રચનાવલી/૫૪

Revision as of 15:38, 29 April 2023 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫૪. ખાખનાં પોયણાં (કરસનદાસ માણેક) |}} {{Poem2Open}} આજે ગુજરાતી સાહિત્યે લોકપ્રિયતા તરફ પડખું બદલ્યું છે, ત્યારે લોકપ્રિય થનારા, લોકોને ઝટ પહોંચનારા, સભાનું રંજન કરનારા અને છતાં સાહ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૫૪. ખાખનાં પોયણાં (કરસનદાસ માણેક)


આજે ગુજરાતી સાહિત્યે લોકપ્રિયતા તરફ પડખું બદલ્યું છે, ત્યારે લોકપ્રિય થનારા, લોકોને ઝટ પહોંચનારા, સભાનું રંજન કરનારા અને છતાં સાહિત્યની સરહદને અકબંધ જાળવનારા, સાહિત્યની ગંભીરતાને જાણનારા કેટલાક વેણીભાઈ પુરોહિત, બાલમુકુન્દ દવે જેવા કવિઓ યાદ આવે, એમ તરત જ ગાંધીયુગના કરસનદાસ માણેકનું નામ પણ એકદમ હોઠે આવે તેવું છે. કરસનદાસ માણેક હજી જનહૃદયમાં વસેલા છે. સમાજનાં દૂષણો ૫૨ અને એની બદીઓ પર પ્રહાર કરતું એમનું ‘એક દિન આંસુ-ભીનાં રે હરિનાં લોચનિયાં મેં દીઠાં' તો જાણીતું છે. પણ એટલું જ જાણીતું સમાજની વિષમતા નર કટાક્ષ કરતું ‘જય જગનાથ' છે, જેમાં ડુંગરટોચે બિરાજતા દેવને અને ખીણમાં ખદબદ માનવકીટને સામસામે મૂક્યા છે. ગ્રંથોમાં જીવનપથનાં સૂચનો ખોળીને અને તીર્થોના મલિનજળમાં હાડકાં બોળીને અંધારામાં તેજકણ પામવા નીકળેલો કવિ વિશ્વના સકલ ભંડાર ખાલી જુએ છે પણ અંતે વાત્સલ્ય વહાવતી પોતાની માતામાં એને જ્યોતિધામ મળે છે - આ વાતનું વર્ણન કરતું એમનું સૉનેટ પણ એટલું જ જાણીતું છે. આ જ કવિએ યુવાનીમાં પોતાની પહેલી પત્ની ગુમાવી એવી વેદનાને રજૂ કરતી એક કરુણપ્રશસ્તિ લખી છે. પણ એ તરફ બહુ ઓછાનું ધ્યાન ગયું છે. આ કરુણપ્રશસ્તિનું નામ છે : ‘ખાખનાં પોયણાં' કરસનદાસ માણેકની આ પહેલી પ્રકાશિત કૃતિ હોવા છતાં એ ખૂબ આકર્ષક છે. ગુજરાતી સાહિત્યમાં એને અંગે ઓછી વાત થઈ છે. ગાંધીયુગમાં ઉમાશંકર જોશીનું ‘વિશ્વશાંતિ’ જેવું કાવ્ય ૧૯૩૧માં બહાર પડ્યું એ જ અરસામાં એટલે કે ૧૯૩૨માં આ કૃષ્ણકાવ્ય બહાર પડ્યું. કાવ્યના વિષયની રજૂઆત, એની ભાષા, એના ભાવની અભિવ્યક્તિ- આ બધામાં આજે પણ બહુ ઓછી કચાશ જોવા મળે છે. પ્રિય વ્યક્તિના અવસાનને નિમિત્તે એના પ્રત્યેના પ્રેમને, એના વિયોગથી થયેલી વેદનાને એના મૃત્યુને કારણે જીવન તરફ જોવાની બદલાયેલી દૃષ્ટિને અને ખુદ મૃત્યુના રહસ્યને કવિ જ્યારે દીર્ઘકાવ્યમાં ગાય છે ત્યારે એ પ્રકારના કાવ્યને કરુણપ્રશસ્તિ કહેવાય છે. નરસિંહરાવ દિવેટિયાએ પોતાના યુવાન પુત્રના મૃત્યુ પર લખેલી ‘સ્મરણસંહિતા' ગુજરાતી સાહિત્યમાં જાણીતી છે. કરુણપ્રશસ્તિઓમાં કરસનદાસ માણેકની ‘ખાખનાં પોયણાં' કૃતિને પણ વિશેષ સ્થાન મળવું જોઈએ. ‘ખાખનાં પોયણાં’ સળંગ દ્યુતવિલંબિત છંદમાં લખાયેલું ૭૩ કડીનું કાવ્ય છે. અને એમાં કવિએ ૧૯ ખંડ પાડ્યા છે ; એમાં મોટામાં મોટો ખંડ ૯ કડીનો છે અને નાનામાં નાનો છેલ્લો ખંડ એક કડીનો છે. કવિ હજી જીવનના પરોઢમાં હતા, અને પરબ્રહ્મના પહેલા શ્વાસ જેવો વાયુ હજી વાતો હતો, ત્યાં પહેલા ગીતની પાંખથી ઊતરી આવી હોય એમ અવ્યક્તમાંથી સુવ્યક્ત થતી પોતાની પ્રેયસીને જુએ છે અને જડમાં પણ ચેતના જગાવે એવી એની હાજરીને અનુભવે છે. અત્યાસુધી કવિને એમ હતું કે; ‘જીવન શુ? જીવવું મરતા લગી/ મરણ શું? જીવતાં લગી કલ્પવું' પણ હવે એમની ફિલસૂફી બદલાય છે એમની પ્રેયસી ન તો ઉર્વશી જેવી વિલાસિની છે. ન તો શકુન્તલા જેવી તપસ્વિની છે, કરુણ જાનકી જેવી પણ નથી. તો યજ્ઞની ઝાળમાં કૂદી પડતી ઉમા જેવી યે નથી. કવિ કલ્પના કરે છે કે આ એવી પ્રેયસી છે કે જેના લોચનકાંઠડેથી ક્ષીણ થતો ચન્દ્રમા ચાંદની ગટગટાવીને ફરી નવું જીવન ધારણ કરે છે. કવિને આ આખો અનુભવ સ્વપ્ન જેવો લાગે છે. કહે છે : 'પ્રગટ્યું પૂર્ણથી પૂર્ણ પુરા હતું / પ્રગટી તેમ તું સ્વપ્નથી સ્વપ્ન શી!' આ પછી દિવસોની જેમ વર્ષો પસાર થાય છે. પણ આ પ્રેમની પડછે સમાજની વિષમતા છે. મનુષ્યનો માલિકીભાવ, મનુષ્યની બધુ જ વિનાશ કરવાની વાસના અને એની હિંસકતા પણ છે.' ફરજ, શિસ્ત, નિમકહલાલી જેવા રૂડા શબ્દોથી હૃદયને થીજવી દેનારાં શાસનો છે. કોઈક આવાં શાસનોની સામે પડે છે તો એને કચડી નાખવામાં આવે છે. અને ધારો કે આવી તદન નિર્દય માનવજાત વચ્ચે સુકાયેલા અમૃતના ઝરા કોઈ જગવે છે, તો જગત એની આરતી ઉતારી અને માનવમાંથી દેવ બનાવી લે છે અને એમ કપટપૂજનમાં જીવનમંત્રને ડૂબાડી દેવામાં આવે છે. આવા જગત વચ્ચે કવિને એમનો પ્રેમ જ બચાવે છે. કવિ કહે છે : જીવનને ગુરુભારથી ચાંપતા જીવનમાં ગુરુઓ, અછતા નથી જીવનના ગુરુભાર ઉતારતી જીવનદાયિની એક તને દીઠી,’ પ્રેમ જ કવિને વિનય, શક્તિ, કીર્તિની ઝંખનાનું જુઠાપણું બતાવી ખોટે માર્ગે ચઢી ગયેલી માનવજાતના જખમોને શીતલ ચાંદનીથી ડારવા પ્રેરે છે. કવિને થાય છે કે આવું જીવન હોય, આવું નવયૌવન હોય અને આવી સહચરી હોય તો પછી આ ત્રિપુટિયોગથી અશક્ય પણ શક્ય થઈ શકે છે. પણ ત્યાં અચાનક સહચરી સુવ્યક્તમાંથી ફરી અવ્યક્તમાં સરી જાય છે. કવિ કહે છે : ‘જીવનમાં જગવી ઘનવેદના ઘટતું ના જવું જીવનસાથિની’/ કવિને પહેલાં પણ અંધાર હતું અને હવે પણ અંધારુ થાય છે. પણ પલકજ્યોતના ઝંબકા૨થી એ વધુ ઘેરું બનેલું છે. અસહ્ય દર્દી કવિ ચીખે છેઃ ‘ તું ગઈ, સ્વપ્ન ગયાં, સુખડાં ગયાં/ જખમ જીર્ણ રહ્યા, ઝૂરવાં રહ્યાં કરુણ અશ્રુ રહ્યાં, ડૂસકાં રહ્યાં/ પ્રગટિયાં નહિ ખાખથી પોયણાં' પણ એક આશ્વાસન છે કે સહચરી જે સ્મિત એની આંખથી રોપી ગઈ હતી એને કવિ નયનનીર છલકાવી સીંચી રહ્યા છે – ક્યારેક તો એ મહોરશે. અંગતપ્રેમ અને અંગત જખમને અહીં સમગ્ર માનવજાતના પ્રેમ અને એના જખમ સાથે મૂકી કવિએ પોતાના અનુભવને એક સરસ આકાર આપ્યો છે. કરસનદાસ માણેકે ભવભૂતિ અને કાલિદાસને સ્મરીને કહ્યું હતું એને યાદ કરીને કહી શકાય કે કવિએ અહીં પથ્થર દ્રવી જાય એવો અનુભવ નહીં પણ પથ્થર પર સંસ્કાર કરીને રચનાકૌશલ સાથે, અનુભવ પ્રગટ કર્યો છે. ક્યાંક અહીં ગીતાનો સંસ્કાર છે તો ક્યાંક પૌરાણિક કથાઓનો પણ અહીં પાસ છે. કરસનદાસ માણેકનું આ લગભગ ભુલાયેલું કરુણપ્રશસ્તિ કાવ્ય ફરીને પ્રજામાં રમતું થવું જોઈએ.