રચી રહો અંજલિ, અંગુલી હે!
શીખો હવે આજ લગી ન શીખ્યું તે;
ધરી લિયો પદ્મદલોનું માર્દવ,
રચી રહો સંપુટ કો અનન્ય.
હે અંગુલી ! કર્મ કર્યાં ઘણાં ઘણાં:
માટી ભરી મોં મહીં શૈશવે ને,
કૈશોર્યમાં એ ક્રીડનમાં ગુંથાઈ ગૈ,
યુવા વિષે વજ્જર બંધ થૈ લડી
કુશ્તી ઘણી, કે પ્રિયના કરે સરી
કુમાશ ધારી બિસતંતુ જેવી.
કે અંગુલી, તેં કરજોડ કૈં કરી,
જેકાર ઝીલ્યા, અરપ્યા વળી ઘણા,
તું આશિષાર્થે થઈ છત્ર શી રહી,
અને કદી ભોળપભાવથી ઘણી
અબૂઝ માળા જપતી ય તું રહી.
રે આ બધું આમ કર્યું કર્યું છતાં
બાકી હજી બાવન બ્હારનું બધું;
ક્હે, તાહરાં અગ્ર થકી સ્રવ્યું કદી
સંજીવની અર્પતું ઈશ – અમ્રત?
હે અંગ મારા!
તારાં દશે અગ્ર થકી શરીરની
ચૈતન્યધારા દશજિહ્વ વહ્નિ શી
સ્ફુરે, વહે. એ વિખરાઈ જાતી
જ્વાલાવલી સંપુટમાં તું બાંધી લે.
બંધાયલી એ દૃઢ જ્યોત બાળશે
તારા અહંનાં વન, ને અગમ્યમાં
આરોહવા ક્ષેપનટોચ એ થશે.
બિડાયલાં આ દશ બિન્દુની પ્રભા
ઉઘાડશે દ્વાર ઋતો અનંતનાં–
ને સંપુટે એ નભચારી દિવ્યતા
લેઈ બધાં અમ્રત ઊર્ધ્વ લોકનાં
આવી રચંશે નિજ નીડ ઉન્નત.
એપ્રિલ, ૧૯૪૫