એકોત્તરશતી/૨૨. રાત્રે ઓ પ્રભાતે

Revision as of 12:41, 28 March 2023 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|રાત્રે અને પ્રભાતે (રાત્રે ઓ પ્રભાતે)}} {{Poem2Open}} કાલે વસંતની રાત્રે જ્યોત્સનાનિશીથે કુંજકાનનમાં સુખપૂર્વક ફીણવાળી ઊછળતી યૌવનસુરા મેં તારે મોઢે ધરી હતી. તેં મારી આંખો તરફ જોઈ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


રાત્રે અને પ્રભાતે (રાત્રે ઓ પ્રભાતે)

કાલે વસંતની રાત્રે જ્યોત્સનાનિશીથે કુંજકાનનમાં સુખપૂર્વક ફીણવાળી ઊછળતી યૌવનસુરા મેં તારે મોઢે ધરી હતી. તેં મારી આંખો તરફ જોઈને ધીરેથી પાત્ર હાથમાં લીધું હતું, હસીને ચુંબનભર્યાં સરસ બિંબાધરે પાન કર્યું હતું—કાલે વસંતની રાત્રે જ્યોત્સનાનિશીથે મધુર આવેશપૂર્વક. તારું અવગુંઠન મેં ખેંચીને ખોલી નાખ્યું હતું, તારા કમલકોમલ હાથ મેં ખેંચીને છાતી ઉપર રાખ્યા હતા. ભાવથી તારી બંને આંખો મીંચાઈ ગઈ હતી. તારા મોંમાં વાણી નહોતી. મે બંધનને શિથિલ કરીને કેશરાશિ ખોલી નાખ્યો હતો, તારું નમેલું મુખ મેં સુખથી છાતી ઉપર લાવીને મૂક્યું હતું — આ બધાં લાડ હે સખી, તે હાસ્યમુકુલિત મુખે સહન કર્યાં હતાં, કાલે વસંતની રાત્રે જ્યોત્સનાનિશીથે નવીન મિલનના સુખપૂર્વક. આજે નિર્મળ વાયુવાળા શાંત ઉષાસમયે નિર્જન નદીતીરે સ્નાન પૂરુ થતાં તું શુભ્ર વસ્ત્રો ધારણ કરીને ધીરે ધીરે જઈ રહી છે. તું ડાબા હાથમાં છાબ લઈને કેટલાંય ફૂલ ચૂંટી રહી છે, દૂર દેવાલયમાં બંસરીમાં ઉષાની રાગિણી બજી ઊઠે છે—આજે આ નિર્મળ વાયુવાળા શાંત ઉષાસમયે જાહ્નવીને તીરે. દેવી, તારી સેંથીમાં નવી લાલ સિંદૂર રેખા આંકેલી છે, તારા ડાબા હાથને તરુણ ઇન્દુ લેખા શી શંખની ચૂડી વીંટળાયેલી છે. આ શી મંગલમય મૂર્તિ પ્રગટ કરીને તું પ્રભાતે દર્શન દઈ રહી છે! પ્રાણેશ્વરી, રાતે પ્રેયસીનું રૂપ ધારણ કરીને તું આવી હતી, પ્રભાતે કોણ જાણે ક્યારે તું દેવીને વેશે હસતી હસતી સામે ઉદય પામી- સંભ્રમ(ભયમિશ્રિત આદર)પૂર્વક અવનતશિરે દૂર ઊભો રહ્યો છું—આજે નિર્મળ વાયુવાળા શાન્ત ઉષાસમયે નિર્જન નદીતીરે.

(અનુ. નગીનદાસ પારેખ)