રમી રહ્યાં કોમલ રશ્મિ સૂર્યનાં
આ ગુલ્મને આંગણ
પારિજાતની સુગંધમીઠી ઝરી જ્યાં પ્રસન્નતાં.
પણે ચણે ધૂલિથી ધાન્યના કણ
ટોળે મળી કાબર, ચાષ
કલ્બલ તે કેટલી ?
ચંચલ કૈં !
અકારણ ઊડી જતાં ડાળ વિષે
અને ફરી તુરંત ભેળાં વળી એ જ ધૂળમાં !
ને માર્ગથી ગૌચરની ભણી ધણ ધસંત
હંભારવમાં બધાય તે અવાજ ઝાંખા
ઘર, હાટ, ઘાટના...
આ વ્યોમનો ઝાકળ-ધૌત નિર્મલ
ડ્હોળાય આખો અવકાશ
રૂપ શું પ્રકાશનું એથી વિશેષ ઉજ્જવલ !
સુષુપ્તિનો જે અનુબોધ
કર્મને કોલાહલે તે લહું શાન્તિ ગોચર !