ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/કિશોર જાદવ/કાગ-કન્યા

Revision as of 10:12, 28 June 2021 by NileshValanki (talk | contribs)
કાગ-કન્યા

કિશોર જાદવ

આખરે થાકીને, અમી ગુસ્સામાં અને કંઈક દુઃખમાં સ્ટેશનેથી પાછી ફરી. બાએ પ્રેમલના સમાચાર પૂછ્યા. પણ એનો ઉત્તર વાળ્યા વિના એ સીધી જ અંદરના ખંડમાં ગઈ. પ્રેમલ પર કાગળ લખીને ચોળીમાં દબાવ્યો. બાની પૂજાવેળા થઈ ગઈ હતી. પૂજાની સામગ્રી ગોઠવવાનું બા કહે તે પહેલાં કાગળને રવાના કરવો જોઈએ. વિચારીને, એ ઉતાવળે પગલે બહાર નીકળી ગઈ. ને બા કંઈક અસ્પષ્ટ ગણગણ્યાં. છેલ્લે, એમનો ઘાંટો સંભળાયો : ‘ઘીની વાટ ખૂટી જવા આવી છે. જાય છે તો બજારમાંથી…’

ત્યારે તો અમી છેક રસ્તા પર આવી ચૂકી હતી. દૂર, આગળના મકાનમાં છાયા રહેતી હતી. એ યાદ આવતાં જ, મનમાં કશીક વિચિત્રતા સળવળી ઊઠી. છાયાનું નિરંજન પ્રત્યેનું સાવ અજુગતું વર્તન અવારનવાર એને એ એવી સ્થિતિમાં મૂકી દેતી કે નિરંજનનો ઊતરી ગયેલો ચહેરો જોઈ, પોતાને લાગી આવતું. છાયાની એ વિષમ રીતભાતથી મૂંઝવણ થઈ આવતી – કશું જ સમજાતું નહીં. ખ્યાલમાં, અમી ઘડીભર ત્યાં થંભી. થયું કે છાયા એની સાથે હોય તો ઠીક. ને એ મકાન તરફ ફંટાઈ. નીચે જ ઊભા રહીને જોરશોરથી એણે બૂમ પાડી : ‘છાયા…ઓ…છાયા… છાયા છે?’

ને અગાસી પરથી છાયાનો ચહેરો નીચે ઝૂક્યો.

‘અરે તું…! પણ બૂમો કેમ પાડે છે…?’

અચાનક બૂમાબૂમ કરી મૂકી એનું ભાન થઈ આવતાં, અમીએ ભોંઠપ અનુભવી…

‘ચાલ. આવવું છે…? બહાર…ખાલી…’

‘તે પણ તારાથી ઉપર નથી અવાતું? જવાય છે. આવ ને…!’

‘હં…’ કહીને અમી આવેશભેર દાદરનાં પગથિયાં ચઢી ગઈ. જોયું તો, છાયા સાડીઓ ઉકેલવામાં લાગી ગઈ હતી. ‘જો અમી, આ જયંતને ગમતી… આ…નિરંજનને અને આ કિરમજી રંગની મહેન્દ્રને… કઈ…?’

‘એક, બે અને ત્રણ એટલે શંકર ભગવાનનું ત્રિશૂળ થાય.’

‘કપાળ, તારા શંકર ભગવાનનું…’

‘એમના કપાળ પરનું ત્રીજું નેત્ર તેં નહીં જોયું હોય.’

અમીના ઉગ્ર અવાજથી છાયાએ સહેજ ઊંચે જોયું. એની એકીટશે મંડાઈ રહેલી આંખોએ, અમીને અસ્વસ્થ કરી મૂકી. ક્ષણભર, બન્ને મૌન હતાં. છાયાએ ઝટપટ સાડીને લપેટી લીધી. અને એ જ રીતે, બન્ને ભારેખમ ચહેરે નીચે ઊતર્યાં. રસ્તા પર આવતાં, છાયાથી ન રહેવાયું:

‘કેમ આજે કોના પર રોષે ભરાઈ છે, આટલી બધી? હં…હા… પ્રેમલ ગયા, અમી?’

‘આખો દિવસ સ્ટેશન પર રખડી. મળવાનું કહ્યું હતું ને! છેલ્લે ડબ્બામાં એમની પીઠ દેખાઈ. ત્યારે તો ગાડી ઊપડવાની તૈયારી પર હતી. ચઢી જવાનો…’

‘પણ હિંમત ન ચાલી, નહીં…? બિચારા પ્રેમલભાઈ… એમ કહે કે તને એ મળવા ન પામ્યા. ક્યાંય આથડતા હશે, તને શોધવા. પ્રેમલભાઈ…!’ ભારપૂર્વક બોલતાં, છાયા ખડખડાટ હસી પડી. ને અમી અસ્થિર નજરે એના પ્રતિ જોઈ રહી.

ત્યારે બન્ને રાજમાર્ગ આગળ આવી પહોંચ્યાં હતાં. અહીં માણસોની ઠીક ઠીક ધમાલ હતી. સામસામેના થાંભલા પરની બત્તીઓનો પ્રકાશ અન્યોન્ય છેદાઈ રહ્યો હતો. એમાં, પગથીની ધાર નીચે ખાળમાં સડતાં પાંદડાં અને કાગળના ડૂચાને અમી ધારી ધારીને જોઈ રહી હતી. ને આકસ્મિક છાયાનો હાથ એના વાળને ઘસાયો.

‘હું આવું છું, અમી. તું ઊભી રહેજે…હાં…નિરંજનને જતો મેં જોયો.’ છાયા, શ્વાસભેર આગળની ભીડમાં સરકી ગઈ.

ને એ ઘોંઘાટમાં અકળામણ થઈ આવતાં અમી સામેના ખૂણા તરફ વળી. અહીં ઝાડવાંઓને લીધે, વાતાવરણમાં ઘેરાશ વરતાતી હતી. પણ બાજુ પર ઊભેલી છૂટી ઘોડાગાડીઓ સુધી અજવાળું પથરાઈ રહ્યું હતું. સડક પર પડતા એમના ત્રાંસા પડછાયાઓ… ઘોડાનાં નસકોરાંનો ફુરહાટ અને એમની ચળકતી ચામડીની થરથરાટી… બધું ગમી જાય એવું હતું. ફક્ત, હવાના ભેજમાં કશીક તીક્ષ્ણ વાસ આવી રહી હતી. પણ આસપાસ બધું ખૂબ જ આહ્લાદદાયી લાગતું હતું. ને ત્યાં એ આમતેમ થોડુંક ઘૂમી. એટલામાં છાયા આવી પહોંચી.

‘ચોક્કસ, નિરંજને મને જોઈ હશે. પણ…પણ…તને મારી સાથે જોતાં ચાલતો થયો. કંટાળો આવશે, એમ ધારીને. હોત તો એની મઝા લાવત. અરે, પણ તું અહીં ક્યાં ઊભી છે?’

અમી જાણે કંઈ ફંફોળતી હોય એમ, નીચે નજર ફેરવતી હતી, ‘માથાની પિન પડી ગઈ છે…’

‘તુંય શું…?’ છાયાએ એના વાંસા પર હાથ ફેરવ્યો. ‘ચાલ, કઈ બાજુ જઈશું હવે…? તું જ કહે…અમી…’

એના સ્વરની કુમાશનો રણકો અમીને સ્પર્શી ગયો.

‘ચાલને આમ ક્યાંક. થોડેક જઈને પાછાં વળી જઈશું.’ જુસ્સાભેર એ બોલી.

ને બન્ને આગળ વધ્યાં. સામે દૂર વિસ્તરતી જતી સડકનો લાંબો મધ્યભાગ, જાણે ઘોડાની પીઠની જેમ ચમકી રહ્યો હોય એમ અમીને લાગ્યું. આજુબાજુનાં હારબંધ વૃક્ષોમાંથી વહી આવતો હળવો પવન જાણે અહીંના તેજમાં પથરાઈને રેલાઈ રહ્યો હતો. ને બન્ને એકબીજાની ચુપકીદીને તોડવા મથ્યાં. છાયાના ચહેરા પરની ક્ષણિક વ્યગ્રતાને પકડવા અમીએ પ્રયત્ન કર્યો. ત્યાં અચાનક એનું ધ્યાન પાણી-ટપકતા નળ તરફ દોરવાયું. એને કુતૂહલ થયું.

‘જો…છાયા…’ નળ પર ચાંચ મારતા કાગડા તરફ એણે આંગળી ચીંધી. પણ એના અવાજ સાથે જ, એ ત્યાંથી ઊડી ગયો. ને જઈને, નજીક બેઠેલી ગાયની ખાંધ પર પગ ઠેરવ્યા. અમીને રસ પડ્યો. જરા પણ પદસંચાર ન થાય એમ, છાયાને આસોપાલવના વૃક્ષ નીચે લઈ ગઈ. અહીંથી, આખું દૃશ્ય ઝીણવટથી નીરખી શકાતું હતું. ને છાયા કંઈક અણગમો વ્યક્ત કરે એ પહેલાં અમીએ ઇશારાથી એને ચૂપ કરી.

ગાયની પીઠ પર, કાગડાએ ભીની ચાંચને આડીઅવળી ઘસી. ગાય સળવળી. તરત, ખૂબ જ સિફતથી ચાંદાવાળા ભાગ પર એણે ચાંચ ઠોકી. ઘડીભર આજુબાજુ જોઈ લીધું. ને એકસામટો એણે હુમલો કર્યો. ગાયે જોરથી માથું ધુણાવ્યું.

‘અહીંથી આપણે જઈએ, અમી…’

‘રહે ને, થોડી વાર…’ અમી દાબભેર બોલી.

ત્યારે ઊડાઊડ કરતો કાગડો ગાયના વિરોધને ગણકાર્યા વિના ચાંદાને કોચી રહ્યો હતો. ગાયે પીઠ ફેરવવા પ્રયત્ન કર્યો. અસહ્ય વેદનામાં જડબાને જમીન સાથે ઘસવા લાગી, ને અનુકૂળતા શોધવા એક પગ અધ્ધર રાખીને, ત્યાં જ ચપસી રહેવા, કાગડાએ બળપૂર્વક પાંખો ફફડાવી.

છાયાએ કાંકરી ઉછાળી. એના હાથ પકડી લેતાં, અમી સખતાઈભર્યા અવાજે બોલી : ‘ના…નહીં, છાયા…’

એ સાથે, ગાય મરણિયો પ્રયાસ કરીને ઊભી થઈ ગઈ. કાગડો ત્યાંથી ઊડતો પેલા નળ તરફ ગયો ને ત્વરિત વેગે પાછો ફર્યો.

‘આટલી વાર, છાયા…પ્લીઝ…જોઈએ તો ખરાં, શું થાય છે…?’

અમીના આર્દ્ર અવાજથી છાયા અનિચ્છા છતાંય, કશીક જિજ્ઞાસામાં થોભી. પણ આ સમયે, ગાય સહેજસાજ વિરોધ કરીને શાંત થઈ ગઈ હતી. એની એ દયનીયતા પર અમીને અત્યંત રોષ ઊપજ્યો. ધીમે ધીમે, મનમાં કશુંક ઝનૂન પણ થઈ આવ્યું. ત્યારે છાયા, કાગડાની એ આક્રમકતાને ખુન્નસભરી નજરે ક્યાંય વાર સુધી જોઈ રહી. આખરે, હવામાં હાથ વીંઝીને, કાગડાને ઉડાડી મૂક્યો. ને બન્ને ત્યાંથી ચાલતાં થયાં.

ખુલ્લી જગ્યામાં આવતાં, એમને આશ્ચર્ય થયું. સ્ટેશન અહીંથી દૂર નહોતું. ફાટક નજીક તાપણું ઝગી રહ્યું હતું. ગાડીનો ઘરેરાટ સંભળાઈ રહ્યો હતો. ઠંડી પણ કાતિલ હતી.

‘ત્યાં પગથિયાં પર હારબંધ બેઠેલા પૉર્ટરો, લાલ ડોકવાળાં ગીધ હોય એવું નથી લાગતું, છાયા…?’ તાપણા નજીક આવતાં અમી બોલી.

‘હં…એવું જ કંઈક લાગે છે…’

એ વેળા અમીને વળી કંઈક યાદ આવ્યું. પ્રેમલ પરના પત્રને બહાર કાઢ્યો. એના ટુકડેટુકડા કરીને તાપણામાં ફેંક્યા!

‘શું હતું, અમી…?’

‘પ્રેમલ પર કાગળ લખ્યો હતો. ખાસ કશું નહીં. એ તો ઠીક પણ મારે તારી હિંમત જોવી છે, હવે! ચાલ આવવું છે, આ રસ્તા બાજુ?’ અમીએ, રસ્તા તરફ સૂચિત દૃષ્ટિ ફેંકી.

પ્રથમ તો છાયાએ ચકિત નજરે એના પ્રતિ જોયું. ક્ષણાર્ધમાં એકબીજાને કળી ગયાં હોય એમ હાથમાં હાથ ભિડાવીને, દૂરના અડાબીડ અંધકારમાં બન્ને અદૃશ્ય થઈ ગયાં.