વસો ઊંચે
વસો ઊંચે ઊંચે શિખર, ચિતિ મારી, અટવીમાં
તળેટીની જાળે નહિ તું અટવા અંધ તમસે,
હજારો વેલાનાં વમળ ચરણોને તવ ગ્રસે,
હજારો કાંટાળાં કુહર ભરખે તેજ રવિનાં.
ચડે ઊંચે ઊંચે, શ્વસન બનશે નવ્ય રુધિરે,
નવા વાયુઓથી નસ નસ નવાં જોમ ગ્રહશે,
દૃગોમાં દીપ્તિઓ નવ ચમકશે, દ્યૌ-તલ વસ્યે
વિશાળી ગોદે તું અવની ગ્રહશે મોદ મધુરે.
અણુમાં ખૂંતીને અણુતમ બનીને અકળતા
લહી લે સૃષ્ટિની, બૃહતતમ વા વ્યોમ વિચરી
નિગૂઢા દૈવી તે દ્યુતિતણી રચીને સહચરી,
રમી ર્હે આશ્લેષી અખિલ ભુવનોની સકલતા.
નહીં આ વચ્ચેનાં સ્ફુરણ મહીં તું સ્થૈર્ય ગ્રહજે,
પરાન્તોને પ્રાન્તે વિહર ચઢીને દિગ્પતિગજે.
માર્ચ, ૧૯૪૪