અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુપ્રસાદ ત્રિવેદી/વિલોપન

Revision as of 10:43, 28 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> આંગણાના તડકાને કારિંગડાના બીયામાં ગોળ ગોળ કરકોલતી ખિસકોલી... હલ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

આંગણાના તડકાને
કારિંગડાના બીયામાં ગોળ ગોળ કરકોલતી ખિસકોલી...

હલકતી વાટે લાલ મોરિયાને કાંઠે
ફરકી ઊઠતી પાંખ
અને ઘડી ઘડી ડબૂકતી ચાંચ...

આંબાની ઘટા નીચે થાક ઉતારતા
બોહરા ફાળિયા પર મુકાયેલો રોટલો,
તાંસળામાં ઘમઘમતી તાજી છાશની મહેક...

ભીની હથેળીઓથી મોં લૂછતી
શેઢે આવીને ઊભેલી
તસતસતી છોડીના હોઠ જેવાં
આંખફુટામણીનાં ઘિલોડાં, ને ગળો, ને કૂકડવેલા
ને ટાપાટૈયા ને એ બધાથી અડાબીડ થઈ ગયેલી
વાડની પાછળ ઊભી ઊભી
ડોકિયું કરી લેતી સાંઝ...

મંદિરની ઝાલરમાંથી પમરતો
તુલસી-કષાય નાદ...
કોડિયાની જ્યોતને
આડશ ધરી રાખીને જઈ રહેલી
રાતી રાતી આંગળીઓવાળી હથેલી...
લીમડામાં ઘેરાયેલી
ઘટાદાર નીંદર...

મંજીરા-ખલબલિયાં-તાનપૂરો-ઢોલકના તાનમાં
લ્હે-લૂ થઈ ગયેલાં ભજનને અંતે
રાતના ત્રીજા પહોરમાં ગાજતી,
હવામાં ભગવું ઘેન ઘૂંટતી
હાવળો...

અરે એ બધું — ને એવું એવું કંઈ કેટલુંય
હવે તો મારા શ્વાસમાંથી ઉતરડી લો!