રચનાવલી/૧૨૩

Revision as of 16:18, 3 May 2023 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૨૩. નારદભક્તિસૂત્ર (નારદ) |}} {{Poem2Open}} આજે એવી પરિસ્થિતિ છે કે ‘નારદ' શબ્દ સાંભળતા આપણા મનમાં બે જણને આમતેમ કહીને લડાવી મારનાર અને એમાં જ જાણે કે મજા માણનાર માણસનું ચિત્ર આવે છે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૧૨૩. નારદભક્તિસૂત્ર (નારદ)


આજે એવી પરિસ્થિતિ છે કે ‘નારદ' શબ્દ સાંભળતા આપણા મનમાં બે જણને આમતેમ કહીને લડાવી મારનાર અને એમાં જ જાણે કે મજા માણનાર માણસનું ચિત્ર આવે છે અને પૌરાણિક પાત્ર તરીકે પણ જો આપણી સામે આવે છે તો ‘નારાયણ' ‘નારાયણ’ કહેતું, માથે ચોટી અને ખભે વીણા સાથેનું, માનવ, દેવ અને દાનવની વચ્ચે ઝઘડા કરાવનારું વિદૂષક જેવું પાત્ર આવે છે. પણ ખરેખર તો નારદની સાચી ઓળખાણ આપણને ઓછી પહોંચી છે. નારદ પુરાણ્યમાં દેવર્ષિ ગણાયા છે. બ્રહ્માના દેશ માનસપુત્રોમાંના એક છે. વિષ્ણુના પરમ ભક્ત છે. કહેવાય છે કે નારાયણે ચાર શ્લોક બ્રહ્માને કહેલા અને બ્રહ્માએ નારદને કહેલા તે પછી નારદે વ્યાસને કહેલા અને વ્યાસે એ ઉપરથી ભાગવતની રચના કરી છે. ભાગવતના ઉઘાડમાં જ નારદનો સનકાદિ સાથેનો સમાગમ બતાવ્યો છે અને પછી જ્ઞાન અને વૈરાગ્ય જેવા વૃદ્ધ પુત્રો સાથે દુખિયારી યુવાન ભક્તિને દાખલ કરી છે. ભક્તિ વૃન્દાવન વાસથી યુવાન થઈ અને પુત્રો વૃદ્ધ રહ્યા. તેથી યુવાન માતા અને વૃદ્ધ પુત્રોની વિરોધી સ્થિતિ ઊભી થઈ. નારદ દુખિયારી ભક્તિના મનનું સમાધાન કરે છે. સાથે સાથે કલિયુગમાં ભક્તિનો મહિમા કરે છે. જે વ્રતથી, જે તીર્થજલથી, જે યોગથી કે યજ્ઞથી, જે જ્ઞાનકથાશ્રવણથી ન મળે એવી મુક્તિ ભક્તિથી મળી શકે છે. નારદે ભાગવતની શરૂઆતમાં ભક્તિને ‘સર્વદા પ્રેમરૂપિણી’ તરીકે ઓળખાવી છે. ભક્તિની ચાવી રૂપ કશું હોય તો તે પ્રેમ છે. મનુષ્ય માટે શરીરથી માંડી પોતાના મનની સીમાઓની બહાર આવવું મુશ્કેલ નહીં, લગભગ અશક્ય છે. ભક્તિ એ અશક્યનો માર્ગ છે. મન છે તો મનની સાથે એનો સ્વાર્થ, એનો લોભ, એની ઇચ્છા, એનો મોહ, એનો ક્રોધ - બધું જ છે. આ બધાં જ મનને બંધનમાં નાખી પજવનારાં તત્ત્વો છે. હવે જો મનને મનના કબજામાંથી બહાર કાઢી બીજા કશાક સાથે જોડવામાં આવે તો મનની તાણ એટલી ઓછી થાય. આથી બ્રહ્મ, પરમતત્ત્વ કે કૃષ્ણ કે કોઈપણ અલૌકિક તત્ત્વની કલ્પના કરવામાં આવી. પછી એ પરમતત્ત્વ બધામાં છે એમ કહેતાં બીજાને પ્રેમ કરવાનો, બીજાને નહીં, બધાને પ્રેમ કરવાનો માર્ગ મોકળો બન્યો, ભક્તિ પરમતત્ત્વને પ્રેમ કરી બધાને પ્રેમ કરવા સુધી પહોંચાડે છે; એ એની સિદ્ધિ છે. નારદે એ માટે ‘નારદ ભક્તિસૂત્ર'ની રચના કરી છે. એમાં ભક્તિનું શાસ્ત્ર છે, એના કરતાં ભક્તિની કલા વધુ છે. ‘નારદભક્તિસૂત્ર’થી ઘણાબધા અજાણ છે. એનાં ટૂંકાં સૂત્રો સરલ અને સુગમ છે તેમજ ઊંડાણથી ભરેલાં છે. નાદરે ૮૪ સૂત્રોમાં ભક્તિ કરવા માટે પ્રેમને સાચું સાધન ગણ્યો છે. એમાં ભક્તિની વ્યાખ્યા કરી છે, ભક્તિનાં વિવિધ લક્ષણો આપ્યાં છે. જ્ઞાન, યોગ અને ભક્તિની તુલના આપી છે, ભક્તિના ભેદો ગણાવ્યા છે. ભક્તને પામવાના નિયમો સમજાવ્યા છે. ઉત્તમ ભક્તોનો મહિમા કર્યો છે. ભક્તિના અગિયાર પ્રકાર દર્શાવ્યા છે. ગદ્યમાં લખાયેલાં હોવા છતાં આ સૂત્રોમાં એક સોંસરવાપણું છે. અહીં ક્યારેક સરખાં વાક્યોને કારણે વાત દેઢ બને છે. કહે છે : ‘ભક્તિ પામીને મનષ્ય સિદ્ધ બને છે, અમૃત બને છે, તૃપ્ત બને છે / ભક્તિ પામીને મનુષ્ય કશું વાંચ્છતો નથી, કશો શોક કરતો નથી, કશો દ્વેષ કરતો નથી, સ્વાર્થ અંગે ઉત્સાહી રહેતો નથી / ભક્તિને જાણીને મનુષ્ય મત્ત બને છે, સ્તબ્ધ બને છે, આત્મામાં આનન્દ કરે છે.' અહીં ત્રણ સરખાં લાગતાં વાક્યોમાં, એકમાં હકારાત્મક, બીજામાં નકારાત્મક અને ત્રીજામાં ફરી હકારાત્મક એવો દોર ગૂંથાયો છે. નારદને મતે આત્મનિવેદન ભક્તિ શ્રેષ્ઠ છે, જેમાં ભક્ત પોતાની જાતને અને પોતાનું બધું જ ઇષ્ટદેવને સમર્પિત કરી દે છે. આના ઉદાહરણ રૂપે નાદર કહે છે : 'વ્રજોપિકાઓની જેમ’ વ્રજગોપિકાઓની આત્મનિવેદનભક્તિ નારદને જ્ઞાન કરતાં ભક્તિની ઉત્તમતા તરફ દોરે છે. નારદ અસરકારક સરખામણી આપે છે : ‘જેમ રાજમહેલમાં રહેવાથી જ રાજાને એની ખૂબી સમજાય છે, જેમ ભોજન કરવાથી જ તેનો સ્વાદ જણાય છે તેવી રીતે ભક્તિ મનથી સમજાતી નથી. રાજમહેલના વખાણ સાંભળવાથી રાજાને સંતોષ થતો નથી તેમજ ભોજનનાં વર્ણન વાંચવાથી ભૂખ શાંત થતી નથી.' આવી જ અસરકારક સરખામણી નારદે કામ-ક્રોધ- મોહ જેવા વિષય અંગે આપી છે. નારદ કહે છે : આવા વિષયો શરૂઆતમાં નજીવા લાગે છે પણ એનો નાનો તરંગ પણ પછી સમુદ્ર જેવો બની જાય છે. કામ, ક્રોધ, મોહ જેવી વિષયરૂપી માયાને કોણ તરી જાય છે, એને પુનરાવૃત્તિ દ્વારા રજૂ કરતાં નારદે સૂત્રમાં જોમ પૂર્યું છે : કોણ તરે છે માયા? કોણ તરે છે માયા?' જવાબ છે : જે સંગને ત્યજે છે, જે મહાનુભાવને સેવે છે, જે નિર્મમ બને છે.’ અને એવા માટે અધિક જોમ સાથે પુનરાવૃત્તિ કરતાં નારદ કહે છે : ‘સ તરતિ સ તરતિ સ લોકાંસ્તારયતિ’ એ તરે છે એ તરે છે, એ લોકોને તારે છે. અહીં પુનરાવૃત્તિ અને તરવામાંથી તારવાનો સહેજ ફેરફાર કેવો ચમત્કાર રચે છે! ભક્તની તન્મયતાના ચિત્રમાં નારદના સ્વાનુભવનો રણકો છે ઃ ‘કંઠ ભરાઈ આવે છે, રોમ રોમ ખડાં થઈ જાય છે, આંખમાંથી આંસુની ધારો વહે છે.' આવી ભક્તિથી આર્દ્ર ભક્તો હોય તો નારદ કહે છે કે ‘પિતૃઓ આનંદ પામે છે, દેવો નૃત્ય કરે છે, પૃથ્વી સનાથ બને છે.’ નારદની પ્રેમસ્વરૂપા ભક્તિનો અભિગમ, જે જગતમાં મનુષ્ય છે એ જગતની સાથે એને પ્રેમથી વર્તવા પ્રેરે તેવો છે. ‘નારદભક્તિસૂત્ર'નો અનુવાદ ‘સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય' તરફથી થયો છે અને એ પૂર્વે બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયાએ પણ એનો અનુવાદ આપ્યો છે.