રચનાવલી/૭૭

Revision as of 15:14, 2 May 2023 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૭૭. સૂક્ષ્મ સમતુલન (રોહિન્ટન મિસ્ત્રી) |}} {{Poem2Open}} ‘આ મહા દુર્ભાગ્યની કથા વાંચ્યા પછી તમે બેશક સારી રીતે જમી શકશો, પણ ખાતરી રાખજો કે આ કરુણકથા કોઈ ક્યોલકલ્પના નથી અહીં જે કાંઈ છ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૭૭. સૂક્ષ્મ સમતુલન (રોહિન્ટન મિસ્ત્રી)

‘આ મહા દુર્ભાગ્યની કથા વાંચ્યા પછી તમે બેશક સારી રીતે જમી શકશો, પણ ખાતરી રાખજો કે આ કરુણકથા કોઈ ક્યોલકલ્પના નથી અહીં જે કાંઈ છે, સત્ય છે.' પ્રસિદ્ધ ફ્રેન્ચ નવલકથાકાર બાલ્ઝાકની આ ઉક્તિને ભારતીય અંગ્રેજી નવલકથાકાર રોહિન્ટન મિસ્ત્રીએ પોતાની નવલકથા ‘સૂક્ષ્મ સમતુલન’ (અ ફાઈન બેલેન્સ')ના શરૂના પાન પર મૂકી છે, એક રીતે એ બરાબર છે. રોહિન્ટને મુંબઈની સમૃદ્ધ વસ્તીને નહિ પણ દરિદ્રવસ્તીને, એમનાં દુઃખદદર્દી, એમની આફતોને અને એમનાં દુર્ભાગ્યોને અહીં કેન્દ્રિત કર્યાં છે. રોહિન્ટનની અગાઉની નવલકથા ‘આટલી બધી લાંબી યાત્રા’ (‘સચ એ લોન્ચ જર્ની)માં પણ એમણે મુંબઈના રસ્તાઓ, એની કંપાઉન્ડ દીવાલો, એની ઝુંપડપટ્ટીઓમાં વસતી કમનસીબ દરિદ્ર વસ્તીની કરુણતાની પડછે પારસી ગુસ્તાદ નૉબેલની કથા કહી છે. પહેલી નવલકથા ભારત-પાક યુદ્ધ તરફ ધસતી જતી દેશની સ્થિતિ વચ્ચે જીવતા નાના નાના માણસોની નિસ્બતોને, એમની આશાહતાશાને લક્ષ્ય કરે છે તો આ બીજી નવલકથા ‘સૂક્ષ્મ સમતુલન' ઇન્દિરા ગાંધીએ જાહેર કરેલી રાષ્ટ્રીય કટોકટીના કાળને અનુલક્ષીને છે. રોહિન્ટન, નવલકથાકાર સલમાન રશદીની જેમ ભાષારમતમાં કે સ્વપ્ન જેવી તરંગી સ્થિતિઓ રચવામાં રસ નથી ધરાવતા. રોહિન્ટનની દસ્તાવેજી પદ્ધતિ છે. એમની ભાષા સાદી છે; અને કયારેક વ્યંગ મજાક સાથે આગળ વધવા છતાં અને માનવ ગૌરવને જાળવી રાખવા છતાં એમની નવલકથા આક્રોશપૂર્ણ રાજકીય નવલકથા છે. જગતની સુન્દરતા વચ્ચે અને મનુષ્યોની પરોપકાર તત્પર વૃત્તિઓ વચ્ચે નરાધમ કૃત્યો કેમ થતાં રહે છે? પાશવી માન્યતાઓ કેમ પોષાતી રહે છે? આ પ્રશ્નો જગજૂના છે અને રોહિન્ટન પાસે એના કોઈ જવાબો નથી. પણ આ નવલકથાની ગંભીરતા પરથી કહી શકાય કે આ પ્રશ્નો નવલકથાકારે હંમેશ કર્યા જ કરવા પડશે એવું રોહિન્ટન અંદરખાનેથી માને છે. ૬૦૩ પાનાંની આ મોટીમસ નવલકથાનું સ્થળ અને કાળનું ફલક ઘણું મોટું છે. વિષય ભારેખમ છે. રાજનીતિથી માંડીને રાષ્ટ્રીય અનુભવ અહીં પથરાયેલો પડ્યો છે. એમ કહેવાય કે ઇતિહાસનો ઉપયોગ કરી અહીં સાહિત્યનો વધુ પ્રભાવ ઊભી કરવા પ્રયત્ન થયો છે. આથી જ વિદેશના વિવેચકોએ રોહિન્ટન મિસ્ત્રીનું નામ ભારતના મોટા નવલકથાકારો સાથે જોડ્યું છે. ‘ટાઈમ' સામયિકમાં આ નવલકથાનું અવલોકન કરતાં પિકો આયેર ૧૯મી સદીના હાર્ડીથી માંડી બાલ્ઝાક જેવા નવલકથાકારોનું સ્મરણ કરે છે; (કોઈક વિવેચકે ડિકન્સને પણ યાદ કર્યો છે). અને બતાવે છે કે આ નવલકથામાંથી પસાર થયા પછી કોઈપણ વાચક ગરીબને એ જે રીતે આજ સુધી જોતો હતો એ રીતે નહીં જોઈ શકે. અલબત્ત પિકોની આ વાત પર ગૌરી દેશપાંડે જેવી નવલકથાકાર નારાજ છે અને કહે છે કે ભારતમાં રહેનારને ગરીબાઈની સ્થિતિ, એની કરુણતા અંગે જાગૃત કરવા માટે શું આવા પુસ્તકની જરૂર છે? ગૌરી. દેશપાંડેની નારાજગી સમજી શકાય છે પણ પિકોને આ નવલકથા જે ઊંડી અસર ઊભી કરે છે, એની વાત કરવી છે, એ વાત ગૌરી દેશપાંડે ચૂકી જાય છે. આ નવલકથા ચાર મુખ્ય પાત્રોની આસપાસ ગૂંથાયેલી છે. દીના દલાલ, માણેક કોહલાદ, ઈશ્વર દરજી અને ઓમપ્રકાશ દરજી. દીના દલાલ મધ્યમ વયની છે. એના પિતા સેવાભાવી ડૉક્ટર હતા અને રોગગ્રસ્ત ગામડામાં દરદીના ઇલાજ માટે જતાં સર્પદંશથી મૃત્યુ પામેલા. માતા પિતાના અવસાન સમાચારે જ ગુજરી ગયેલી. ૧૨ વર્ષની ઉંમરથી દીના ૨૩ વર્ષના પોતાના વેપારીભાઈ ગુસવાનને પનારે પડી. ભાઈના આકરા સ્વભાવને કારણે ભણતર છોડી પોતાની ઇચ્છાથી એ કોઈ ગમતા પુરુષને પરણી ગઈ. ત્રણ વર્ષ બાદ એનો પતિ પણ ટ્રાફિક અકસ્માતમાં મૃત્યુ પામ્યો. પોતાના ભાઈના દબાણને વશ થયા વગર દર્દીના પોતાના ઉબડખાબડ ફ્લેટમાં રહે છે; અને પોતાનો નિભાવ કરે છે. એના ફ્લેટમાં કૉલેજયુવક માણેક કોહલાહ પેઈંગ ગેસ્ટ છે. હૉસ્ટેલની ગંદકીથી કંટાળી માણેકે અહીં શરણ શોધ્યું છે. એના ધનિક માતાપિતાએ ૧૯૪૭માં ભાગલા વખતે જમીનજાયદાદ ગુમાવેલી અને એક પછી જનરલ સ્ટોર ખોલેલો, પણ બરાબર ચાલતો નહોતો. પરસ્પરને ખૂબ ચાહતા હોવા છતાં માણેક અને એનાં માતાપિતા વચ્ચે ગેરસમજ છે. માણેક પોતાને તરછોડાયેલો અનુભવે છે. પણ એને ફૂલેટમાં રહેતા ઓમપ્રકાશ દરજી જોડે સારું ફાવે છે. ઈશ્વર દરજી અને ઓમપ્રકાશ દરજી પણ દીનાના ફ્લેટમાં સાથે રહે છે. ઓમપ્રકાશ ૪૦ વર્ષના ઈશ્વર દરજીનો ૧૯ વર્ષનો ભત્રીજો છે. દીના એક એક્સપોર્ટ કંપનીને તૈયાર કપડાં પૂરા પાડે છે, એમાં આ બંને દરજીકામ કરે છે. આ બંને દરજી દીના સાથે કામ શરૂ કર્યું, ત્યારે આમ તો ફૂટપાથ પર ક્યાંક સૂઈ રહેતા. પછી એમને કોઈ ઝૂંપડપટ્ટીમાં એક છાપ મળ્યું. પણ પછી ઝૂંપડપટ્ટી બુલડોઝરથી જમીનદોસ્ત થતાં છાપરું ગયું અને છેવટે દીનાએ સહાનુભૂતિથી બંનેને પોતાના ફ્લેટમાં આશરો આપ્યો. આ બે દરજીનો ભૂતકાળ દુઃખદ છે. ઓમપ્રકાશના દાદાએ પોતાની આર્થિક સ્થિતિ સુધરવા ઈશ્વર અને નારાયણ બંને દીકરાઓને નજીકના શહેરમાં મુસ્લીમ મિત્ર અશરફને ત્યાં કામે મૂક્યા. વખત જતાં ઈશ્વર અશરફ પાસે રહ્યો અને નારાયણ ગામમાં પાછો ફર્યો. ત્યાં દરજીની દુકાન ખોલી નારાયણે કમાવાનું શરૂ કર્યું. એ થોડો બે પાંદડે થયો ત્યાં એના ઈલાકાનો ઠાકુર ધરમશી ચૂંટણીમાં બેઈમાની કરી સતત જીતતો હતો. એની સાથે નારાયણ સંઘર્ષમાં આવ્યો અને છેવટે ઠાકુરે અત્યંત કરપીણ રીતે એનું અને એના પરિવારનું નિકંદન કાઢ્યું. નારાયણનો દીકરો ઓમ અને ભાઈ ઈશ્વર ગામબહાર હોવાથી બચી ગયા. વિચિત્ર રીતે એકબીજા પર આધાર રાખનારાં આ ચાર પાત્રો કઈ રીતે સીમાઓ તોડીને સ્નેહતંતુ બાંધે છે એનું એમની રોજિંદી જીવનની નાની નાની વિગતો સાથે અને એમની લાગણીઓની નાની નાની રંગછાયાઓ સાથે ખૂબ જતનપૂર્વક અહીં વર્ણન થયું છે. પણ અંતમાં નવલકથાકાર આ ચારે ય પાત્રના ભાગ્યને અળગાં કરી દે છે. માણેક જુવાન તંદુરસ્ત અને શિક્ષિત હોવા છતાં કારણ વિના આપઘાત કરે છે. દીના ભાઈના ઘરમાં વૈતરું કરી ખાય છે અને દરજીમાંથી સાવ ભિખારી બની ગયેલા ઈશ્વર અને ઓમપ્રકાશ જીવ્યે રાખે છે. નવલકથાના આ મુખ્યપ્રવાહ સાથે મુંબઈ અને મુંબઈની ખદબદતી આલમના ગુનાઓ, ભય, આતંક અને યાતનાઓ પણ ગૂંથાતાં આવે છે. નવલકથામાં રોહિન્ટને દુ:ખની અસહ્ય ચક્રાકાર ગતિ નિરૂપી છે. દરેક વખતે અહીં જીવનની સ્થિતિમાં સહેજ સુધારો થાય, દરેક વખતે જરાક અપેક્ષા ઊંચી થાય કે આફત ત્રાટકી પડે છે. અંતે એવો અનુભવ થાય છે કે કોઈ દુષ્ટ દેવતા આ બધું સંભાળી રહ્યો છે. ટૂંકમાં, આ નવલકથા ઊંચી બુદ્ધિમત્તા અને દૃઢવિશ્વાસનું ફળ છે એવો ઘણાખરા અભિપ્રાયોનો સૂર રહ્યો છે.