દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૮૧. અટકચાળો છોકરો

Revision as of 05:15, 15 April 2023 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૮૧. અટકચાળો છોકરો|દોહરા}} <poem> એક અડપલો છોકરો, જીવો જેનું નામ; અતિશે કરતો અડપલાં, જઈ બેસે જે ઠામ. કાગળ કાં લેખણ છરી, જે જે વસ્તુ જોય; ઝાલે ઝુમી ઝડપથી, હીરા જેવી હોય. ના ના કહી માને ન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૮૧. અટકચાળો છોકરો

દોહરા


એક અડપલો છોકરો, જીવો જેનું નામ;
અતિશે કરતો અડપલાં, જઈ બેસે જે ઠામ.

કાગળ કાં લેખણ છરી, જે જે વસ્તુ જોય;
ઝાલે ઝુમી ઝડપથી, હીરા જેવી હોય.

ના ના કહી માને નહીં, કહ્યું ન ધારે કાન;
એને પણ દિન એકમાં, સર્વ વળી ગઈ સાન.

ડોસો ચસ્માં ડાબલી મેલી ચડીઆ માળ;
અતિ આનંદે અડપલે, તે લીધાં તત્કાળ.

ચશ્માં નાક ચડાવીઆં, ખાડાળાં જે ખૂબ;
ડાબલી લીધી દેખાવા, ધારીને પગ ધુબ.

ઢીલું ન હતું ઢાંકણું, જબરૂ કીધું જોર;
ઉઘડતાં તે ઉછળ્યું, કીધો સોર બકોર.

આખા મોં ઉપર પડી, તેમાંથી તપખીર;
ફાંફાં મારે ફાંફડો, ધારી ન શક્યો ધીર.

ચશ્માં નાંખ્યાં ચોકમાં, છીંછીં છીંકો ખાય;
થાક્યો તે થુ થુ કરી, જીવો રોતો જાય.

ચોળે ત્યાં તો ચો ગણો, આંખે અંધો થાય;
ડોસે દીઠો દીકરો, ચશ્માંના ચુરાય.

ડોસે ડારો દઈ કહ્યું, હસવું તે થઈ હાણ;
લાડકડા એ લાગનો, જીવા છું તું જાણ.

ચશ્માં તો વસમાં થયાં, ડબીએ વાળ્યો ડાટ;
જીવે ફરીને જીવતાં, ઘડ્યો ન એવો ઘાટ.