મારી લોકયાત્રા/૨૧. કૉબરિયા ઠાકોર અને વધામણાં

Revision as of 15:30, 9 May 2023 by Meghdhanu (talk | contribs) (+created chapter)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૨૧.

કૉબરિયા ઠાકોર અને વધામણાં

મહા એ કૉબરિયા જેવા મેલા દેવની સ્થાપના અને કોળી કરવાના તથા અંબાવ, સુંડ (ચામુંડા) અને ધપસા જેવી ગોત્રદેવીઓનાં વધામણાં કરવાનો મહિમા છે. આ સમયખંડમાં ગામેગામ કૉબરિયાની કોળી અને ગોત્રદેવીઓનાં વધામણાં કરવામાં આવે છે. આખી રાત કૉબરિયા કોરનાં સાંગ (નાની ઘેર જેવું ચર્મવાદ્ય) પર નૃત્ય-ભજનો અને દેવી-દેવતાનાં નૃત્ય-ગીતો ગાવામાં આવે છે. કૉબરિયાની કોળીનાં નૃત્ય-ભજનો અને ગોત્રદેવીઓનાં ગીત-ભજનો ભીલોની વિષમ આર્થિક પરિસ્થિતિમાં વસાણાનું કામ કરે છે અને ઓછે કપડે પણ ઠંડીમાં રક્ષાકવચ બને છે. સાચા અર્થમાં આ ભજન-ગીત-નૃત્યો જ ઠંડી ઋતુ સામે લડવાનું બળ આપે છે, અને તેઓ માટે ‘જીવન-રસાયણ' પુરવાર થાય છે. ભીલોનાં મેલાં અનુષ્ઠાનો ઠંડી ઋતુમાં જ આવતાં હોવાથી મેલાં દેવ-દેવીઓને વધુ ને વધુ બકરા-પાડાનો બલિ ચડાવવામાં આવે છે. આવા પ્રસંગે અન્ય સમાજના સભ્યની હાજરી તેઓને ગમતી નથી. ભવિષ્યમાં આ દિશામાં કામ કરનાર સંશોધકને ઉપયોગી થાય એવો ખ્યાલ હોવાથી ક્ષેત્રકાર્ય દરમિયાન બનેલા અને અનુભવેલા પ્રસંગોમાંથી એક-બે પ્રસંગોનું યથાતથ વર્ણન ક૨વાનો અભિગમ છે. સંશોધનના મારા એ આરંભના દિવસો હતા. ખેડબ્રહ્મા કેન્દ્રથી ૩૦ કિ.મી. દૂર આવેલા દેમતી ગામમાં મારા એક ભીલ વિદ્યાર્થી સાથે કૉબરિયા ઠાકોરનાં ભજનો ધ્વનિમુદ્રિત કરવા રાતના આઠ વાગે પહોંચ્યો. જેમના ઘેર કૉબરિયા ઠાકોરનું મેલું અનુષ્ઠાન હતું તેમનું નામ કુમુદ પારગી હતું. કુમુદ પારગી પ્રાથમિક શિક્ષક હતા. અમને જોઈને કુમુદના ચિત્તમાં સંશયની સોય સળવળવા લાગી અને પ્રશ્નોની અણી અમારા તરફ ભોંકાવા લાગી. મારી સાથે આવેલો વિદ્યાર્થી ઉજમો પારગી તેમના જ ગામનો હતો. ઇશારાથી પાસે બોલાવ્યો અને પૃચ્છા કરી, “આ કોણ છે? કેમ આવ્યા છે?' ઉજમાએ કહ્યું, “આ તો કે.ટી. હાઈસ્કૂલ, ખેડબ્રહ્માના અમારા શિક્ષક સાહેબ છે. કૉબરિયા ઠાકોરનાં ભજનો ટેપ કરવા આવ્યા છે.” કુમુદે કહ્યું, “જા, સાહેબને કહે કે ભજનો ટેપ નહીં થાય.” દૂરથી બંનેની વાતચીત સાંભળતો હતો. મેં કુમુદને પાસે બોલાવ્યો અને વાણીમાં શક્ય એટલી મીઠાશ ભરી કહ્યું, “ભાઈ, તમે ગાશો અને ટેપરેકર્ડરની સ્વિચ દબાવીશ એટલે ભજનો તો એની મેળે ટેપ થશે. પછી તમે કેમ કહો છો કે ભજનો ટેપ નહીં થાય?” કુમુદે થોડાક આવેશ સાથે જવાબ આપ્યો, “એમ નહીં સાહેબ, તમે ભજન ટેપ કરો એટલે અમારા દેવનું સત ચાલ્યું જાય અને અમે ૧ હજાર રૂપિયા ખર્ચીને કરેલો જગન ફોગટ જાય. એટલે તમારે ભજન ટેપ નથી કરવાનાં." મેં નરમાશથી કહ્યું, “તમે ના પાડો છો તો હું ભજન ટેપ નહીં કરું પણ તમે કૉબરિયા ઠાકોરની વિધિ કરશો તે જોઈ શકું?” કુમુદે વિધિ જોવાની સંમતિ દર્શાવી અને ત્યાંથી ચાલ્યા ગયા. ૧૫ મિનિટ પછી ઉજમાને ફરીને તેમની પાસે બોલાવ્યો અને કહ્યું, “જા, સાહેબને કહે કે વિધિ પણ ના જોઈ શકાય.” ઉજમાએ તેમનો ઉત્તર મને સંભળાવ્યો. વળી મેં તેમને મારી પાસે બોલાવ્યા અને કહ્યું કે “વિધિ નહીં જોઈ શકાય તો કંઈ નહીં પણ તમે જે ગાશો તે ભજનો દૂરથી સાંભળી તો શકાશેને?” કુમુદે કહ્યું, “ભલે, દૂરથી ભજનો સાંભળજો.” કુમુદ ત્યાંથી ચાલ્યો ગયો. ૧૫ મિનિટ પછી ઉજમાને બોલાવીને કહ્યું, “જા, સાહેબને કહે કે ભજનો પણ સાંભળી નહીં શકાય.” અને મારે રાત્રે ૧૦ વાગે ઉજમા સાથે ઊભા થઈ જવું પડ્યું. બીજો ‘વતાંમણાં’નો પ્રસંગ બનાસકાંઠા જિલ્લાના ગોટડા (ગોટ્ટા) ગામનો છે. કિરમોલ પહાડની તળેટીમાં વિકેન્દ્રિત ખોલરાંમાં વસેલું ભીલોનું આ ગામ આજથી ૧૫ વર્ષ પહેલાં તો વનરાજીથી શોભતું હતું. આખી રાત દેવી-દેવતા, ગોઠિયા, જાર-પ્રેમના કારણે થયેલી હત્યા અને ચોરોનાં સાહસ ભરેલાં ગીતો ગાયા પછી સૂર્યનાં ફૂટતાં પ્રથમ કિરણોની વચ્ચે માતાના સ્થાનક પાસે એક બકરો લાવવામાં આવ્યો. મને લાગ્યું કે વધનો સમય થયો છે જેથી વધુ રોકાવું યોગ્ય નથી. હવે આવતા જુગુપ્સાપ્રેરક દૃશ્યની કલ્પનાથી ચરણોમાં ગતિનો સંચાર થયો. માતાના સ્થાનકથી થોડેક દૂર ખેતર વચ્ચે ચાર-પાંચ વર્ષના એક તંદુરસ્ત પાડાને ઘેરીને કેટલાક લોકો ઊભા હતા. સાઠેક વર્ષના એક પ્રૌઢ ઉમરના માણસના હાથમાં બંદૂક હતી. આ લોકો વચ્ચે હું જ આગંતુક લાગતો હતો. માંડ પ૦૦ મીટરની જમીન કાપી હશે, ત્યાં તો બંદૂકનો ભડાકો થયો. ટોળું કિકિયારીઓ પાડતું મારા ભણી ધસી રહ્યું હતું. સૌથી આગળ પાડો હતો અને તેના શરીરમાંથી લોહીની ધારાઓ વહી રહી હતી. પાડાને ગોળી. વાગતાંની સાથે ભાગ્યો હતો. કુહાડીવાળા કેટલાક માણસોએ પાડાને ઘેરી લીધો અને તેના માથામાં અવળી કુહાડી મારીને પાડાને બેહોશ બનાવી જમીન પર ઢાળી દીધો. મારા માટે પશુ-હત્યાનું પહેલું જ દૃશ્ય હતું. ભયનો માર્યો આંખો બંધ કરી ધડકતી છાતીએ ખોલરામાં ઘૂસી ગયો. વધુ ને વધુ લોકો આનંદની કિકિયારીઓ પાડતા ધસી રહ્યા હતા. ખોલરાના માલિકો પણ માતાના સ્થાનકે ગયા હોવાથી નિર્જન ખોલરામાં પવન હડિયો કાઢીને ‘અરેલા’ ગાતો હતો. જેમના માટે આનંદનું હતું તે દૃશ્ય મારા માટે ભય અને વેદનાનું હતું. અકથ્ય વેદના ‘પૉગના નૉખહી (પગના નખથી) હમાંમ હમાંમ કરતી ટોસી તરી' (ચોટી સુધી) વ્યાપી ગઈ હતી. ગોટડા ગામના ખોલરામાં મને જરા પણ ગોઠ્યું નહીં. વ્યથિત ચરણો અધીરા બનીને ૪ કિ.મી. દૂર પૂર્વમાં આવેલા હડાદ ગામના બસ-સ્ટૅન્ડ ભણી ચાલવા લાગ્યા. શાકાહારી સમાજમાંથી આવતી વ્યક્તિને આ દૃશ્ય અવશ્ય ક્રૂરતા આચરનારું લાગે પણ આ પ્રસંગ તેઓની ધાર્મિક આસ્થા અને માન્યતામાંથી ઉદ્ભૂત થયેલો હોવાથી તેમના સાંસ્કૃતિક સંદર્ભમાં જ મૂલવવો જોઈએ.

***