એકોત્તરશતી/૩૫. કૃષ્ણકલિ

Revision as of 13:04, 28 March 2023 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કૃષ્ણકલિ (કૃષ્ણકલિ )}} {{Poem2Open}} કૃષ્ણકલિ હું તેને જ કહું છું, ગામના લોક તેને કાળી કહે છે. વાદળાંવાળા દિવસે મેદાનમાં મેં કાળી છોકરીની કાળી હરણજેવી આંખો જોઈ હતી. તેને માથે ઘૂમટો બ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


કૃષ્ણકલિ (કૃષ્ણકલિ )


કૃષ્ણકલિ હું તેને જ કહું છું, ગામના લોક તેને કાળી કહે છે. વાદળાંવાળા દિવસે મેદાનમાં મેં કાળી છોકરીની કાળી હરણજેવી આંખો જોઈ હતી. તેને માથે ઘૂમટો બિલકુલ હતો નહિ, છૂટી વેણી પીઠ ઉપર આળોટતી હતી. કાળી? ભલે ને ગમે એટલી કાળી હોય, મેં તેની કાળી હરણજેવી આંખો જોઈ છે. ગાઢ વાદળાંથી અંધારુ થઈ ગયું જોઈને બે શ્યામળી ગાયો ભાંભરડા દેતી હતી, શ્યામળી છોકરી એટલા માટે વ્યાકુળ પગલે ઝૂંપડીમાંથી હાંફળીફાંકળી થઈને આવી. પોતાની બે ભમરોને આકાશ તરફ ચડાવીને સહેજવાર મેઘનો ગુરુગુરુ અવાજ સાંભળ્યો. કાળી? ભલેને ગમે એટલી કાળી હોય, મેં તેની કાળી હરણજેવી આંખો જોઈ છે. પૂર્વનો વાયુ અચાનક ધસી આવ્યો, ધાનના ખેતરમાં હિલોળા જગાવી ગયો. શેઢા ઉપર હું એકલો ઊભો હતો. મેદાનમાં બીજું કોઈ નહોતું. મારા તરફ ધારીને જોયું કે નહીં તે હું જાણું ને તે છોકરી જાણે. કાળી? ભલે ને ગમે એટલી કાળી હોય, મેં તેની કાળી હરણજેવી આંખો જોઈ છે. આ જ રીતે કાજળ જેવાં કાળાં વાદળ જેઠ મહિનામાં ઈશાન ખૂણામાં(ચડી) આવે છે. આ જ રીતે કાળી કોમળ છાયા આષાઢ મહિનામાં તમાલ વન ઉપર ઊતરે છે. આ જ રીતે શ્રાવણની રાતે એકાએક ચિત્તમાં આનંદ ગાઢ બની જાય છે. કાળી? ભલે ને ગમે એટલી કાળી હોય, મેં તેની કાળી હરણજેવી આંખો જોઈ છે. કૃષ્ણકલિ હું તેને જ કહું છું, બીજા લોકોને બીજું જે કહેવું હોય તે કહે. મયનાપાડાના મેદાનમાં મેં તે કાળી છોકરીની કાળી હરણજેવી આંખો જોઈ હતી. તેણે માથા ઉપર છેડો નાખ્યો નહોતો, લજ્જા પામવાની તેને કુરસદ મળી નહોતી. કાળી? ભલે ને ગમે એટલી કાળી હોય, મેં તેની કાળી હરણજેવી આંખો જોઈ છે,

(અનુ. નગીનદાસ પારેખ)