દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૭૦. ડુંગર દૂરથી રળિયામણા

Revision as of 15:56, 11 April 2023 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૭૦. ડુંગર દૂરથી રળિયામણા}} <poem> ડુંગરા દૂર થકી રળિયામણા રે, પાસે જાય ત્યાં પથરા હોય હો લાલ; નહિ ગુણ ગણીએ મોટા નામથી રે, તેની તારીફ સુણિયે તોય હો લાલ; સરોવરથી સાગર મોટો સુણી રે, પં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૭૦. ડુંગર દૂરથી રળિયામણા


ડુંગરા દૂર થકી રળિયામણા રે,
પાસે જાય ત્યાં પથરા હોય હો લાલ;

નહિ ગુણ ગણીએ મોટા નામથી રે,
તેની તારીફ સુણિયે તોય હો લાલ;

સરોવરથી સાગર મોટો સુણી રે,
પંખી પહોંચ્યાં રાખી પ્યાર હો લાલ;

પાણી પીને સુખ નહિ પામીઆં રે,
તેની તરસ ન ગઈ તલભાર હો લાલ;

જોઈને દીપક જોત પતંગિયાંરે,
પડીઆં ઉપર ધરીને પ્રીત હો લાલ;

પાંખો દાઝી પીડા પામિયાં રે,
ખૂબ ખૂબ પામ્યાં ખેદ ખચીત હો લાલ;

ઇંદરવરણાં ફલ અતિ ઓપતાં રે,
મુખમાં મેલે નહિ મીઠાશ હો લાલ;

ઉજળું દૂધ અનુપમ થોરનું રે,
તે તો પીતાં ઉપજે ત્રાસ હો લાલ;

ઝાઝા જળનાં દેખી ઝાંઝવાં રે,
મૃગના મનમાં હરખ નમાય હો લાલ;

દોડી દોડીને દુઃખ પામીઆં રે,
જઈને જોતાં કાંઈ ન જણાય હો લાલ;

આંબા જેવાં કોઈ આકોલીઆં રે,
કોયલ કરતી હતી આશ હો લાલ;

પછી તે દીધાં પૂરાં પાકવા રે,
કરડી જોતાં માંહિ કપાસ હો લાલ;

મણિની આશે મણિધર સેવિયો રે,
ઘણી રૂડી રીતે રાખ્યો ઘેર હો લાલ;

માસ ગયા બહુ પણ ન મળ્યો મણિ રે,
ઝાઝું દીઠું ઉલટું ઝેર હો લાલ;

સોનું વાલજ દેતી શંખલી રે,
તે તજી લીધો શંખ લપોડ હો લાલ;

બહુ બોલે પણ દમડી દે નહિ રે,
કહેશે લેને લાખ કરોડ હો લાલ;

ભૂલ્યોભમરો વનમાં ભટકતો રે,
ફૂલ્યાં જોઈ આવળનાં ફૂલહો લાલ.

કાંઈ સુગંધ ન પામ્યો સુંઘતા રે,
મનમાં સમજ્યો મોટી ભૂલહો લાલ;

સુંદર હીરા સરખો શોભતો રે,
કિમ્મત પામે કાચ ન કોઈ હો લાલ;

કેરી કેળાં કિધાં કાઠનાં રે,
જનની ભૂખ ન ભાગે જોઈ હો લાલ;

શોભે દૂરથી દોલત સૂમની રે,
પણ તરશાંને પાણી ન પાય હો લાલ;

છેલે નરસા નિપજે છોકરા રે,
લક્ષ્મી લાખ રીતે લુંટાય હો લાલ;

શોભે પણ પથરાની પૂતળી રે,
સઘળો ન ચલાવે સંસાર હો લાલ;

દસકત આ છે દલપતરામના રે,
વાંચી કરજો ચિત્ત વિચાર હો લાલ;