શાંત કોલાહલ/કણી

Revision as of 09:47, 16 April 2023 by Meghdhanu (talk | contribs) (formatting corrected.)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
કણી

લોચનમાં ગઈ લાગતી કણી :
આમથી લગીર આમ વાળું તહીં
કારમી એની વાગતી અણી.
પળનું યે પણ ચેન પડે નહીં
ઊમટી આવે નીર :
વ્હેણમાં યે નવ જાય વહી
અવ કેમ રે ધારું ધીર ?
આવડી નાની વાત, અલી ! પણ
આજ મને અકળાવતી ઘણી.

હું ય ભૂલી, કંઈ એમ સૂઝ્યું-
ને ઝૂલવી આંબાડાળ,
પાંદડે કોઈ લપાયેલ કીરની
રહી મને નહીં ભાળ,
પાંખને તે ફરુકાવ, મીઠે ટહુકાર,
આવ્યું કંઈ આંખની ભણી.

કમલદલનું મેલતી પોતું,
છાલકને જલ ધોઉં,
કોઈ સરે નહીં સાર, હારી હું
એકલી બેઠી રોઉં;
જીભને જાદુઈ ટેરવે અડી
કોણ મારી પીડા જાય રે હણી ?