રચનાવલી/૬૧


૬૧. મને કેમ ન વાર્યો? (રઘુવીર ચૌધરી)


ગ્રીક સાહિત્યમાં એક પુરાણકથા છે, જેમાં સંગીતનો દેવતા ઓર્ફિયસ પોતાની પત્ની યુરિડિકેને મૃત્યુથી ગુમાવે છે. ઓર્ફિયસ મૃત્યુથી ગુમાવેલી યુરિડિકેને પછી મેળવવા પાતાળલોકના દેવતા હર્મિઝને પોતાના સંગીતથી રીઝવે છે અને એની પાસેથી યુરિડિકેને પાછી મેળવવાનું શરત સાથે વચન મેળવે છે. હર્મિઝ કહે છે તું આગળ ને આગળ ચાલજે, હું યુરિડિકે લઈને પાછળ પાછળ આવું છું. પરંતુ પાતાળલોકના દરવાજા સુધી તું પાછળ ફરીને જોતો નહીં, અગર તું પાછળ ફરીને જોશે તો તારી યુરિડિકેને પાછી ગુમાવી દેશે. ઓર્ફિયસ દરવાજા સુધી આવતા એની ધીરજ ખૂટે છે અને એનાથી પાછળ જોવાઈ જાય છે. ઓર્ફિયસ યુરિડિકેને ગુમાવે છે. આ ગીકકથા આમ જોઈએ તો આપણી સ્મૃતિની કથા છે. સ્મૃતિમાં આપણે ગમે એટલું તાદેશ કરીએ, સ્મૃતિ ગમે એટલી સતેજ થાય પણ જે ક્ષણે સ્મૃતિને સાચી માની વર્તવાનું શરૂ કરીએ તે ક્ષણે સ્મૃતિ આપણને હાથતાળી દઈ જાય છે. મનુષ્યજીવનમાં સ્મૃતિ એ વરદાન છે. તો સ્મૃતિ એ અભિશાપ પણ છે. સ્મૃતિમાં ગમે એટલો સંઘરો થઈ શકે છે પણ સંઘરેલી સ્મૃતિ કામમાં આવતી નથી. અને તેથી જ આપણે સૌ જેનાથી કપાઈ ગયા હોઈએ છીએ, જેનાથી વિખૂટા પડી ગયા હોઈએ છીએ એને માટે હંમેશાં તડપતા હોઈએ છીએ. પાછા ફરી શકાતું નથી. પાછા ફરીએ તો પણ વ્યક્તિ કે વસ્તુ એની એ રહી હોતી નથી. ભૂતકાળ માટેની આ ઝંખનાને કારણે સ્મૃતિમાં જ કશું બચ્યું હોવાથી સુખ રહે છે, તો સ્મૃતિ સિવાય કશું જ બચ્યું ન હોવાથી એ સ્મૃતિથી જ પારવાર દુ:ખ રહે છે. વીસમી સદીએ મનુષ્યને કેટકેટલાં સ્થળાન્તર કરાવ્યાં છે. કેટકેટલાને દેશવટે રહેવું પડ્યું છે. રાષ્ટ્ર કે દેશની વાત જવા દો, નાનું સરખું પોતાનું કહેવાય એવું ગામ છોડીને નગરમાં વસવા ગયેલો માણસ પણ ગામથી કપાઈને વેદનાનો શિકાર બને છે. નગરમાં ગોઠવાઈ ગયો તો બરાબર છે, પણ ગામમાંથી નગરમાં આવીને એનો એક પગ નગરની ફૂટપાથ પર રહે અને એક પગ ગામના શેઢા પર રહે, તો પછી એને કહેવું પડે ‘વેદના મળી, મને મારાથી મોટુ દર્દ જવું' ફૂટપાથ અને શેઢા વચ્ચે જરાસંઘની જેમ બે ફાડિયામાં વહેંચાઈ ગયેલો ગુજરાતી સાહિત્યમાં એક કવિ છે અને તે છે રઘુવીર ચૌધરી, આ કવિ અઠવાડિયું યુનિવર્સિટીમાં ભણાવે છે અને અઠવાડિયાના અંતે શનિરવિ ગામ જઈ પોતાના ખેતરમાં ખેતી કરી આવે છે. અને એમ કરીને તેઓ ફૂટપાથ પર ઊભા રહેવાનો થાક ખેતરમાં કામ કરીને ઉતારે છે. પણ આ સમાધાનની નીચે વર્ષો પહેલાં ગામ છોડ્યાની એમની વેદના સતત પ્રજળતી રહે છે. એમના 'તમસા' કાવ્યસંગ્રહમાં ‘મને કેમ ન વાર્યો’ દીર્ઘરચનાનો કટાવછંદનો રહી રહીને કપાતો અને જોડાતો લય એને બરાબર ઉપસાવે છે. શરૂઆત જ એકદમ મનને ઝાલી લે તેવી છેઃ પોતાને છોડી હું ચાલ્યો આવ્યો ત્યારે મને કેમ ન વાર્યો?’ ગામ અને પોતાની જાતને એકરૂપ કરી કવિ ગામને છોડ્યું તે પોતાને જ જાણે છોડવા જેવી વાત છે એવી ખાતરી કરાવે છે. કશુંક ખોટું થયું, ન થવાનું થયું એવું જ્યારે થઈ ગયું ત્યારે કોઈએ રોક્યો હોત, કોઈએ વાર્યો હોત તો... એવી સહજ લાગણી થઈ આવે છે. આ પછી કવિ ગામને બે જ પંક્તિમાં જીવતું કરી મૂકે છે; ટેકરીઓ વચ્ચેનું મારું નાનું સરખું ગામ/ સાથમાં મૂંગું મૂગું ભાગોળે આવીને અટક્યું.' સાથમાં મૂગું મૂગું કહીને ગામની વેદનાને પણ કવિએ તાદશ કરી છે. ગામના હૃદય જવું ઘર, એનું છજું, છજે બાંધેલું કુંડું. પણ એ કૂંડામાં આજે દાણા નથી. કબૂતર કુંડાને ખાલી જોઈ જોઈને બેઠાં છે. આ રીતે ઘરે તો સાદ પાડેલો પણ કવિ કહે છે મેં ઘરનો ના સાદ સાંભળ્યો' પણ હવે સીમ, તળાવ, બાળભેર અને ગિલ્લીદંડા કવિને યાદ આવે છે, ત્યારે ‘ધૂસર નગર દેહમાં અણુ અણુ થઈ વ્યાપ્યું છે. નગરમાં રહે રહે સ્મરણમાં કોઈવાર બાળભેરુનો હાથમાં આવે છે ખરો, પણ એ તો ‘ભૂતકાળ વિશે બેપાંચ આગિયા ઝબકે' બાકી નગરમાં વચ્ચે વચ્ચે કવિના બેઉ ચરણમાં પિરામિડનો ભાર એકઠો થયો છે. કવિને થાય છે કે ભલે ‘કોઈએ વાર્યો નહીં, સંભાર્યો નહીં, પણ હું, પાછો ચાલ્યો જાઉં’ અને પછી થોભીને કવિ પ્રશ્ન કરે છે : ‘ જાઉ?' ને પછી વાસ્તવિકતાનું ભાન થતાં કહે છેઃ ‘ હું આવ્યો જ્યાંથી ત્યાં જ હવે પહોંચીશ?' કવિ હવે પાછો ફરે તો પણ એનું એ ગામ હવે રહ્યું ન હોય. પેલી વ્રત કરનારી કન્યાઓ, મહાદેવને દેરે બેઠેલા નિવૃત્તિનો આનંદ લેતા વૃદ્ધો, સીમનાં વૃક્ષોનો સંવાદ, શેઢે શેઢે ચાલીને છીંડે બાળકને ઊંચકી લેતી માતા- આવું બાળપણનું મુગ્ધજગત સલામત હશે કે કેમ એ અંગે કવિ સાશંક છે. ખેતરની નીકમાં વહેતું પાણી કવિને પાછું મળે કે ન મળે પણ કવિએ નીકમાં વહેતાં પાણીને અદ્દભુત પંક્તિમાં આપણા સુધી પહોંચાડ્યું છેઃ ‘છલકતી નીક સરકતા નીરે ચમકે.’ જે કવિએ આવી નીક જોઈ હોય અને જેનો ખોવાયેલો સમય હાથ ન આવતો હોય એની વેદના અસહ્ય જ હોવાની. અને તેથી કવિની વેદના માત્ર આ જીવનના સમય પૂરતી સીમિત નથી રહેતી, એના ગામ સુધી સીમિત નથી રહેતી, પણ ભવેભવની વેદનામાં પલટાઈ જાય છે. કવિ કહે છે : ‘આ ભવના પેલા ભવના મુજ ભૂતકાળમાં/ ભાગોળે આવી અટકેલાં મારાથી સૂનાં જે અગણિત ગામ/ આવતાં યાદ?’ કવિનું એક ગામ, એમના પોતાના વિનાના અગણિત ગામમાં પલટાઈ જાય છે એ કાવ્યના અંતનો ચમત્કાર છે.