રચનાવલી/૧૭૯

Revision as of 12:53, 8 May 2023 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૭૯. લાલચોળની આત્મકથા (એન કાર્સન) |}} {{Poem2Open}} એન કાર્સન ગ્રીક કવિતા, ગ્રીક ફિલસૂફી અને ગ્રીક જીવનમાં રચીપચી રહેલી લેખિકા છે. એણે ગ્રીક પ્રેમનો દેવતા ઈરોઝ પર લખ્યું છે. એણે ઇ.સ. પૂ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૧૭૯. લાલચોળની આત્મકથા (એન કાર્સન)


એન કાર્સન ગ્રીક કવિતા, ગ્રીક ફિલસૂફી અને ગ્રીક જીવનમાં રચીપચી રહેલી લેખિકા છે. એણે ગ્રીક પ્રેમનો દેવતા ઈરોઝ પર લખ્યું છે. એણે ઇ.સ. પૂર્વે છઠ્ઠી સદીમાં, ઘડપણની વ્યથાને ઘૂંટતા કોલોફોનના ગ્રીક કવિ મિમનેરમસની કવિતાના ખંડોને વિસ્તાર્યા છે. એ જ રીતે એણે સિસિલીના ઉત્તરકાંઠા પરના ગ્રીક નગર હિમેરામાં ઈ.સ. પૂર્વે ૬૫૦માં જન્મેલા કવિ સ્ટેસિકોરોસની ‘જીરીઅન’ જેવી લાંબા પટની રચનાને નમૂનો બનાવી એના પરથી ‘લાલચોળની આત્મકથા’ (ઑટોબાયગ્રાફી ઑવ રેડ) નામે એક નવલકથા રચી છે. અને તે પણ ૧૩૦૦૦ પંક્તિઓની આ નવલકથા પદ્યમાં રચી છે એનાં સુડતાલીસ પ્રકરણો છે. સૉક્રેટિસે સમજાવેલું કે એકવાર તો આપણા આત્માઓને પાંખો હતી અને આપણે દેવોની સાથે રહેતા હતા. પણ પછી આપણે બધા દેશવટો ભોગવી રહ્યા છીએ અને તેથી જ્યારે જ્યારે આપણે કશુંક સુંદર જોઈએ છીએ કે આપણે પ્રેમમાં પડીએ છીએ ત્યારે વખતો વખત આપણે આપણી પાંખોને યાદ કરીએ છીએ. આપણે જ્યારે પ્રેમમાં પડીએ છીએ ત્યારે એક સાથે ઊંડુ સુખ અને ઊંડું દુઃખ અનુભવીએ છીએ, એ બીજું કંઈ નહીં પણ આપણી પાંખોનો ફફડાટ હોય છે. પ્રેમ અને પાંખોની આવી વાતને એન કાર્સને ‘લાલચોળની આત્મકથા’માં ગૂંથી છે, અલબત્ત, આ નવલકથા કોઈની આત્મકથારૂપે લખાયેલી નથી પણ એનું મુખ્યપાત્ર ‘જીરીઅન’ નવલકથામાં ફોટોગ્રાફ સહિત એની આત્મકથા તૈયાર કરી રહ્યો છે એની વાતને લઈને એનું નામ એ રીતે આપવામાં આવ્યું છે. આ કથામાં ત્રણ પાત્રો આવે છે. જીરીઅન, હેરક્લીઝ અને એન્કેશ, ગ્રીક સાહિત્યમાં જીરીઅન એક પૌરાણિક દૈત્યનું પાત્ર છે એને ત્રણ શરીર છે, છ હાથ છે અને છ પગ છે. એ લાલપશુઓના ટોળાની એક ભરવાડ અને એક કૂતરો રાખીને રખેવાળી કરતો હોય છે પરંતુ પોતાના માલિક યુરેસ્થેનિસે હેરક્લીઝને બાર પરાક્રમો માટે આજ્ઞા કરેલી એમાં દશમા પરાક્રમરૂપે હેરક્લીઝ જીરીઅનનાં ઢોરોને પકડી લે છે. ભરવાડ અને કૂતરાને મારે છે અને જીરીઅનને હણે છે. નવા સંશોધન પ્રમાણે મળી આવેલી વિગતો બતાવે છે કે જીરીઅનને એના ભરવાડે હેરક્લીઝ સાથે લડવાની ના પાડી હતી. જીરીઅનની માએ પણ મના કરી હતી. જીરીઅને બંનેની સલાહને અવગણી હતી. બીજી બાજુ હેરક્લીઝને બચાવનાર એથેનાએ જીરીઅનને કોઈની મદદ ન મળે એની પેરવી કરેલી. આખરે હાયડ્રાના લોહીનું ઝેર અણી પર લગાડી એ તીર વડે જીરીઅનનું મસ્તક વીંધી હેરક્લીઝે વિજય મેળવ્યો હતો. મૂળ ગ્રીકકથાનાં આ જીરીઅન અને હેરક્લીઝ જેવાં પાત્રો એન કાર્સનની નવલકથામાં નવે અવતારે આવ્યાં છે. પાત્રો અડધાં આધુનિક છે અને અડધાં પૌરાણિક છે. જીરીઅનને ત્રણ શરીર, છ હાથ અને છ પગ તો નથી પણ એને પાંખો મળેલી છે. વળી જીરીઅન શરીરે લાલચોળ છે અને એનો પડછાયો પણ લાલ પડે છે. જીરીઅનના નિશાળના દિવસો બહુ સુખના ન રહ્યા. પણ ચૌદ વર્ષની ઉંમરે એ સોળ વર્ષના હેરક્વીઝના પ્રેમમાં પડે છે. પણ જીરીઅનનો સ્વીકાર થતો નથી. તેથી પ્રેમમાં નાસીપાસ જીરીઅન છેવટે એક સ્થાનિક ગ્રંથાલયમાં નોકરી લે છે. પછી કોઈ અકળ કારણસર જીરીઅન બોનસ એરીઝ જવા વિમાનમાં ચઢે છે. બોનસ એરીઝમાં એને એક ફિલસૂફીના અમેરિકી પ્રોફેસર મળે છે, જે એને ‘લાગણીહીનતા’ પરના પોતાના વ્યાખ્યાનમાં લઈ જાય છે. આ પછી બોનસ એરીઝની ગલીઓમાં ફરતો હતો ત્યાં જીરીઅનને ફરીને હેરક્લીઝનો ઓચિંતો ભેટો થાય છે. પણ આ વખતે હેક્લીઝ સાથે પીંછાથી પણ હળવો' એવો એન્કૅશ હોય છે. આ બંને જ્વાળામુખીના અવાજોને ટેઇપ કરવા નીકળ્યા હોય છે. આ નવલકથામાં જ્વાલામુખી મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પહેલીવાર ચૌદ વર્ષની ઉંમરે જીરીઅન હેરક્લીઝને મળ્યો હતો ત્યારે હેરક્લીઝના વતનમાં હેરીઝની દાદી જીરીઅનને ફાટતો જ્વાળામુખી જોવા લઈ ગઈ હતી. બીજીવાર જીરીઅન, હેરક્લીઝ અને એન્કેશ તેમજ એન્કેશની માતા એન્ડેશની જન્મભૂમિ લિમામાં જાય છે અને ત્યાંથી દૂર ઉત્તરના કુ નામના ગામમાં પહોંચે છે. ત્યાં લોકો જ્વાળામુખીના ખડક પર ઘરો બાંધીને રહેતા હોય છે અને જ્વાળામુખીના ધખતા ખડક રોટલા શેકતા હોય છે. નવલકથાકાર દર્શાવવા માંગે છે કે ભૂગોળને અને પાત્રને ગાઢ સંબંધ છે. જીરીઅનની પ્રકૃતિ જ્વાળામુખી જેવી છે, એ લાલચોળ છે, એનો પડછાયો પણ લાલ છે, એ પંખાળો લાલચોળ છે. ક્યારેક જીરીઅનની લાગણી વર્ણવવા માટે પણ જ્વાળામુખીનો ઉપયોગ થયો છે, જેમાં જીરીઅન પોતાની આંતરિક જીવનની ચીરાડો અને તિરાડોનો ઉલ્લેખ કરે છે. ક્યારેક જીરીઅન પોતાનાં ભીતરી ક્ષેત્રોમાંથી ઉપર ધસી આવતો ટનબંધ ધગધગતો કાળો ધાતુરસ અનુભવે છે. પણ જીરીઅન જ્વાલામુખીના અગ્નિ જેવો માત્ર લાલચોળ જ નથી, એને પાંખો પણ છે. જીરીઅનની આ પાંખો અંગે એશને પહેલીવાર ખબર પડે છે. વિમાની ઠંડી રાતમાં જીરીઅનને ધાબળો ઓઢાઢવા જતા એન્કેશની નજર જીરીઅનની પીઠ પર પડે છે. એન્કેશ પાંખોને જુએ છે અને યાઝકામેક’ જેવો ઉચ્ચાર કરે છે. એન્કેશ ‘આઝકામેક'નો અર્થ સમજાવે છે. જીરીઅનને કહે છે કે ‘અત્યારે જુકનો જ્વાલામુખી નિષ્ક્રિય છે પણ જૂના જમાનામાં ગામવાસીઓ જ્વાલામુખીની પૂજા કરતા અને માણસોને જ્વાલામુખીના મોમાં ફેંકતા. બલિ તરીકે નહીં પણ એક કસોટી માટે તેઓ અંદરથી બહાર આવનારા ડાહ્યા માણસોની રાહ જોતા. યાઝકામુકો તો ‘અંદર ગયા, જોયું અને બહાર આવ્યા’ના સાક્ષીઓ છે. આવા માણસો હયાત હતા. એમણે જ્વાલામુખીનો અંદરનો ભાગ જોયો હોય અને પાછા બહાર આવ્યા હોય. એ પાછા કેવી રીતે આવ્યા? પાંખો વાટે. બધી જ નિર્બળતાઓ અને મર્ત્યતા બળીને ખાખ થઈ ગઈ હોય એવા લાલચોળ પાંખોવાળા યાઝકામેકો’ આટલું કહ્યા પછી એન્કેશ જીરીઅનને કહે છે કે તું આ પાંખોનો ઉપયોગ કરે એ મારે જોવું છે. ત્યાં તો એ બંનેની વચ્ચે હેરક્લીઝ આવી ટપકે છે. છેલ્લા દૃશ્યમાં જીરીઅન, હેરક્લીઝ અને એન્કેશ જુકુમાં જુએ છે કે ચોરસ બાકોરામાં લપકતી જ્વાળાઓ વચ્ચે લોકો રોટલા શેકી રહ્યા છે. છેલ્લી પંક્તિઓ છે : ‘આપણે આશ્ચર્યકારક વ્યક્તિઓ છીએ, આપણે અગ્નિના પડોશીઓ છીએ / એવું જીરીઅન વિચારે છે હવે સમય એમની તરફ ધસી રહ્યો છે જ્યાં તેઓ નજીક નજીક હાથને હાથ અડકે એમ ઊભા છે / અમર્ત્યતા એમના ચહેરા પર છે / અને એમની પીઠ પાછળ છે રાત.’ આ રીતે અડધાંપડધાં પૌરાણિક પાત્રોની અડધી પડધી વિગતો સાથે કથાને પદ્ય રૂપે રજૂ કરતી આ નવલકથામાં ક્યાંક ક્યાંક એકદમ દબાણવાળા ભાગ લાગે છે, ક્યાંક ક્યાંક એકદમ સૂચનાવાળા ભાગ છે તો ક્યાંક ક્યાંક કવિતાવાળા ભાગ છે. આ દ્વારા એક રહસ્ય સૃષ્ટિ રચાય છે; જેમાં દરેક હ્રદયમાં ધગતા એક જ્વાલામુખીનો ધૂંધળો પરિચય થાય છે.