દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૧૦. સોપારીનું ઝાડ

Revision as of 16:00, 4 April 2023 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૦. સોપારીનું ઝાડ|મનહર છંદ}} <poem> ઊંચું ઊંચું વધી શોભે એ થકી છે નીચાં સારાં, જે થકી પોષણ સદા થાય છે સંસારીનું; આપે લખશીશ બની રંજનને રાજી કરે, વણિકનું દાન જેવું તાળીની તૈયારીનું;...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૧૦. સોપારીનું ઝાડ

મનહર છંદ


ઊંચું ઊંચું વધી શોભે એ થકી છે નીચાં સારાં,
જે થકી પોષણ સદા થાય છે સંસારીનું;
આપે લખશીશ બની રંજનને રાજી કરે,
વણિકનું દાન જેવું તાળીની તૈયારીનું;
આશ્રય કરીને કોઈ પ્રાણી ન આરામ પામે,
દાખે દલપત્ત પેખો ઝાડ આ સોપારીનું;
સર્જ્યું તોય ઠીક છે ન સર્જ્યું હોત તોય ઠીક,
જેને ફળે પેટ ન ભરાય નર નારીનું.

  • * *

સોપારી કહે છે કવિ કાં મને ધિક્કાર કરે,
મને તો સર્જી છે મીજલસને શોભાવવા;
મારા વિના વરઘોડા સારા કેમ શોભત ને,
કેને તમે કહેત સાજનમાં સિધાવવા;
મોટાં મોટાં સુંદર છે મંદિર અમારાં એથી,
શેહેર શોભે છે સારાં પ્રેમ ઉપજાવવા;
તાડ ઝાડતણી તુલ્ય નથી દલપતરામ,
સારે સમે છીએ ઉપયોગ યોગ્ય આવવા.