ગીત-પંચશતી/અનુષ્ઠાનિક ગાન

Revision as of 15:13, 23 May 2023 by Meghdhanu (talk | contribs)

આનુષ્ઠાનિક ગાન


હે ગૃહદેવતા પધારો. આ ઘરને પુણ્યપ્રભાવથી પવિત્ર કરો. હે જનની, બધાંના જીવન ભરીને વિરાજો — આદર્શરૂપ મહાન ચરિત્ર બતાવો. ક્ષમા કરતાં શીખવો, ક્ષમા કરો, મનમાં તમારું દષ્ટાંત જાગ્રત કરો. હૃદયમાં ધૈર્ય આપો, સુખમાં અને દુઃખમાં ચિત્ત અટલ રહે એમ કરો. રાત-દિવસ વિમળ પ્રકાશ બતાવો, પુરજનોમાં શુભ્ર પ્રતિભાનું વિતરણ કરો. નવાં શોભાનાં કિરણોથી આ ઘરને સુંદર રમ્ય અને વૈવિધ્યપૂર્ણ બનાવો. બધાને પ્રાણ ભરીને પ્રેમદાન કરો. હે સખા, આત્માભિમાન ભૂલાવી દો. બધાં વેર દૂર થઈ જશે. હે જીવનમિત્ર ! તમને વધાવી લઈએ છીએ.

હે નવીન સંસારી, તમે બે જણે આજે જે નાવ વહેતી મૂકી છે તેના સુકાની, જે આ ભવના સુકાની છે તેને બનાવો. જેઓ અવિરતપણે કાલસમુદ્રને હંમેશાં પાર કરી જાય છે તેઓ આજે આ શુભ યાત્રામાં પ્રસાદરૂપી પવનનો સંચાર કરો. ચિર જીવનનું પાથેય લઈ લો, નાવડી કલ્યાણથી ભરી લો, સુખમાં અને દુઃખમાં, અંધકારમાં અને પ્રકાશમાં અમૃતની શોધમાં જજો. આળસમાં અને આવેશમાં બંધાયેલાં ન રહેશો, તોફાનમાં અને વાવાઝોડામાં હસતાં હસતાં ચાલ્યાં જજો. તમારો પ્રેમ વિશ્વમાં દેશવિદેશમાં ફેલાવી દેજો.

જે માટી ખોળા પાથરીને (તારા) મુખ તરફ જોઈ રહી છે તે માટીના આકર્ષણથી પાછો ચાલ. જેના હૃદયને ચીરીને આ પ્રાણ ઉદ્ભવ્યો છે, જેના હાસ્યથી ફૂલો ખીલ્યાં છે, જેણે પ્રત્યેક ગીતમાં સાદ દીધો છે. એક દિશાથી બીજી દિશા સુધી તેનો ખોળો પથરાયેલો છે. જન્મ-મરણ તેના હાથના અલખ સૂત્રમાં ગૂંથાયેલાં છે. એના વિગલિત હૃદયની આત્મ- વિસ્તૃત જલધારા સાગર તરફ પ્રાણને સંદેશ લઈ આવે છે.


અગ્નિશિખા, આવ, આવ; પ્રકાશ લાવ. દુ:ખમાં સુખમાં ઘેર ઘેર ઘરદીવડાઓ પેટાવ. શક્તિ લાવ, દીપ્તિ લાવ, શાન્તિ માટે તૃપ્તિ લાવ. સ્નિગ્ધ પ્રેમ લાવ, સદા શુભ લાવ. પવિત્ર પંથે થઈને, હે કલ્યાણી, આવ. શુભ નિદ્રા, શુભ જાગરણ આણી દે. દુ:ખની રાતે માતાને વેશે, આંખનું મટકું માર્યા વગર, જાગતી રહે. આનીંદ-ઉત્સવમાં તારું શુભ્ર હાસ્ય ઢોળી રહે.

હે અતિથિ બાલ તરુઓ, અમારા આંગણે આવો ! માનવના સ્નેહનો સંગ સ્વીકારો, ચાલો, અમારે ત્યાં ચાલો ! શ્યામલ વાંકી ભંગિમાથી, ચંચળ કર્ણમધુર સંગીતથી તમારા પ્રાણનો આનંદ કોલાહલ ડાળીએ ડાળીએ બારણે લઈ આવો. સૂર્યનો પ્રકાશ તમારે માટે નવીન પલ્લવે નાચો, વન વલ્લભ વાયુને મર્મર ગીતની ભેટ આપો. આજે શ્રાવણની વર્ષાધારામાં આશીર્વાદનો સ્પર્શ મેળવો, અમરાવતીની જળધારા માથા ઉપર પાંદડે પાંદડે પડો.

હે ગૃહવાસી, દ્વાર ખોલો. બધું ઝોલે ચઢ્યું છે. સ્થળ જળ અને વનમાં બધું જ ઝોલે ચઢ્યું છે. ખોલો, દ્વાર ખોલો. અશોક અને પલાશ પર રંગીન હાસ્યનો પાર નથી. વાદળભર્યા પ્રભાતના આકાશમાં રંગીન નશો છે. કૂણાં પાંદડાંએ રંગનો હિલ્લોળ છે. વાંસવન દક્ષિણના પવનમાં મર્મરિત થઈ ઊઠ્યું છે. પતંગિયાં ઘાસમાં ઊડાઊડ કરે છે. મધમાખી ફરી ફરીને ફૂલ પાસે દક્ષિણા માગે છે, પોતાની પાંખથી એમની યાચકની વીણા વગાડે છે. માધવીના મંડપમાં વાયુ સુગંધથી વિહ્વળ થઈ ઊઠયો છે.

પ્રેમના મિલન-દિવસે જે સાચો સાક્ષી છે તે અંતર્યામીને હું નમું છું, નમું છું. વિપત્તિમાં અને સંપત્તિમાં, સુખમાં અને દુ:ખમાં જે દિવસ-રાત સાથી છે, તે અંતર્યામીને હું નમું છું, નમું છું. અંધારી રાતે જેમની દૃષ્ટિ પ્રત્યેક તારામાં છે, જેમની દૃષ્ટિ જીવનની અને મરણની સીમાને પાર કરે છે, જેમની દૃષ્ટિ દીપ્ત સૂર્ય-પ્રકાશમાં, અગ્નિ-શિખામાં, અને જીવ-આત્મામાં છે તે અંતર્યામીને હું નમું છું, નમું છું. જીવનનાં બધાં કર્મ (અને) સંસારનો ધર્મ તેમને ચરણે અર્પિત કરો. જે અખિલ વિશ્વના સાક્ષી છે તે અંતર્યામીને હું નમું છું, નમું છું.

એક દિવસ જેમણે રાજાની દુહાઈ દઈને તેમને જઈને માર્યા હતા, તેઓ જ આ યુગમાં આજે જન્મ લઈને આવ્યા છે. ભક્તના વેશ લઈને તેઓ મદિરમાં આવ્યા છે. ઘાતક સૈન્યને બોલાવીને ‘મારો મારો’ એમ પોકાર કરે છે. સ્તવમંત્રના સ્વર ગર્જનમાં ભળી જાય છે ! માનવપુત્ર તીવ્ર વ્યથાથી જણાવે છે : ‘હે ઈશ્વર, અત્યંત ભયંકર વિષથી ભરેલું આ પીવાનું પાત્ર દૂર ફેંકી દો, જલદીથી દૂર ફેંકી દો.’

બધાંને આહ્વાન કરું છું – આવો ઉત્સુક ચિત્ત, આવો આનંદિત પ્રાણ. હૃદય બિછાવી દો. અહીંનાં દિવસ-રાત નવજીવનનું દાન કરો. આકાશેઆકાશમાં, વનેવનમાં તમારા મનેમનમાં ગીતો બિછાવી દેશો. સુંદરની ચરણપીઠ તળે, જ્યાં કલ્યાણદીપ જલે છે, ત્યાં સ્થાન પામશો.