રચનાવલી/૧૮૭
‘લોકો ક્યારેય માનવાના નથી, પણ બે જ સત્ય છે : એક છે તેઓ કશું જાણતા નથી અને બીજું છે તેઓ કશું જ નથી.' માનવજાતની નિયતિ માટે આવા કઠોર વચન ઉચ્ચારનાર ઇટાલિયન સાહિત્યનો મોટો કવિ જ્યાકોમો લેઓપાર્દી (૧૭૯૮-૧૮૩૭) આગળ વધીને કહે છે કે ‘આ જગત એક કોકડું છે અને તે ક્યારેય ઉકલે તેવું નથી. લેખાજોખા કરીએ છીએ ત્યારે સમજાય છે કે માનવ-જીવન એક દુઃખદ ઘટના છે. વ્યક્તિ જેટલી બુદ્ધિશાળી અને સંવેદનશીલ એટલી એ સુખી રહેવા માટે ઓછી લાયક, મનુષ્યો જેને સુખ ગણે છે એ કેવળ આભાસ પર ટકેલું છે’ જીવન વિશેનો આવો નકારાત્મક સૂર ૧૯મી સદીના પૂર્વાર્ધમાં યુરોપના પછાતમાં પછાત ઇટલી દેદના પછાતમાં પછાત પ્રાન્તના પછાતમાં પછાત કસબામાં બેઠેલો કવિ કાઢે છે ત્યારે ઘણા બધા વિવેચકોએ એના કારણરૂપે લેઓપાર્દીની ઝમ્યા કરતી આંખો, એનું ખૂંધવાળું માંદલુ અને બેડોળ શરીર અને એની અડધીપડધી અપંગ દશાને આગળ ઘર્યાં છે. લેઓપાર્દીએ એનો સણસણતો જવાબ આપ્યો છે. કહે છે : ઇટાલિયન પતિનો એની પત્ની વિશેનો જેવો અભિગમ છે બરાબર એવો જ લોકોનો જીવન માટેનો અભિગમ છે. ઇટાલિયન પતિ માન્ય રાખે છે કે એની પત્ની વફાદાર છે, ભલેને પછી પુરાવાઓ તદ્દન એની વિરૂદ્ધ જતા હોય. જીવન વિશેની આવી કડવાશ પાછળ લેઓપાર્દીની જીવન વિશેની ઊંડી સમજ છે. એ જાણે છે કે કુદરતે મનુષ્યને તર્કબુદ્ધિ આપ્યાં છે જે એને હંમેશાં જીવનની નરી તુચ્છતાને જોવા પ્રેરે છે, તો વિરોધાભાસ એવો છે કે કુદરતે સાથે સાથે આ તર્કબુદ્ધિ સૂતાં પડી રહે અને આ કઠોર સત્યથી દૂર રહીએ એ માટે મોટા મોટા રાષ્ટ્રીય, ધાર્મિક, સામાજિક, રોમેન્ટિક વિચારો જન્માવ્યા કરીએ એ માટેનાં સાધનો પણ આપ્યાં છે. લેઓપાર્દીને ખ્રિસ્તીવાદનો મોટો વારસો મળેલો. નાનપણથી પિતાના સમૃદ્ધ ગ્રંથાલયનો બેસુમાર ઉપયોગ એને હાથવગો રહેલો પણ આસ્મા અને કબજિયાતથી પીડાતા આ કવિને ઊંડે ઊંડે ખાતરી હતી કે કોઈ સ્ત્રી એના તરફ આકર્ષાવાની નથી એનો પ્રેમ ક્યારેય કોઈ સ્વીકારવાનું નથી. બહુ કિશોરવયથી એ મરણની ઇચ્છાથી પીડાય છે અને તેથી જ એને નક્કર કશુંક હાથ લાગે છે તે એ જ કે કશું નક્કર જગતમાં છે જ નહીં, ધર્મનો અને યુવાન વયનો ભ્રમ ભાંગી જાય છે. લેઓપાર્દી માટે સુખ હંમેશાં અલભ્ય ચીજ બની જાય છે. એનું આવું નકારાત્મક આંતરિક જગત લેઓપાર્દીની કવિતાઓમાં, એના ફિલસૂફી અંગેના લેખોમાં અને ત્રણ હજાર જેટલાં પાનાં ભરીને તૈયાર એની નોંધપોથીમાં પડેલું છે. આમ છતાં વિરોધ એવો છે કે લેઓપાર્દીને સાહિત્યની શક્તિમાં વિશ્વાસ છે. એ કહે છે કે સાહિત્ય ભલે વસ્તુની નિરર્થકતાને બરાબર ઝીલી બતાવે, જીવનના અનિવાર્ય દુઃખોનો તીવ્ર અનુભવ કરાવે કે અત્યંત ઘેરી નિરાશા વ્યક્ત કરે પણ સાહિત્ય તે છતાં આશ્વાસન આપે છે. આપણા ઉત્સાહને વધારે છે. આવો વિરોધ કેવી રીતે શક્ય બને છે તે લેઓપાર્દીએ એની કાવ્યરચના ‘સિલ્વિયા’માં બતાવ્યું છે. આ કાવ્યરચના લેઓપાર્દીએ ૧૮૨૮માં પીઝામાં રહીને કરેલી એમાં જેને ‘સિલ્વિયા' તરીકે સંબોધન થયું છે તે લેઓપાર્દીના પરિવારના કોચમેનની દીકરી તેરેસા ફાતોરિની છે. ૨૧ વર્ષની વયે ૧૮૧૮માં તેરેસા ગુજરી ગઈ ત્યારે લેઓપાર્દી વીસ વર્ષનો હતો. દશ વર્ષ પછી આ કાવ્ય લખાયેલું છે. દશ વર્ષ પછી તેરેસાના મૃત્યુનું સ્મરણ થતાં લખાયેલા આ કાવ્ય પાછળ કવિની એક પ્રબળ માન્યતા પડેલી છે. લેઓપાર્દી માને છે કે ઇન્દ્રિયોની મર્યાદાઓની સામે અને બૌદ્ધિક સમસ્યાઓની સામે જે ખાલી જગા ઉભી થાય છે એને મુક્તપણે ભરી દેવામાં મન આનંદ અનુભવે છે. હકીકત એ છે કે મન હંમેશાં દોહરાવે છે. સ્મૃતિ પ્રસંગને ફરીને થડે છે. અલબત્ત, એમાં ‘પડછાયા’થી વિશેષ કશું હોતું નથી પણ એક ભ્રમ રહે છે કે આપણું બધું જ તો લુપ્ત નથી થઈ ગયું ‘સિલ્વિયા'માં પણ લેઓપાર્દી વર્તમાન ભૂતકાળ અને ભવિષ્યને બહુ જુદી રીતે ગૂંથે છે. કાવ્યની શરૂઆતમાં કવિ પૂછે છે : ‘સિલ્વિયા યાદ છે તને હજી / એ તારા મર્ત્યજીવનનો સમય?' મૃત સિલ્વિયા હજી આજે પણ સાંભળતી હોય એમ કવિ સંબોધન કરે છે, અને એનો વર્તમાન રચે છે : ‘શાન્ત ખંડો / બહારની શેરીઓ / તારા એકધારા ગીતથી ગુંજતી હતી / જ્યારે સ્ત્રી સહજ કામમાં વ્યસ્ત / તું બેઠી હતી' સાથે કવિ એ સમયનો પોતાનો વર્તમાન મૂકી પૈતૃક ઘરમાંથી બહાર આવી ઝરૂખે ઊભી ગીત સાંભળતા જે અનુભવ થતો તે રજૂ કરે છે : હું પ્રસન્ન આકાશને / સોનેરી શેરીઓને અને બગીચાઓને બહાર જોતો રહેતો અને છેક દૂર... આ બાજુ સમુદ્ર અને પેલી બાજુ પહાડ/ મેં શું અનુભવ્યું એ કોઈ ભંગુર જિહ્વા કહી શકે તેમ નથી.’ આ પછી કવિ એ સમયના આનંદદાયી વર્તમાનની પરાકાષ્ઠા લાવે છે : ‘એ સુખદ વિચારો / એ આશાઓ એ લાગણીઓ સિલ્વિયા / કેવું અદ્ભુત હતું એ જીવન / એ ભાગ્ય’ પણ પછી તરત જ સ્મૃતિના વર્તમાનને આંતરીને સ્મૃતિની ભવિષ્યની ઘટના ઘટે છે ઃ ‘સિલ્વિયા, હજી હિમ ઘાસને સૂકવી દે, એ પહેલાં તો / કોઈ ગુપ્ત બિમારીની તું ભોગ બની / તું સુકુમાર, નષ્ટ થતી રહી / તારા જીવનને વિકસતું તે જોયું નહીં' સિલ્વિયા અને કવિની આશા બંને એક સાથે વિલાય છે; અને જગતની કઠોરતા અંગે કવિ પ્રશ્ન કરે છે : ‘જગત આ છે? / આ આનંદ, આ પ્રેમ, આ અનુભવ / જેની ભેગા થઈને આપણે આટલી વાર્તા કરીએ છીએ? માનવજાતની આ નિયતિ છે?’ કાવ્યનો અંત અત્યંત વેધક છે. કવિ કહે છે : ‘સત્યની સહેજસાજ ઝાંખી થઈ / ને તું નષ્ટ થઈ ને દૂર રહી તેં ચીંધ્યાં / ઠંડુગાર મૃત્યુ અને રાહ જોતી કબર.’ લેઓપાર્દીએ કરાવેલો જગતનો દુઃખદ અને કઠોર અનુભવ સાદગીથી છતાં એવી સંવેદનશીલતાથી ધબકતો થયો છે કે કવિના જગતમાંથી પાછા ફર્યા પછી આપણી જીવવાની સમતુલા જોખમાતી નથી, પણ જીવનને જોવાની આપણી દૃષ્ટિ વધુ પરિપક્વ થાય છે. ઇટાલિયન સાહિત્યનો આ સમર્થ કવિ વિષાદની ફિલસૂફી મારફતે આપણને જીવનની વધુ નજીક લાવી મૂકે છે.