રચનાવલી/૨૯

Revision as of 15:24, 27 April 2023 by KhyatiJoshi (talk | contribs)


૨૯. દૂરના એ સૂર (દિગીશ મહેતા)


હમણાં હમણા ગુજરાતી સાહિત્યમાં થોકબંધ નિબંધો લખાતા રહ્યા છે. નિબંધ લખવા સહેલા છે પણ સારા નિબંધ લખવા અઘરા છે. તો લલિત નિબંધ લખવા તો એથી પણ અઘરા છે. વિષયથી ભારેખમ નહીં, ચિંતનથી લદાયેલા નહીં, વિચારોથી ઘેરાયેલા નહીં અને લાગણીથી લથપથ નહીં છતાં અંગત અનુભવને શીમળાના રૂની જેમ ઉડાડી રમતિયાળ રેખાઓ પાડતા નિબંધોના લેખકો આપણે ત્યાં બહુ થોડા છે. ભૂતકાળમાં કાલેલકરે એમની નજરે જોતા કરેલા. પછી સુરેશ જોષીએ એમની તરફ નજર માંડવા આપણને મજબૂર કરેલા અને સુરેશ જોષી પછી પોતાની કેટકેટલી અંગત સ્મૃતિઓને સોનામાં પલટી નાખવાનો કીમિયો દેખાડનાર દિગીશ મહેતાએ નજરબંધી કરેલી. દિગીશ મહેતાનો ‘દૂરના એ સૂર’ (૧૯૭૦) એ નિબંધસંગ્રહ મનની અનન્ય પળોનો સંગ્રહ છે. દિગીશ મહેતા અમદાવાદ શહેરમાં આવી વસ્યા છે. અંગ્રેજીમાં પારંગત થયા છે અને અંગ્રેજીના પ્રાધ્યાપક રહી કેટલાયને અંગ્રેજીમાં પારંગત કર્યા છે. એમના નિબંધોમાં અંગ્રેજી સાહિત્યનું વરખ ઠેરઠેર વળગેલું છે પણ આશ્ચર્યની વાત તો એ છે કે ઉત્તર ગુજરાતનું એમનું કોઈ ગામ કયારેય એમનાથી ભુલાયું નથી અને એ એમના નિબંધોમાં હાડ-માંસ થઈને ગોઠવાયું છે. દિગીશ મહેતા ‘ઘર’ને યાદ કરતાં હોય, ‘પુલ’ને યાદ કરતા હોય, ‘પાત્રો’ અને પ્રવાહ’ને યાદ કરતા હોય કે પછી ‘મેળો’ યા ‘લોક’ને યાદ કરતા હોય, એમનું ગામ વાતાવરણ બનીને એમના નિબંધોમાં છવાઈ જાય છે. એક જગ્યાએ તેઓ કહે છે કે ‘મૂળિયાના તીખા અંકોડા’ એ એક બંધન છે, તો આધાર પણ એ જ છે ને?' આમ, એમના નિબંધોમાં ગામ એ બંધન છે, તો ગામ એ આધાર પણ છે. ગામનું ચિત્ર જુઓ : ‘પેલા દૂરના મઠના કોટની દીવાલ, પેલી પુલની રેખા, પેલી ઝાડીની ઘેરી ઘટા, પેલા પાવડિયાં, તે પર ઝૂકતા મંદિરનો ગોખ, પેલો ધરો અને ધરા પર થયેલી દીવાલ, પેલો ઘૂમરી લઈ વળી સાથેનાં પાવડિયાં પાસે વહેતો થયેલો નદીનો પટ’ આ ગામમાં ઊતરીએ કે તરત સામો મળે જાણીતો ઘોડાગાડીવાળો. ઘોડાગાડીવાળો કેવો? ‘સ્ટેશનના જ એકાદ ખૂણાનો અંધકાર જાણે આકાર લઈને ચાલ્યો આવતો હોય એમ અચાનક આવી હાજર થઈ જાય’ લેખકને ‘સ્ટેશન’ અને ‘ટ્રેન’નું જબરું આકર્ષણ છે. નિબંધોમાં એની વાત વારંવાર આવે છે. ગામલોકોને સાંજની ફાસ્ટ પર બહુ શ્રદ્ધા છે. ફાસ્ટનું ગતિ ભરેલું વર્ણન જુઓ : ‘વ્હીસલ મારતો... ધમધમાટ કરતો - એ દક્ષિણમાંથી ગામ પર ચઢી આવે. સિગ્નલ સુધી પહોંચે ત્યાં સુધી વગડામાંનું એનું વિકરાળ સ્વરૂપ એ ચાલુ રાખે પણ જ્યાં તે સિગ્નલની નજર નીચે આવ્યો કે તરત એ બદલાઈ જાય. નીચું માથું, ધીમી ચાલ, ધીરો અવાજ- હાંફતો હાંફતો સ્ટેશન પર પાંચેક મિનિટ ઊભો રહી, ગામમાં પાંચ-દશ ઉતારુઓ વહેતા મૂકી, વળી એની ખોખરી વ્હીસલ મારી ચાલતો થાય.’ પશુના રૂપમાં ઢાળી લેખકે ફાસ્ટને જીવતો કરી દીધો છે. લેખકે ફાસ્ટને બહારથી જોયો છે તેમ ફાસ્ટને અંદરથી જોયો છે. ફાસ્ટની અંદર બેસી એની ધીમી પડતી ગતિને, એના થોભવાને અને એના ફરી ઊપડવાને લેખકે આબાદ ઝડપ્યાં છે : ત્યાં પૈડાં ધીમા પડવા માંડ્યા. પ્લેટફોર્મ શરૂ થયું. તેની વાડના પહોળા ચાપડા, પછી સ્ટેશનનું પાટિયું, નળ, સ્ટેશન માસ્ટરની ઑફિસ. પછી... ત્યાં ગાડી થોભી. ‘પાણી’ની બૂમો પાડતા છોકરા સામે ઝૂકેલી લીલી લીમડીઓ, તે પરની પીળી લીંબોળીઓ, તેનાં કથ્થાઈ થડ, તેનાં મૂળ પાસે લાકડાના વહેર જેવી બરબર માટી ખોદી ઉભરાતાં કીડિયારાં.... વળી એટલામાં વ્હીસલ વાગે. ટ્રેનના સાંધા કડકડે, એકાદ ધક્કો ને પૈડાં ફરતાં થાય, ખસવા માંડે, ધીમે ધીમે, નળ, સળિયા, પાટિયું.. ને એમ ગામની હદ પૂરી થાય... વળી ખેતર, વળી ગરનાળાં..." લેખકના નિબંધોમાં ગામનાં પાત્રો હરતાં-ફરતાં થઈ ગયાં છે. ‘પરબ’ પર બેઠેલી ગ્રામમાતા પર ફરતો કેમેરો જુઓ; ‘એના કરચલીવાળા સુક્કા હાથ, એના કાનના ચપટ લાખનાં લાલ-કાળા પડી ગયેલાં દોયણાં, એના હાથ પરનો ચાર આંગળનો મોટો ભારે ચૂડો જે વચમાં ખખડે. એ એનો કાળાં ટપકાંવાળા કાપડાનો સાડલો...’ લેખક ગામની લાયબ્રેરીમાં વાંચવા આવેલા વાચકની ગામઠી વાચકની ચંપલની ખીલીઓનો ક્લોઝ-અપ પણ ચૂક્યા નથી : ‘ખીલીઓનો જો કોઈ ઝીણવટભર્યો અભ્યાસ કરે તો તેને એક આખો ય સળંગ ઇતિહાસ મળી આવે... સહુથી આગળ ધ્યાન ખેંચતી, અંગૂઠા આગળની હીરા જેવી ચમકતી ચકચકાટ ટોચવાળી ખીલી તે તો હમણાં જ નખાવી હશે... આ એથી સહેજ પાછળની, આ બીજી બેસી ગયેલા ટોકરા પર કાળા તલકાવાળી, એ એનાથી પહેલી, પંદરેક દિવસ પહેલાની અને એથી આ ત્રીજી સૉલમાં સાવ ખોવાઈ જ ગયેલી છે એ તો... ને એમ ઝાંખી થતી જતી એવી બીજી અનેક ખીલીઓ-ખચિત એ સોલ, જોનારને આકાશદર્શનનો આનંદ આપી જાય.' ગામમાં લેખકને વહાલું છે એમનું ઘર. લેખકે ઘરની કસોટી આપી છે તે જોવા જેવી છે. કહે છે : ‘એ આપણે છેહ દેતું કે નિરાશ કરતું નથી.’ આવા ગામના ઘરમાં જઈ લેખક બાળપણના સ્મરણમાં ખોવાઈ જાય છે. દાદાજીના ઓરડાને સંભારે છે : ‘આવો આ ઓરડો તો ઇજીપ્તના પિરામિડ જેવા અમારા ઘરની ટોચ માત્ર, ત્યાંથી જેમ નીચે ઉતરતા જાઓ તેમ વધુ વધુ ભેદભરી ચીજો જોવા મળતી જાય. કાકાઓ અને કાકીઓ, મામાઓ અને માશીબાઓ, નણંદો અને ભોજાઈઓ, ભાણેજો અને ભત્રીજીઓ... કૌટુંબિક ‘કટોકટી’ વખતે આમાંથી ચૂંટી કાઢેલા ચુનંદાઓને ઉપર બોલાવાય." ક્યારેક આ નિબંધકાર કવિની કક્ષાએ પહોંચે છે. ગરમી, અગાશી, પથારી, રાત અને ઠંડકની તો બધાને ખબર છે પણ લેખકે એ જ વાતને વિશેષ રીતે રજૂ કરી છે. ‘ચાંદની જેવી ચોખ્ખી એ ચાદરો ઉપર ઠંડકના તો ખાબોચિયાં છલકાતાં હોય એમાં છબછબિયાં કરતાં અમારા એ વિશાળ કુટુંબનાં અમે છોકરાંઓ સૂઈ રહીએ.’ એ જ રીતે હથેળીમાં ચાંદ કે તારા બતાવનારા ઘણાં હશે પણ કાનમાં તારાઓ સંભળાવનારા તો આ જ લેખક છે. ‘અનેક તારાઓની ખંજરી હવે આકાશમાં રણઝણી ઊઠે. એ સાથે મંદિરના ઘંટનાદ, એમાં રણકતા પડઘમના ડંકા એક જ તાલે ધબકવા માંડે, રાત પડે.’ આમ, દિગીશ મહેતા એવા નિબંધકાર છે જેમના અંતરતમમાં કશુંક બને છે અને તેઓ શબ્દોમાં સાંધીને નિબંધ સર્જે છે. એમના ચઢઊતર કરતા લાંબાંટૂંકાં વાક્યોથી બંધાતો લય વાચકને ક્યાંક ઊંડો શ્વાસ લેવડાવે છે, તો ક્યાંક હળવે શ્વાસ મુકાવે છે. દિગીશ મહેતા ગામની બહાર રહી ક્યારેય ગામની બહાર ન ગયેલા નિબંધકાર છે.