રચનાવલી/૧૭૨


૧૭૨. મિસિસ ડેલોવે (વર્જિનિયા વુલ્ફ)


યુવાનીમાં એકવાર માનસિક રીતે ભાંગી પડ્યા પછી બીજા વિશ્વયુદ્ધમાં ફરીવાર માનસિક રીતે ભાંગી પડાશે એવી બીકથી અને યુદ્ધના નરસંહારને સ્વીકારી ન શકવાથી પોતાના વતનની નજીકની નદીમાં ઝંપલાવી આત્મઘાત કરનાર સંવેદનશીલ નારીવાદી સ્ત્રીલેખક બીજી કોઈ નહિ પણ એ વર્જિનિયા વુલ્ફ છે. આ સદીનો ત્રીજો ચોથો દાયકો વૂલ્ફ માટે સૌથી સર્જનાત્મક રહ્યો છે. ‘ટુ ધ લાઇટહાઉસ’ (૧૯૨૭), ‘ઓર્લેન્ડો’ (૧૯૨૮) ધ વેવ્ઝ’ (૧૯૩૧) જેવી એમની પ્રયોગાત્મક નવલકથાઓ છે; અને એ બધામાં એની નવલકથા ‘મિસિસ ડેલોવે' (૧૯૨૫)નું પણ સ્થાન છે. એની અન્ય નવલકથાઓની જેમ ‘મિસિસ ડેલોવે’માં પણ બહારના જગતનું નહીં એટલું અંદરના જગતનું સ્થાન છે. દર ક્ષણે આપણી આંખ આગળથી બહારનું જગત પ્રવાહની માફક પસાર થાય છે : રસ્તા પર પથરાયેલો આકરો તડકો, દોડતાં વાહનો, બારીમાં આવીને ઊડી જતો કાગડો, કોઈ હાથમાંથી છટકેલું વાસણ, ક્યાંક કોઈએ ચાલુ કરેલું સ્કુટર, ટી.વી.માં ચાલતું શ્રેણીનું કોઈ દૃશ્ય, બરાબર એ રીતે આપણી અંદરનું જગત પણ પ્રવાહની જેમ પસાર થયા કરે છે. એમાં તો વર્તમાનની સાથે ભૂતકાળ અને ભવિષ્યકાળ પણ ભસ્યા કરે છે. સાચા જોડે કલ્પના અને તરંગ પણ ઉમેરાય છે. ઘડીમાં એક સ્થળે તો ઘડીમાં બીજે, ઘડીમાં એક સ્મરણ, તો ઘડીમાં બીજું, ઘડીમાં એક વિચાર તો ઘડીમાં બીજો કોઈ ભાવ, કોઈ મિજાજ, કોઈ સંવેદન આવે છે ને જાય છે એમ કેટલું બધું અડફેટમાં આવ્યાં કરે છે. આ સદીમાં કેટલાક નવલકથાકારોએ બહારના જગતને વર્ણવવાનું છોડીને અંદરનાં જગતને વર્ણવવાનું પસંદ કર્યું. ઉપર ઉપરથી તો બહુ જૂજ પ્રસંગો બને પણ અંદરનાં ઘણાં બધાં ઘમસાણો રજૂ થતાં રહે. આને આંતર ચેતનાપ્રવાહની નવલકથા કહેવાય છે. ‘મિસિસ ડેલોવે’ એવી જ એક નવલકથા છે. ‘મિસિસ ડેલોવે’માં એક જ દિવસની વાત છે. લંડનમાં રહેવા છતાં એકબીજાથી તદ્દન અજાણ એવાં બે મુખ્ય પાત્રોનાં મનની લાંબી ગતિવિધિઓ લેખકે એમાં રજૂ કરી છે. જૂનની એક સવારે પોતના વૈભવશાળી મકાનમાંથી નીકળી મિસિસ ડેલોવે ખરીદી માટે જઈ રહ્યાં છે. એ દિવસે રાત્રે એમણે એક ભોજન સમારંભ યોજ્યો છે. રસ્તામાં જૂના મિત્ર વ્હાઇટબ્રેડ મળે છે. એનાં પત્ની એવલીન હંમેશાં માંદાં રહે છે ડેલોવેને થાય છે કે નર્સિંગ હોમમાં જોવા જતાં એ કઈ ભેટ લઈ જશે. પણ પછી વિચારે છે કે પહેલાં રાત્રિના સમારંભ માટે પોતે ફૂલો ખરીદી લે. ફૂલોની ખરીદી કરતા હતાં ત્યાં ડેલોવે એક લાંબી ચકચકતી કાર જુએ છે. એ કારની બારીઓના પડદા પાછળ કોણ હશે એનું કૂતુહલ એમને જન્મે છે. પછી કારને બકિંગહામ મહેલ તરફ વળી જતી જોઈને એમને ખાતરી થાય છે કે એ કારમાં રાણી જ હશે. ત્યાં એમને વિમાનનો અવાજ સંભળાયો. એ વિમાન દ્વારા આકાશમાં ટોફીની જાહેરાત લખાતી જોઈ. આકાશમાં જાહેરાત એ જમાનાની ખાસ નવીનતા હતી. ડેલોવેની આસપાસનું ચહલપહલ કરતું લંડન ડેલોવેને ભૂતકાળમાં ખેંચી જાય છે. મહેમાનોથી ભર્યુભાદર્યું પોતાના પિતાનું ઘર; શાળા જીવનની બહેનપણી સેલી સીટન; પોતાના મંગેતર રિચર્ડ ડેલોવેને જોઈને સેલીએ કરેલી મજાક; મૈત્રીની ઉષ્મામાં આવેલી ઓટ; પોતાની મોટી થઈ ગયેલી દીકરી ઇલિઝાબેથ, ધાર્મિક ઘેલછાવાળી એની શિક્ષિકા ડૉરિસ કિલ્મન; રિચર્ડને પરણતાં પહેલાં પોતાના જીવનમાં આવેલો, ભારત ચાલી ગયેલો અને ભારત પહોંચતાં પહોંચતાં જ રસ્તામાં કોઈને પરણી બેઠેલો પિટર વૉલ્શ; આ બધું સામટું ડેલોવેના ચિત્તમાં ધસી આવે છે. ખરીદીનો આનંદ લેતાં લેતાં, સરસ હવામાનની વચ્ચે ભૂતકાળનાં આ બધાં સંસ્મરણો તેમજ રાત્રિ ભોજન સમારંભ અંગે કરવાની તૈયારીઓનો વિચાર ડેલોવને ઉષ્માસભર કરી મૂકે છે. પણ આ જ વખતે લંડનની શેરીઓમાં એક એવું પાત્ર ભટકી રહ્યું છે જે દુ:ખીદુ:ખી છે. એની સાથે એની ઇટાલિયન પત્ની લુક્રેઝિયા છે પણ સેપ્ટમસ વૉરન સ્મિથને યુદ્ધના બોમ્બનો આઘાત છે. મિત્ર એવન્ઝની યાદ સતાવી રહી છે. એવન્ઝ યુદ્ધ અધિકારી હતો અને યુદ્ધમાં ખપી ગયો હતો. સ્મિથને આઘાત એ વાતનો છે કે પોતાનો એકદમ જિગરી દોસ્ત મૃત્યુ પામ્યો તેમ છતાં એને અંગે એ ખરેખર ઝાઝું કશું અનુભવી ન શક્યો. એની પત્ની લુક્રેઝિયા ડૉ. હોમ્સ પાસે સ્મિથની ચિકિત્સા કરાવે છે પણ સ્મિથ અને સહકાર આપતો નથી. આ બાજુ ડેલોવે ખરીદી કરી ઘેર પહોંચે છે; તો બ્રૂટન તરફથી બપોરના ભોજનનું નિમંત્રણ માત્ર એના પતિને જ મળેલું છે એ વાત એને ખટકે છે. ત્યાં ભારતથી પાછો ફરેલો પિટર વૉલ્સ ડેલોવેની મુલાકાત માટે આવી પહોંચે છે. ડેલોવે એને દીકરી ઇલિઝાબેથની ઓળખાણ કરાવે છે; અને રાત્રિના ભોજન માટે નિમંત્રણ આપે છે. બીજી તરફ બપોર પછી લુક્રેઝિયા સ્મિત માટે ચિંતિત છે ડૉ. હોમ્ડને બદલીને એ ડૉ. વિલિયમ્સ બ્રેડ શૉની સારવાર શરૂ કરે છે પણ બપોર પછી ડૉ. હોમ્સ સ્મિથના ઘેર આવતા સ્મિથ બારીમાંથી કૂદી આપઘાત કરી નાંખે છે. તો, એ જ સમયે ઇલિઝાબેથની શિક્ષિકા ડૉરિસ ફિલ્મન ઇલિઝાબેથને ખરીદી માટે લઈ જાય છે. ડેલોવેને કિલ્મન માટે આદર નથી. એની ઘર્મઘેલછાને કારણે એ દીકરી માટે સાવધ છે. છેવટે, ભોજન સમારંભની ઘડી આવી પહોંચે છે. આ સમારંભમાં વિલ્યમ દરે પણ નિયંત્રિત છે. એ થોડો મોડો પડતાં ઘોડો ઘડવાનું કારણ જણાવતા કહે છે કે એના એક યુદ્ધ કાળના દર્દીએ આપઘાત કરી લીધો છે. ડેલોવે આ સાંભળે છે અને અજાણ્યા સ્મિથ સાથે પોતાની જાતને જોડી દે છે એ વિચારે છે કે એની જિંદગી પણ નિષ્ફળ ગયેલી છે અને તેથી કોઈ પણ આઘાતને એ પૂર્ણપણે સમજી શકે છે. પણ એક પછી એક લગભગ બધા મહેમાનો ગયા પછી પિટર વૉલ્સ ડેલોવે પાસે આવીને કહે છે કે હજી પણ વયમાં વૃદ્ધ છતાં સુંદર ડેલોવેને ચાહે છે. અહીં નવલકથામાં એકદમ એકલાં લાગતાં પાત્રોને એમની નિયતિ એક સાથે બાંધી રહી છે એ એક મોટો વિરોધાભાસ છે. તેમ છતાં લાગે છે કે ઉત્તમ મનુષ્યો તો એ જ છે જેનામાં બાકી બચી માનવતાની સાથે કોઈને કોઈ રીતે જોડાયેલા રહેવાની તીવ્ર સભાનતા પડેલી છે.