રચનાવલી/૧૯૭

Revision as of 09:12, 9 May 2023 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૯૭. મુકદ્દમો (ફ્રાન્ઝ કાફકા) |}} {{Poem2Open}} માનવજાતના અપરાધો અસંખ્ય જુદા જુદા કદ આકારના અને અસંખ્ય જુદી જુદી રીતના હોય છે, એને ઝાલનારી કોઈ પણ રાજ્યના કે રાષ્ટ્રના ન્યાયતંત્રની...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


૧૯૭. મુકદ્દમો (ફ્રાન્ઝ કાફકા)


માનવજાતના અપરાધો અસંખ્ય જુદા જુદા કદ આકારના અને અસંખ્ય જુદી જુદી રીતના હોય છે, એને ઝાલનારી કોઈ પણ રાજ્યના કે રાષ્ટ્રના ન્યાયતંત્રની નાની મોટી જાળ વારંવાર નિષ્ફળ જાય છે, એટલું જ નહિ પણ ન પકડવાનું પણ એમાં પકડી બેસે છે. ન્યાયતંત્ર દ્વારા અજાણે થતા જઘન્ય અપરાધ અને એની અસંગતતાની પણ એક ઇતિહાસ છે. રાજ્યશાસનની ધૂન અને એનો તરંગ પણ ક્યારેક એની પર ચડી બેસે છે. કુરુક્ષેત્રમાં થયેલા મહાભારતથી માંડી વિશ્વયુદ્ધો અને અખાતયુદ્ધની માનવ ઇતિહાસની ગાથા પાછળ સંહારનો કોઈ પણ તર્ક મુકાયો હોય તો તે ન્યાયપૂર્ણ છે એની સર્વાંશે ખાતરી તો ક્યારેય થવાની નથી. આમ તો કોઈ પણ જીવસંહાર પોતે જ કુદરતી ન્યાય વિરુદ્ધની ઘટના છે. તો સ્ટાલિન, હિટલર કે મુસોલિનીએ કરેલા નરસંહારના તર્કનો તો છેડો મળે જ ક્યાંથી? અને એમાં ય હિટલરે કરેલા કરપીણ યહુદીસંહારનું પ્રકરણ તો માનવસભ્યતાના દીર્ઘપટ પર સૌથી વધુ જંગાલિયતભર્યું છે. આવી થનારી ઘોર ઘટનાઓ કે ઘટનાઓ પર દોરી જતી દારુણ પરિસ્થિતિઓની ગંધ સમર્થ લેખકની ઇન્દ્રિયોને ન આવે તો જ નવાઈ. લેખકને ક્યારેક અજાણતા પયગંબર કહેવાયો છે તે અમસ્તો નહીં. જર્મન ભાષાનો આવો જ એક પ્રસિદ્ધ કથાકાર ફ્રાન્ઝ કાફકા છે. જર્મનીમાં બનનારી ઉટપુટાંગ તર્કરહિત ઘટનાઓનો અણસાર એના સાહિત્યમાં વેરાયેલો પડ્યો છે. સવારે વહેલા ઊઠીને મોટામસ જીવડામાં પલટાઈ પોતાની દુર્ગતિ જોતો કાફકાની લઘુનવલ ‘રૂપાંતર’નો કારકુન ગ્રેગર સામ્સા હોય, ‘કિલ્લા' સુધી પહોંચી ભૂલભુલામણીમાં અટવાયેલો સંદેશાવાહક હોય કે એક દિવસ સવારે ઓચિંતા અજાણ્યા શખ્સોને હાથે ઝડપાતો બૅન્કમેન હોય બધે જ એના અણસાર છે. કાફકાના કથાસાહિત્યમાં સીધેસીધું જગત દેખાતું નથી. આ જગત સ્વપ્ન જેવું ઉટપટાંગ છે છતાં એનો કોઈ ઊંડો અર્થ નીકળતો હોય એવું અટપટું છે ક્યારેક તો સપાટી પરના એકબીજા સાથે ભાગ્યે જ સંકળાય છે એટલે કે દૃશ્યોને દેખીતી રીતે કોઈ એકબીજા સાથે સંબંધ હોય એવું લાગતું નથી. પણ આવા ઉટપુટાંગ જગતમાં ખરેખર તો કાફકાએ આપણી આસપાસના જગતની દુષ્ટતાને મોટી કરીને બતાવી જુદી રીતે આપણું ધ્યાન ખેંચ્યું છે. આપણા એકબીજાના વ્યવહારોમાં રહેલી ક્રૂરતાને કાફકાએ બહુ નજીકથી વર્ણવી છે. જર્મન ભાષાની પ્રાહ શહેરની યહૂદી કોમમાં જન્મેલા ફ્રાન્ઝ કાફકાએ ૧૯૦૬માં કાયદાશાસ્ત્રમાં ઉપાધિ મેળવેલી અને કોઈ એક મજૂર કચેરીમાં હોદ્દો લીધેલો. ૧૯૨૪માં એ ક્ષયથી મૃત્યુ પામ્યો ત્યારે પોતાના મિત્ર મેક્સ બ્રોડને એણે પોતાના બધા સાહિત્યનો નાશ કરવા કહેલું. પણ મિત્રે કાફકાની ઇચ્છા વિરુદ્ધ એનું સાહિત્ય પ્રકાશિત કર્યું કાફકા આજે જગતના ઉત્તમ કથાકારોમાંનો એક સાબિત થયો છે. કાફકાની કાયદાશાસ્ત્રની ઉપાધિ અને મજૂરકચેરીનો એનો હોદ્દો – આ બંને અનુભવ એની બહુ જાણીતી નવલકથા ‘મુકદ્દમો’ (ધ ટ્રાયલ)માં રૂપાંતર પામીને દાખલ થયો છે. એના કથાસાહિત્યમાં એક પ્રકારની એકલતા, અંદરનો સંઘર્ષ અને શ્રદ્ધા માટેની શોધ જે જોવા મળે છે તે ‘મુકમો’માં પણ જોઈ શકાય છે. આ નવલકથાને ઉત્તમ રીતે ચલચિત્રમાં પણ રૂપાંતરિત કરવામાં આવી છે. એમાં અંધારી ગલીઓ, પડછાયા પાડતા મકાનોના ખૂણાઓ, ખાલી ગોદામના ચિત્રવિચિત્ર વિસ્તારો અને ખરાબ સ્વપ્નની દુનિયામાં પલટી નાંખતો ઝાંખો પ્રકાશ ~~ આ બધું એકદમ ધ્યાન ખેંચે છે. ‘મુકદ્દમો’ નવલકથા નાયક જોસેફ કે.ની કથા છે. એક સવારે એના ઘરમાં અજાણ્યા બે માણસો આવે છે અને એને ખબર નથી એવા કોઈ ગુના હેઠળ એને કેદ પકડે છે. આ પછી એની પર એક મોટા ગોદામ જેવા મકાનમાં મુકદ્દમો ચાલે છે. પહેલીવાર હકડેઠઠ ભરાયેલી કોર્ટમાં ચિત્ર-વિચિત્ર કાર્યવાહી થાય છે પણ જોસેફ કે. જ્યારે બીજીવાર કોર્ટમાં જાય છે ત્યારે કોર્ટ તદન ખાલીખમ હોય છે. પોતાને શા માટે પકડ્યો છે તે જાણવા માટે જોસેફ કે. એક વકીલને રોકે છે પણ વકીલ એના કરતાં પણ ઓછી જાણકારીવાળો સાબિત થાય છે. આ પછી જોસેફ કે. એક ચિત્રકારની મદદ લેવા તૈયાર થાય છે. એને થાય કે એ કદાચ એને ઉગારી શકે. પણ ચિત્રકાર એવી ભાષામાં વાત કરે છે કે જોસેફ કે.ને કંઈ પલ્લે પડતું નથી ખરે કંટાળી જોસેફ કે. એક પાદરીનો સંપર્ક કરે છે. દર્દીને પણ એના ગુનાની કોઈ ખબર પડતી નથી તે તો પેલા અજાણ્યા બે માણસો આવે છે. જોસેફ કે.ને ધસડે છે અને ઠંડે કલેજે એનું ખૂન કરે છે. કોઈ પણ વાંકગુના વગર એક વ્યક્તિને પકડી એની પર માનસિક ત્રાસ ગુજારી એની પર મુકદ્દમો ચલાવી એને ઓચિંતું મારી નાંખનારું આસપાસનું જગત એના જમાનામાં કદાચ અવાસ્તવિક લાગ્યું હશે પણ જર્મનીમાં યહુદીપ્રજાનો વાંકગુના વગર હિટલરને હાથે ક્રૂરસંહાર થયા પછી કાફકાના અવાસ્તવિક જગતનો અર્થ વણઉકલ્યો રહેતો નથી. માનવ સમાજમાં રહેલા ઢંગધડા વગરની કાયદાની વ્યવસ્થાની હાંસી ઉડાડતી આ કથાએ માણસને બહુ નજીકથી જોયો છે. કાફકાની દુઃસ્વપ્નની કથાસૃષ્ટિમાં આપણી દુનિયાનું હાર્દ ધબકે છે.