ખંડિત સત્યો
૧
સીધી જાણી તે રેખા
સીધી નહોતી
અગણિત બિંદુઓમાં ખંડિત
ને
વંકાતી હતી
૨
ક્યારેક
સમાંતર રેખાઓ
કદી મળતી નહિ
હવે
મળે
હળેભળે છે
૩
સરવાળે
ત્રિકોણ બે કાટખૂણે
સપાટી
ગોળાકાર થતાં જ
બેઉ કાંઠા
છલકાઈ ઊઠે છે
૪
શક્તિનું
રૂપાંતર થતું...
નિર્માણ-નાશ શક્ય નહોતા
પરમાણુ
ભીતરથી સળવળી ઊઠે કે
વિસ્ફોટ થાય
૫
પ્રકાશગતિ કરતાં ઝડપી બિંબ
સમયને
ઊંધે માથે
પટકે છે
૬
પદાર્થ
વિભાજિત થયો કણમાં
તત્ત્વમાં
અણુ પરમાણુ વીજાણુમાં
શક્યતાઓના તરંગસમૂહમાં
તરંગોના
નિયમરહિત આંતર્સંબંધોમાં
૭
એક સૂર્યમાળા એક આકાશ
એક બ્રહ્માંડ
સંતુલિત આકર્ષણોમાં બદ્ધ
અનેક સૂર્યમાળા અનેક આકાશ
અનેક બ્રહ્માંડ
એકમેકથી આઘા ને આઘા
વહ્યે જતાં
મુક્ત
૮
ખંડિતતા
સત્ય છે
સત્યની વિલક્ષણતાની
બીજી બાજુ છે
ના
એક બાજુ જ છે
ખંડિતતા
સત્યની રમત છે