રચનાવલી/૫૬


૫૬. પ્રેમશાસન (દેવજી રા’મૉઢા)


પોરબંદર એનાં ત્રણ વાનાં માટે પ્રસિદ્ધ છેઃ રાણો, પા'ણો અને ભાણો. પોરબંદર રાજ્યના વહીવટની ઝીણવટને કારણે એનો રાણો, વહેરી શકાય એવાં ચોસલાથી થર બાંધવા માટેનો ચૂનાનો પાણો અને મઘમઘતા દેશી ઘી માટે ભાણજી લવજીની પેઢીનો ભાણો. જેમ આ ત્રણ વાનાં તેમ પોરબંદરના ત્રણ કવિ પ્રસિદ્ધ છે : રતિલાલ છાયા, દામોદર ભટ્ટ, ‘સુધાંશુ’ અને દેવજી રા. મોઢા ત્રણે શિક્ષક. એક નવું સંવેદીને ચાલતા પ્રગતિવાદી, એક ભજનિક પરંપરામાં ચાલતા અતીતવાદી અને એક તળપદી લાગણી સાથે ચાલતા સ્થિતિવાદી, સ્થિતિવાદી દેવજી મોઢાના મિજાજમાં તો પાછો પોરબંદરની બીજા બે હસ્તીઓ સુદામા અને ગાંધીનો સાર ઊતરેલો. કરાંચીમાં શિક્ષક, ભાગલા થયા એટલે વતન આવી પોરબંદરની નવયુગ વિદ્યાલય શાળામાં આચાર્ય થયા. પોતાની રીતે સંસ્થાને ચલાવી. ઉત્તમ શિક્ષકનો રાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યો, પણ સ્વૈચ્છિક રીતે જીવનજરૂરિયાત પૂરતો જ પગાર લઈને એકબાજુ એમણે સુદામાગીરી કરી, તો બીજી બાજુ ગાંધીના વિચારોને પચાવીને પોતાની રીતે રટતા રહી કવિગીરી કરી. ‘પ્રયાણ' (૧૯૫૧) શ્રદ્ધા' (૧૯૫૭), ‘આરત’ (૧૯૫૯), ‘અનિદ્રા’(૧૯૬૨) ‘અમૃતા’ (૧૯૮૨) જેવા એમના છએક કાવ્યસંગ્રહો છે. કવિને ગીત અને મુક્તક ખાસ્સાં ફાવે. અને એવાં લખે કે સટક ગળે ઊતરી જાય. એમની કવિતા અતિસુબોધ, પણ કવિ કહે છે કે એથી કોઈએ છેતરાવું નહી. વાત સાચી છે, લાગણીની ધમાલ નહીં, વિચારોના ઘમાલ નહીં, કોઈ મોટી કલ્પનાની ફાળ નહીં, પણ એમની કવિતા અતિસુબોધ હોય તો પણ એમાં ક્યાંક નાનકડો તણખો એવો તગતગતો હોય કે વાંચનારને અડ્યા વિના રહે નહીં. એમનું જ એક મુક્તક જોઈએ : ‘ભક્તિ ઘટ્ટ થતાં થતાં થઈ ગઈ, શી અંતમા રાધિકા' રાધાને અને ભક્તિને તો આપણે ઓળખીએ છીએ પણ નરી ભક્તિમાંથી ઘડાયેલી આ રાધાનો પરિચય તો આ જ કવિએ કરાવ્યો છે. એ જ રીતે પોતાની લાડકી દીકરીના મૃત્યુ પર કવિ પિતાએ આમ તો માત્ર બે પંક્તિ જ લખી છે પણ એનો વ્યાપ કદાચ દીર્ઘકાવ્ય જેવો છે કહે છે : ‘બેટા લહી તે ચિરકાળ નિદ્રા/ ને ભાગ્ય મારે રહી આ અનિદ્રા’ ચિરકાળ નિદ્રા અને અનિદ્રાનો વિરોધ સોંસરવો કોઈપણ પિતાના હૃદયને સારી નાખે – એવો ઊભો થયો છે. દેવજી મોઢાની સાદી સીધી કવિતાના કોઈને કોઈ ખૂણાં સ્વજન કે જગત સાથેનો પ્રેમ ધબકતો અવશ્ય સંભળાય. આપણે ઉમાશંકર જોષીના ‘વિશ્વશાંતિ’થી અને સુન્દરમના વિશ્વમાનવ'થી પરિચિત છીએ. આ બંને ગાંધીયુગના કવિઓએ વિશ્વમાં પ્રેમના શાસનની વાત કરી છે. દેવજી પોઢા પણ ગાંધીયુગના છે. અને ગાંધીવાદી વિચારોથી રંગાયેલા છે. એમણે ‘પ્રેમશાસન' નામે એક ખંડકાવ્ય લખ્યું છે. આ ખંડકાવ્યમાં મહાભારતનાં કર્ણ- પરશુરામની જાણીતી કથા છે. પણ આ કથા દ્વારા પરશુરામનું નવું અર્થઘટન કરી આપીને એમણે માત્ર ગાંધી વિચારનું જ સમર્થન નથી કર્યું પણ કોઈપણ યુગમાં હિંસાની સામેનો પ્રેમનો સંદેશ પરશુરામના પાત્ર દ્વારા ચિરંજીવી બનાવ્યો છે. આશ્ચર્ય છે કે અર્થઘટનમાં નવીનતા બતાવતું અને વાચક હૃદય સુધી પહોંચવામાં સરલ ઊતરતું આ ખંડકાવ્ય આપણાં ખંડકાવ્યોની ચર્ચામાં ક્યાંય આવતું નથી. ગીત અને મુક્તકના કવિને હાથે આવું એકાદું ખંડકાવ્ય થોડુંક ઘાટીલું ઊતરેલું હોય એ વાતનો મહિમા ઓછો નથી. ‘પ્રેમ શાસન' ખંડકાવ્ય ‘આરત’ સંગ્રહમાંથી છે. કર્ણ પરશુરામ પાસે અભ્યાસ માટે ગયો હતો અને પરશુરામ બ્રાહ્મણ સિવાય કોઈને વિદ્યા શીખવતા નહોતા. આથી કર્ણે બ્રાહ્મણના વેશે પરશુરામ પાસે જઈ વિદ્યારંભ કર્યો. એક દિવસ કર્ણના ખોળામાં માથું મૂકીને પરશુરામ સૂતા હતા તે વખતે ઈન્દ્ર ભ્રમર બનીને કર્ણની જાંઘ કોરવા માંડે છે. લોહીનો પ્રવાહ બહાર આવે છે. પણ ગુરુ પરશુરામ જાગી ન જાય એ ચિંતાથી કર્ણ હલ્યાચલ્યા વગર સ્થિર ને સ્થિર રહી વેદના સહન કરે છે. પરશુરામને જ્યારે ઊનું લોહી અડકે છે. ત્યારે જાગી ઊઠી સ્થિર બેઠેલા કર્ણને જુએ છે. પરશુરામ તરત સમજી જાય છે. કહે છે ‘તું બ્રાહ્મણ નથી. બ્રાહ્મણમાં આટલી બધી ધીરજ હોય જ નહીં. સાચું, બોલ' કર્ણ સ્વીકારે છે કે વેરથી એકવીસ વખત પૃથ્વીને ક્ષત્રિયવિહોણી કરનાર પરશુરામ પાસે પોતે ક્ષત્રિય હોવા છતાં ચોરીથી વિદ્યા ભણવા આવ્યો છે. પરશુરામ ક્રોધે ભરાઈને કર્ણને શાપ આપે છે કે મૃત્યુ વખતે તારી વિદ્યા નિષ્ફળ જશે. કર્ણ પરશુરામની આ કથામાં બ્રાહ્મણક્ષત્રિયનો જાતિસંઘર્ષ છે, સાથે પરશુરામ ક્ષત્રિયો પ્રત્યેની પ્રબળ અંગત વેરવૃત્તિ પણ છે. તેથી આ કથામાં છેવટે કર્ણને પરશુરામનો શાપ મળે છે. દેવજી મોઢાનું ‘ખંડકાવ્ય' શાપને શમનમાં પલટાવીને ચાલ્યું છે. આ ખંડકાવ્ય બપોરની વેળાએ શરૂ થાય છેઃ ‘જાણે વિશ્વ સમસ્ત જંપ્યું ઘડી તો વિશ્રામખોળામહીં' આવી વેળાએ કર્ણના ખોળમાં પરશુરામનું માથું છે. કર્ણના મનમાં ગુરુવચનાનો આનંદ છે પણ સાથે વિદ્યા લઈ ગુરુને છોડવાનો રંજ પણ છે. તો ગુરુના મનમાં સારો શિષ્ય તૈયાર થતાં એમનું ક્ષત્રિય સામેનુ યુદ્ધ વિજયી નીવડશે એનો વિચાર છે. ગુરુ અને શિષ્યના મનોજગતમાં કવિએ પ્રવેશ કર્યો છે. ત્યાં કુમળા લાકડાને કોરે તેમ ભ્રમર જાંઘને કોતરતો હોવા છતાં કર્ણ સ્થિર રહે છે. પરશુરામ જાગે છે અને બ્રહ્મબાળનું રક્ત આવું ઊનું ન હોય એવો વહેમ ગુરુના ચિત્તને ભ્રમની જેમ કોરી ખાય છે. પરશુરામ કહે છે : ‘કહી દે કહી દે તારાં વર્ણ, કુલ અભાગી હે!/ સત્યં વદ અન્યથા હું શાખું છું, અનભિજ્ઞ હે' કર્ણ ક્ષમા માગે છે અર્જુનને મારવાની ઈચ્છાથી ચોરીથી વિદ્યા લેવા આવનાર પોતે કર્ણ છે એવું કબૂલ કરે છે. એક ક્ષણ ગુરુ તપે છે: ‘કર્ણ તું? આશ્રમે મારા? દુષ્ટ ક્ષત્રી! નરાધમ પણ બીજી ક્ષણે પોતે પૃથ્વીને ક્ષત્રિયવિહોણી કરી એની કારમી તીણી ચીસ એમને સંભળાય છે. મહાભારતની કથા હવે કવિ હાથે બદલાય છે. પરશુરામ કર્ણને માથે હાથ ફેરવે છે. કહે છે: થયું નહી જ ક્ષત્રિયબીજ નષ્ટ?' એકવિસ વાર પ્રયત્ન કર્યો, હાર્યો. પરશુ ભીંતે ટાંગી દીધી હતી. પણ જ્યારે કર્ણ મળ્યો ત્યારે પૃથ્વીને ક્ષત્રિય-વિહોણી કરવાનું સ્વપ્ન ફરીને જાગી ઊઠ્યું. કર્ણ પર મદાર હતો. ‘કિન્તુ એ દુર્ગ આશાના ફરી આજ ગયા ઢળી’ પણ દેવજી મોઢાના પરશુરામને હવે અફસોસ નથી. કહે છે : ‘પ્રભુએ તને પ્રેર્યો આશ્રમે મુજ આવવા/ જનસંહારમિથ્યાત્વ ભૂલેલો તે ભણાવવા' હવે પરશુરામને સત્ય લાધ્યું છે; બળે ટક્યાં તંત્ર બધાં ઉથાપી/ સંસ્થાપવાનું બસ પ્રેમશાસન’ દેવજી મોઢાએ મહાભારતના પરશુરામનો નવો અવતાર સર્જયો છે. કારણ મહાભારતના પરશુરામના ‘લોચનમાં ક્રોધ કરુણા બની નીતર્યો' છે. વારંવાર ભૂલી જતી આ મનુષ્યજાતિને જનસંહાર મિથ્યા છે એનો સંદેશ સતત પહોંચાડ્યા જ કરવો પડશે. આવા વિસરાઈ જતાં કવિઓએ અવિસ્મરણીય કેટલુંક કર્યું હોય એને ક્યારેક ને ક્યારેક તો બહાર આવવાનું જ રહ્યું.