનાં રણ પર
દરિયા નદી સરોવર પર
પંખીની પાંખ પર
પશુની ખાલ પર
ઉકરડે ઉપવને ઉગમણે
અંધારે અનરાધારે
વરસે વરસે
વરસે ગગનભરી
વરસાદ