શાંત કોલાહલ/૮ ભૈરવી

Revision as of 16:24, 27 March 2023 by Meghdhanu (talk | contribs) (+created chapter)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૮ ભૈરવી

નિંદ્રા મહીં-તિમિરશીતલ કંદરામાં-
રાત્રિતણે ચરમ આ સમયે સુમંદ
રેલાય તારું મહિમન્ સ્તવને સકંપ
હૈયું, મને ધરતું જાગ્રતિની હવામાં.

તારી અહીં જલતી નિશ્ચલ એક જ્યોતિ,
અંજાય એની દ્રગમાંહિ પ્રશાન્ત દીપ્તિ !
અંધારઆવરણ ઓસરી જાય, સૃષ્ટિ
આભાથી ઉજ્જવળ વિલક્ષણ રૂપ સ્હોતી !

ઉત્ફુલ્લ પદ્મતણી હ્યાં પમરે સુગંધ,
માધુર્ય જેનું અનુપ્રાણિત અંગઅંગે;
ને રોમહર્ષમય કંપનના તરંગે
શી ચિન્મયી પરમ શક્તિ રહી સ્ફુરંત !

હે ભૈરવી ! હૃદયને દલ તું રમંત;
તું મૃત્યુશાન્ત શવને શિવ શું કરંત !