દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૯૬. નવી દુનિયા વિષે

Revision as of 15:37, 19 April 2023 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૯૬. નવી દુનિયા વિષે|અદ્‌ભૂતરસ<br>દોહરો}} <poem> દીસે આ દુનિયા નવી, નવું નવું સૌ ઠામ; કોણ મને લાવ્યું અહીં, દાખે દલપતરામ ભુજંગી છંદ અરે આજ આંહી મને કોણ લાવ્યું, નવું વિશ્વ શું ઈશ્વરે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૯૬. નવી દુનિયા વિષે

અદ્‌ભૂતરસ
દોહરો


દીસે આ દુનિયા નવી, નવું નવું સૌ ઠામ;
કોણ મને લાવ્યું અહીં, દાખે દલપતરામ

ભુજંગી છંદ
અરે આજ આંહી મને કોણ લાવ્યું,
નવું વિશ્વ શું ઈશ્વરે આ વસાવ્યું;
ગયું ક્યાં હતું જેહ જૂની પ્રજાળું,
અહો, સૃષ્ટિ આ તો નવી હું નિહાળું.

બન્યા બાગ ને બંગલા ઠામ ઠામ,
નહીં જ્યાં હતું નીર મીઠાનું નામ;
નહીં દીસતું ઝાડનું એક ડાળું,
અહો સૃષ્ટિ આ તો નવી હું નિહાળું.

વિમાનો સમાં વાહનો ક્યાંથી આવ્યાં,
બહુ શોભિતા એહ કોણે બનાવ્યાં;
તુટ્યું જ્ઞાન ભંડારનું કેમ તાળું,
અહો સૃષ્ટિ આ તો નવી હું નિહાળું.

વિના બેલ અશ્વે રથો એહ થોડે,
જતાં આવતાં વાટમાં એહ જોડે;
ન ચાલી શકે કોઈ પ્રાણી પગાળું,
અહો સૃષ્ટિ આ તો નવી હું નિહાળું.

નહીં સાંભળેલી કદી ક્યાંઈ કાને,
કળાયો વધી સ્વર્ગવાસી સમાને;
પડે દૃષ્ટિ એ સૌ રૂપાળું રૂપાળું,
અહો સૃષ્ટિ આ તો નવી હું નિહાળું.

હતાં જે સ્થળે છાપરાં છેક છોટાં,
દિસે છે તહાં મંદિરો આજ મોટા.
ખરૂં આ હશે કે હશે સ્વપ્ન ઠાલું,
અહો સૃષ્ટિ આ તો નવી હું નિહાળું.

હશે સ્વર્ગ કે આ હશે મૃત્યુ લોક,
હશે સત્ય કે આ હશે સર્વ ફોક;
અરે એહ સંદેહને કેમ ટાળું,
અહો સૃષ્ટિ આ તો નવી હું નિહાળું.

જુદાં વસ્ત્ર દીસે જુદાં ખાનપાન,
જુદી જાત વાજાં જુદાં ગાન તાન;
નકી સર્વ જૂનાથી દિસે નિરાળું,
અહો સૃષ્ટિ આ તો નવી હું નિહાળું.

દિસે ધર્મ જુદા જુદા કર્મ કારી,
નવું રાજ દિસે નવા કારભારી;
બળિષ્ટે હતું તે દિસે નિર્બળાળું,
અહો સૃષ્ટિ આ તો નવી હું નિહાળું.

હતા ચોર લોકો જતા જ્યાં લુટારા,
તહાં તો દિસે છે ઘણા લોક સારા,
દુખાળું હતું સ્થાન તે છે સુપાળું,
અહો સૃષ્ટિ આ તો નવી હું નિહાળું.

વધેલી દિસે છે બહુ સ્થાન વસ્તી,
સુખી સંભવે છે પ્રજા તે સમસ્તી;
રસોહીન થાને થયું છે રસાળું,
અહો સૃષ્ટિ આ તો નવી હું નિહાળું.

અરે આ નવી સૃષ્ટિમાં આવવાથી,
ફર્યો દેહનો રંગ જુદી હવાથી;
થયું શ્વેત માથું હતું જેહ કાળું,
અહો સૃષ્ટિ આ તો નવી હું નિહાળું.

હતા જે જનો વૃદ્ધ તે ક્યાં સિધાવ્યા,
ક્યા દેશમાંથી નવા એહ આવ્યા;
ગયું ક્યાં જનોનું હતું જેહ જાળું
અહો સૃષ્ટિ આ તો નવી હું નિહાળું.