મેં માન્યું ’તું
મેં માન્યું ’તું હૃદય મુજ છે વ્યોમ જેવું વિરાટ,
જેમાં લાખો પ્રણયદ્યુતિઓ દીપતી તો ય તે તો
ખાલી ર્હેશે સભર તિમિરે શાશ્વત શ્યામ વ્યગ્ર.
આજે જોઉં પણ હૃદયમાં એ વિરાટત્વ ના ના,
તારી શીળી લઘુક દ્યુતિ આકંઠ એને ભરીને
બેઠી કેવી મુજ દરપની ચૂર્ણ જાણે કરીને
વેરી વ્યોમે, રજતવરણી રાજતી રંગમત્ત.
ના ના એને લઘુક બનવે લેશ લજજા હવે તો,
એ તો પેલા તમસ–રસિત વ્યોમની મેર ન્યાળી,
એનું લક્ષાવધિ દ્યુતિ છતાં શ્યામ દારિદ્રય ચીંધી,
પોતા કેરા જય ધવલના અટ્ટહાસ્ય લસે છે!
નવેમ્બર, ૧૯૩૮