રચનાવલી/૧૯૧

Revision as of 09:05, 9 May 2023 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ૧૯૧. ખુલાસાનોંધ (જમાલ કમાલ) |}} {{Poem2Open}} મધ્ય એશિયામાં પહેલાં જે તુર્કિસ્તાન હતું એ ૧૯મી સદીમાં રશિયાના ઝારના હાથમાં ગયું અને છેવટે ચીન અને રશિયા વચ્ચે વહેંચાયુ. તુર્કિસ્તાનન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૧૯૧. ખુલાસાનોંધ (જમાલ કમાલ)


મધ્ય એશિયામાં પહેલાં જે તુર્કિસ્તાન હતું એ ૧૯મી સદીમાં રશિયાના ઝારના હાથમાં ગયું અને છેવટે ચીન અને રશિયા વચ્ચે વહેંચાયુ. તુર્કિસ્તાનનો પૂર્વભાગ ચીનના તાબામાં અને પશ્ચિમભાગ રશિયાના તાબામાં ગયો. રશિયાની ૧૯૧૭ની બોલ્શેવિક ક્રાંતિ પછી પણ તુર્કિસ્તાનનો છૂટકારો ન થયો. તુર્કિસ્તાનનું રશિયાકરણ થતું રહ્યું. ૧૯૨૪માં તુર્કિસ્તાનનો વિલય કરીને કઠપૂતળી જેવા ઉઝબેકિસ્તાન, કઝાકસ્તાન કિર્ધિઝસ્તાન તુર્કમેનિસ્તાન, તાજિકિસ્તાન, જેવાં પ્રજાસત્તાકો ઊભાં કરવામાં આવ્યાં પણ પ્રજાસત્તાકોની ભૌતિક સંપત્તિ અને એમની આંતરિક સંપત્તિનાં ધોવાણો ચાલુ રહ્યાં. પ્રજા રશિયન શાસકોથી ત્રસ્ત રહી. પ્રજાસત્તાકના પ્રતિનિધિઓ પર રશિયાનો અંકુશ કેવો હશે એનો અંદાજ તો એક જ પ્રસંગથી આવે એવો છે. પ્રમુખ ઇસ્લામ કારિપોવે ૧૯૯૧માં ઉઝબેકિસ્તાન પૂર્ણ સ્વતંત્ર થયાની ઘોષણા કરી ત્યારે ત્યાંની સંસદમાં સન્નાટો છવાઈ ગયો. પ્રમુખે કહ્યું ‘શી વાત છે, કોઈ તાળીથી આ વાતને વધાવતું પણ નથી?’ ત્યારે તાળીઓના ગડગડાટથી અને શોરથી વાતને વધાવી લેવામાં આવી. તુર્કિસ્તાનનો ઇતિહાસ તો બધાં શાસનો દરમ્યાન રફેદફે થયો છે, એની સંસ્કૃતિ એની પાસેથી લગભગ ખૂંચવી લેવામાં આવી છે. આવી પ્રજાની વેદના વિશિષ્ટ છે. આ વેદનાને પોતે સમજે તો ય બીજાને પહોંચાડવાની મથામણ લગભગ નિષ્ફળ જાય તેવી છે. ૧૯૩૮માં જન્મેલા ઉઝબેકિસ્તાનના કવિ જમાલ કમાલે આ સ્થિતિને પોતાની રચના ‘ખુલાસાનોંધ’માં મૂકી છે. જમાલ કમાલે બુખારાની ઇન્સ્ટિટયૂટમાં સાહિત્યનો અભ્યાસ કર્યાં છે. ૧૯૭૨થી ભાષાના ક્ષેત્રમાં સંશોધન આરંભ્યું છે. તાશ્કંદની ભાષા અને સાહિત્યની સંસ્થામાં કામ કર્યું, ગુલામ પ્રકાશનમાં મુખ્ય સંપાદક તરીકે પણ સેવા બજાવી. ૧૯૯૧માં ઉઝબેકિસ્તાન લેખક યુનિયનના નિયામક તરીકે એમની વરણી થયેલી. ‘જગત મારા હૃદયમાં પ્રવેશે છે.’ (૧૯૬૮), ‘હસન અને ચાંદ' (૧૯૭૪) ‘પીધે રાખતો પ્યાલો’ (૧૯૮૦) વગેરે એમના કાવ્ય સંગ્રહો છે. એમની રચના ‘ખુલાસા નોંધ’માં દૂર દૂરના ભૂતકાળની પેઢીઓથી માંડી આવનારી પેઢીઓને સાંકળીને ચાલે છે. સતત સમજાવવાની અને સમજ્યા છતાં અને લાખ પ્રયત્ન છતાં સમજને બીજાઓ સુધી ન પહોંચાડવાની મનુષ્ય જાતિની અશક્તિને એમાં બરાબર દર્શાવી છે. એમાં રશિયાના સંસ્થાનશાસક અમલદારો પરનો કટાક્ષ પણ બરાબર ઊતર્યો છે. રચનાનો પ્રારંભ જ ધ્યાન ખેંચે છે : ‘મારી જૂની તરકીબ અજમાવીને / ફરીને મેં આજે ખુલાસાનોંધ લખી નાંખી છે | અગડંબગડું શબ્દોની મદદથી / મેં કશુંક સમજાવવાનો પ્રયત્ન કર્યો છે.’ અહીં કોઈ ભૂલ થઈ હોય અને ખુલાસો માગ્યો હોય એવી સ્થિતિ છે જ, પણ કોઈ પણ વાતને વ્યક્ત કરવામાં શબ્દો ઓછા પડે છે એની મૂંઝવણ પણ દાખલ કરી છે. મજા તો ખુલાસાનોંધ જ્યારે ઉપરી અધિકારી પાસે પહોંચે છે ત્યારે જે બને છે તેમાં છે : ‘મારા ઉપરી અધિકારીએ મારી સામે તાકીને જોયું / પણ ખુલાસાનોંધ તૈયાર હતી / અને મને કોઈ ઈજા પહોંચે એમ નહોતી / એ કશું બોલ્યો નહીં એ પણ કોઈને / ખુલાસા નોંધ લખવા માંડ્યો બિચારો!' રાજવહીવટી તંત્રની યાંત્રિકતા અને જડતાને કવિએ અહીં અડફેટે લીધી છે. પણ પછી કવિ કહે છે : ‘ધારો કે આ વાત અટકે તો પણ જિંદગી આસાન બની જાય તેમ નથી. કા૨ણ હજારો વર્ષોથી માણસો ખુલાસા નોંધ લખી રહ્યા છે.’ કવિ ઇતિહાસમાં પહોંચે છે. કહે છે : ‘દૂર દૂરની આવનારી પેઢીઓને સંબોધીને / માણસે પથ્થરો પર લખાણો કર્યે રાખ્યાં’ ને પછી ઇતિહાસમાંથી કવિ સીધો વર્તમાનમાં આવે છે. ‘અદ્યતન છાપાઓ સામયિકો, પુસ્તકો એ હકીકતમાં એકજાતની ખુલાસાનોંધો જ નથી?" અણગણ સિરનામાઓ પર અને કચેરીઓ પર ખુલાસાનોંધો લખાતી રહે છે. વહાણોનાં વહાણો અને વિમાનોનાં વિમાનો ભરીને જગત ખુલાસાનોંધો મોકલે રાખે છે અને ત્યાં ન અટકતા, દૂરદૂરના તારાઓ અને ગ્રહો સુધી ખુલાસાનોંધો મોકલાતી રહે છે.’ ટૂંકમાં માણસ કાગળ ચીતર્યે રાખે છે, પત્રો લખે રાખે છે. કવિ કહે છે આમ છતાં માણસની દશા તો જુઓ. આટઆટલી નોંધો આટઆટલા કરારો, પ્રસ્તાવો પછી પણ જગતમાં આટઆટલી દુશ્મનાવટ, આટઆટલો વિખવાદ અને અવિશ્વાસ છે. ખરી વાત તો એ છે કે આટઆટલા પ્રયત્ન છતાં બે વ્યક્તિ પણ ક્યારેય એકબીજાને સમજી શકી છે? તો, ભૂતકાળની પેઢીએ એની પછીની પેઢીઓ માટે લખ્યું અને વર્તમાન એની પછીની ભવિષ્યની પેઢીઓ માટે લખતો રહેશે તો પણ જગતમાં એકબીજાની સમજમાં વધારો નહીં થાય. માણસો માણસો વચ્ચેની ગેરસમજ અને એ ગેરસમજથી ઊભાં થતાં નર્કોનો કોઈ હિસાબ નથી. વિપ્લવ, યુદ્ધ, હિંસા, અત્યાચારના મૂળમાં સંદેશાઓ ન પહોંચ્યાનો અભાવ છે. કૃષ્ણ કહી ગયા, બુદ્ધ કહી ગયા, ઈશુ કહી ગયા, ગાંધી કહી ગયા પણ બધા સંદેશાઓ ક્યાં ગયા? મનુષ્યજાતિની કરુણતાને લક્ષમાં રાખીને છેલ્લે કવિ કહે છે : ‘મારા ઉદાર સમકાલીનો / માત્ર તમારા વંશજને માફી બક્ષો / એ જગતને સમજી શક્યો ખરો / પણ સમજાવવામાં કામયાબ ન રહ્યો.’ ‘ખુલાસાનોંધ’ રચના, આજે ટેકનિકલ યુગમાં લાખો કરોડો સંદેશાઓની દોડધામ વચ્ચે વ્યર્થ જતા આંતરિક સંદેશાઓની કથા કહે છે.