રચનાવલી/૨૦૬


૨૦૬. બાળક (વિક્ટર હ્યુગો)


ફ્રેંચ કવિ બૉદલેરનું એક કાવ્ય છે : ‘આ જગતની બહાર ક્યાંય પણ’ આ કાવ્યમાં કવિ મન સાથે વાત કરે છે. મન નારાજ છે. એને ગોઠતું નથી. તો કવિ કહે છે કે ચાલ તને લિસ્બન લઈ જાઉં એ હુંફાળો પ્રદેશ છે. પણ મન કોઈ જવાબ આપતું નથી. કવિ આગળ પૂછે છે કે તો પછી તને રોટરદમ ગમે કે નહિ? મન મૂંગુ રહે છે કવિ હિંમત કરી વધુ આગળ પૂછે છે કે કદાચ તને બાટેવિયા ગમશે. મન એક હરફ ઉચ્ચારતું નથી. કવિ હવે સાહસ કરે છે. કહે છે આપણે ટોર્નિયો માટે આપણા બિસ્તરા ઉપાડીએ. અરે તેથી પણ આગળ જઈએ બાલ્ટિકના છેક છેડે જઈએ અને મન મોટેથી બરાડે છે ક્યાંય પણ આ જગતની બહાર ક્યાંય પણ.' બૉદલેરના આ કાવ્યમાં મનની જવાબ ‘આ જગતની બહાર ક્યાંય પણ' ઓચિંતો વિસ્ફોટની જેમ આવે છે. બૉદલેરના આ કાવ્યમાં ધીમે ધીમે પરાકાષ્ઠાએ લઈ જઈ આઘાત આપવાની તરકીબ છે. એના મૂળની તો જ્યારે બૉદલેરની પૂર્વે થઈ ગયેલા ફ્રેંચ કવિ વિક્તૉર હ્યુગોનું એક કાવ્ય ‘બાળક’ વાંચો ત્યારે ખબર પડે. વિક્તૉર હ્યુગોએ પણ ‘બાળક’ કાવ્યમાં ધીમે ધીમે આગળ વધતી વાતને પરાકાષ્ઠાએ પહોંચાડીને આઘાત આપ્યો છે. આવું કાવ્ય પૂરું થયા પછી દિવસોના દિવસો સુધી મનમાં આગળ વધ્યા કરે છે. ‘બાળક’ કાવ્ય વિસ્તાર હ્યુગોનો ‘પૂર્વનાં કાવ્યો" નામે એક કાવ્યસંગ્રહ છે, એમાં પડેલું છે. ૧૮૩૦માં તુર્કીઓથી ગ્રીક લોકોને આઝાદી મળી. પરંતુ ૧૮૨૧માં તુર્કીઓ સામે ગ્રીકલોકોએ સ્વાતંત્ર્ય સંગ્રામ ખેલેલો અને તુર્કીઓ દ્વારા જે ચારેબાજુ ભયાનક વિનાશ વેરાયેલો એની ભૂમિકા લઈને આ કાવ્ય ચાલે છે. યુદ્ધનો કે હિંસાનો પ્રભાવ બાળમાનસ પર કેવો પડે છે એનું એ જબરદસ્ત ઉદાહરણ છે. આજે આપણી આસપાસ રાજકારણની ગુંડાગીરી અને એનું અપરાધીકરણ જે રીતે ફૂલ્યાં ફાલ્યાં છે અને આજની ફિલ્મો જે રીતે સેન્સર બૉર્ડમાંથી પસાર થઈને હિંસા અને અત્યાચારના ભયંકર કાલ્પનિક દૃશ્યો સાથે મારફાડ કરતી રજૂ થઈ રહી છે એની વચ્ચે ઊછરતી ઊગતી નિર્દોષ બાલપેઢીને વર્તમાન જગત શો વારસો આપશે એની ઊંડી ચિંતામાં લઈ જાય એવું વિક્તોર હ્યુગોનું કાવ્ય છે. તુર્કીઓ ચારેબાજુ તારાજી વેરીને પસાર થઈ ગયા છે. એ દૃશ્ય સાથે કાવ્ય ઊઘડે છે. ગ્રીસનો કોઈ કિઓસ ટાપુ છે. એનો ઉદાસ રેતીકાંઠો છે. આસપાસની ઝાડી એમાં પડછાયાઓ પાડી રહી છે. આ એ જ ટાપુ છે જેમાં હરિયાળા પર્વતો, મહેલો અને મહેલોમાં દર રાત્રિએ થતા જલસાઓ પહેલાં પ્રતિબિંબિત થયા હતા. આજે ટાપુ સાવ નિર્જન છે. ના, કાળી પડેલી દીવાલોને અઢેલીને એક ભૂરી આંખવાળું બાળક બેઠું છે. નાનું ગ્રીકબાળક. એનું મોં નીચું ઢળી ગયું છે. બાળકના આશ્રયરૂપે એક કાંટાળું ઝાડ ઊભું છે, ભયાનક તબાહીની વચ્ચે બાળકની જેમ જ ભુલાયેલું. આ બાજુ બિચારું ઉઘાડપગું બાળક અને બીજી બાજુ તીણા ખડકો છે. એની આંખમાંથી આંસુ લ્હોવા માટે સમુદ્ર, અને આકાશમાંથી ફરીવાર કોઈ પ્રકાશનો ઉલ્લાસ એના પર પડે એનું માથું ઊંચકાય. કવિ પૂછે છે બાળક તને શું જોઈએ છે? એવું તે તને હું શું આપું જે તને ફરી રમતોજમતો કરી દે, ફરી તને આનંદથી કિલ્લોલતો કરી મૂકે. તારા વિખરાયેલા વાળને ફરી ઠીક કરી દે હું તને શું આપું કે તારું દુઃખ છેદાઈ જાય? તારી આંખ જેવાં તને નીલકમલ જોઈએ છે? બહુ ઊંચા ઝાડનું મજાનું ફળ તને જોઈએ છે? જંગલનું પંખી આવે અને તને હસતું કરી જાય એમ તું ઇચ્છે છે? તને શું જોઈએ છે? ફળ, ફૂલ, એકદમ, સુંદર પંખી? અને.. ભૂરી આંખોવાળું ગ્રીકબાળક બોલી ઊઠે છે : મને ગન પાવડર અને ગોળી જોઈએ છે. વિક્ટોર હ્યુગોએ ‘બાળક’ શીર્ષક આપીને મોટો વિરોધાભાસ ઊભો કર્યો છે. બાળકની નિર્દોષતા છીનવી લેવી, એના જેવો મોટો અપરાધ કોઈ પણ સમાજનો બીજો કયો હોઈ શકે? ફલ, ફૂળ અને સુંદર પંખીમાં આનંદ લેવાની વયે બાળક ગન પાવડર અને ગોળી માગે એમાં કાવ્યમાં સતત મૂંગા રહેલા બાળકનો ભયાનક વિસ્ફોટ છે. ભૂતકાળ અને વર્તમાનમાં તો માનવજાતે વિનાશ વેર્યો છે પણ માનવજાતે ભવિષ્યમાં પણ વિનાશ વેરી દીધો છે, એના પરનો વ્યંગ અહીં પૂરેપૂરો પામી શકાય છે. ૧૮મી સદીના અંતમાં જન્મેલ લામાર્તિન, નેર્વલ જેવા ફ્રેન્ચ રોમેન્ટિક કવિઓમાં વિક્તૉર હ્યુગોનું સ્થાન છે. વિક્તોર હ્યુગોને આમ તો એમની જગવિખ્યાત નવલકથા ‘લે મિઝરેબ્લ’થી લોકો ઓળખે છે પણ કવિ તરીકે પણ વિક્તૉર હ્યુગોનું સ્થાન જરાયે ઊતરતું નથી, એવું ‘બાળક’ જેવા કાવ્યને જોતાં લાગ્યા વગર રહે નહીં. હ્યુગોએ સેંકડો કાવ્યો લખ્યાં છે. બાળકો માટેનો પ્રેમ એનો હંમેશા વ્યક્ત થતો રહ્યો છે. અહીં ‘બાળક’ કાવ્યમાં પણ તુર્કી સામેના ગ્રીક સ્વાતંત્ર્ય સંગ્રામના ઇતિહાસનો પ્રસંગ લઈને અને એ પ્રસંગ વચ્ચે બાળકને મૂકીને સમાજની માંદગી પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અહીં કાવ્ય બાળક માટેનું છે, પણ સંદેશો સમાજ માટેનો છે.