એકોત્તરશતી/૫૫. શુભક્ષણ
ઓ મા, રાજાનો કુંવર આજે મારા ઓરડાની સામેના રસ્તા પર થઈને જવાનો છે—આજે આ પ્રભાતે ઘરનું કામ લઈને હું કેવી રીતે બેસી રહું, કહે! હું આજે કયા સાજ શણગાર કરું, અંબોડો કેવો બાંધું, અંગ પર કયા રંગનું કપડું કેવી ભંગીમાં પહેરું એ મને કહે! મા રે, તને શું થયું? આંખે ફાડીને તું મારા મોં સામે કેમ જોઈ રહી છે? હું બારીના ખૂણામાં જ્યાં ઊભી રહીશ ત્યાં એ નજર નહિ કરે એની મને મનમાં ખબર છે. પલક પડતાં જ એને જોવાનું પૂરું થઈ જશે અને એ દૂર દૂર ચાલ્યો જશે. માત્ર એની સાથેની બંસી કોઈ મેદાનમાંથી વ્યાકુળ સૂરે બજતી રહેશે. તો પણ, રાજાનો કુંવર આજે મારા ઓરડાની સામેના રસ્તા પર થઈને જવાનો છે, એટલે માત્ર એ એક પળ માટેયે વેશભૂષા કર્યા વગર હું કેવી રીતે રહી શકું, કહે.
ઓ મા, રાજાનો કુંવર મારા ઓરડાની સામેના રસ્તા પર થઈને ચાલ્યો ગયો. પ્રભાતનું અજવાળું એના સોનાના શિખરવાળા રથ ઉપર ઝળહળી ઊઠયું. ઘૂમટો ખસેડીને બારીમાંથી મેં એને એક પળવાર જોઈ લીધો છે—મારા મણિનો હાર તોડીને મેં એના રસ્તાની ધૂળમાં ફેંકી દીધો!
મા રે, શું થયું તને? આંખો ફાડીને શા સારુ તું જોઈ રહી છે? મારા હારનો તૂટેલો મણિ એણે ઉપાડી લીધો નહિ, રથનાં પૈડાંથી તે ચુરાઈ ગયો છે—ઘરની સામે માત્ર પૈડાંનાં નિશાન પડેલાં રહ્યાં છે. મેં કોને શું આપ્યું તે કોઈ જાણતું નથી. એ તો ધૂળમાં ઢંકાયેલું જ રહ્યું. તોયે, રાજાનો કુંવર મારા ઓરડાની સામેના રસ્તા પર થઈને ચાલ્યો ગયો, તેવે વખતે મારી છાતીનો મણિ તેની સામે ફેંકી દીધા વગર હું કેવી રીતે રહી શકું, કહે!