દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૧૦૦. વર્તમાનપત્રો વિષે

Revision as of 15:51, 19 April 2023 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૦૦. વર્તમાનપત્રો વિષે|દોહરા}} <poem> વર્તમાન પત્રો થકી; સ્વદેશહિત થનાર; પણ જો તેના હોય શુભ, લાયક જન લખનાર. ન લખે નિંદા કોઈની, ન લખે જૂઠ વખાણ; પક્ષપાતથી નવ કરે, કશિયે ખેંચાતાણ. કડવા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૧૦૦. વર્તમાનપત્રો વિષે

દોહરા


વર્તમાન પત્રો થકી; સ્વદેશહિત થનાર;
પણ જો તેના હોય શુભ, લાયક જન લખનાર.
ન લખે નિંદા કોઈની, ન લખે જૂઠ વખાણ;
પક્ષપાતથી નવ કરે, કશિયે ખેંચાતાણ.
કડવા કથન લખે નહિ, દિલ નવ રાખે દ્વેષ;
સગા ગણી સૌ લોકને, દે મધુરો ઉપદેશ.
પ્રાંત પ્રાંતમાં પરવરી, વિચરી વાટે ઘાટ;
સારી નરસી ઉચરતા, ચરણા ચારણ ભાટ.
એ પણ કામ અગત્યનું, ગણાય ગામો ગામ;
વર્તમાનપત્રો તણું, એ છે ઉત્તમ કામ.
ભલિ વિધિ ચારણ ભાટને, દેતા છૂટ નરેશ;
આડું અવળું ઉચરતાં, રીસ ન ધરતા રેશ.
રાજા તથા પ્રજા વિષે, સંપ થવા સર્વત્ર;
કર સદા ઉશ્કેરણી, વર્તમાનનું પત્ર.
જેમ ભર્યા ઘરમાં નહિ, દિવા વિના દેખાય;
વર્તમાનપત્રો વિના, જગ ચરચા ન જણાય.
સો પુસ્તક ઇતિહાસનાં, સમાચારનું એક;
તે સમજો સમતુલ્યા, વાંચો ધરી વિવેક.
ચકચકતી ચઢતી કળા, દેશ તણી દેખાય;
વળી વિદ્યા ને હુનરમાં, સ્થાનક ઘણાં સ્થપાય.
મળે વળી મુજ દેશીને, અતિ ઉત્તમ અધિકાર;
વાતો એવી વાંચીએ, કરે જગત કર્તાર.
વહેમ ઘટે વિદ્યા વધે, બધે સુધારો થાય;
દેશાટન કરવા વળી, જન હિંમતથી જાય.
સમાચાર એવા સરસ, વાર વાર વંચાય;
એવો અવસર આણજે, રૂડા જગતના રાય.
પ્રતિ દિન પ્રગટે પત્રમાં, વધામણીની વાત;
ઓ ઈશ્વર તું એટલું, ગણાય ગામો ગામ;
આશિષ એવી ઉરથકી દે છે દલપતરામ.