દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૨૯. વિવિધ ઋતુઓનું વર્ણન

Revision as of 09:32, 8 April 2023 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૯. વિવિધ ઋતુઓનું વર્ણન|ચોપાઈ}} <poem> શીઆળે શીતળ વા વ્હાય, પાન ખરે ઘઉં પેદા થાય; પાકે ગોળ કપાસ કઠોળ, તેલ ધરે ચાવે તંબોળ. ધરે શરીરે ડગલી શાલ, ફાટે ગરીબતણા પગ ગાલ; ઘટે દિવસ ઘણી મોટી ર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૨૯. વિવિધ ઋતુઓનું વર્ણન

ચોપાઈ


શીઆળે શીતળ વા વ્હાય, પાન ખરે ઘઉં પેદા થાય;
પાકે ગોળ કપાસ કઠોળ, તેલ ધરે ચાવે તંબોળ.

ધરે શરીરે ડગલી શાલ, ફાટે ગરીબતણા પગ ગાલ;
ઘટે દિવસ ઘણી મોટી રાત, તનમાં જોર મળે ભલીભાત.

ઉનાળે ઉંડાં જળ જાય, નદી સરોવર જળ સુકાય,
પામે વનસ્પતિ સૌ પાન, કેસુડાં રૂડાં ગુણગાન.

સારા હોજ ફુવારા બાગ, પ્યારા ચંદન પંખા લાગ;
બોલે કોયલ મીઠા બોલ, તાપ પડે તે તો વણતોલ.

ચોમાસું તો ખાસું ખૂબ, દિસે દુનીઆ ડુબાડુબ;
મોર ઉચારે રાગ મલાર, ખેતર વાવે ખેતીકાર.

ચંપા ચંપેલી જુઈ જાય, ફુલે ગુલાબ ભલાં ફુલાય;
છત્રી ચોમાસે સુખમાટ, ચાખડીઓ હીંચોળાખાટ.