‘વારાણસી’
આ તરફ તરતા ડૂબતા પડિયા, કોહવાયેલાં ફૂલ
ધોળું અબિલ, રાતું બંબોળ કંકુ, વિષ્ટા,
બળેલા માંસના ટુકડાઓ, જાળમાંથી ફેંકાતી માછલીઓની
રાહ જોતી સમળીઓ, પંડા સાથે રકઝક;
ઘાટને ખીલે બાંધેલ હોડીઓનું ટોળું,
એક એક ધોણે ડૂબકીએ ડૂબકીએ ધોવાતો જતો પાપનો રંગ,
ને
ગોલોકના અંધકારમાં બેઠેલાં પૂર્વજોનાં મરણ.
ગંગાની પેલી તરફ
રેતીના તટ પર કોમળ પગલીઓ,
રેતી પર પવનની આંગળીઓ,
અડધા પગ રેતીમાં ખૂંપાવી બેઠેલું શિશુ;
રેતીમાં રમવું કે જળમાં તેની વિમાસણમાં પડેલી બે હોડીઓ,
કાંઠે ફરફરતાં મુંજનાં રેશમ રૂપેરી ફૂલો,
આમતેમ હીંચકતો જળઝૂલો,
અગાધ નીલ જળ ને અબાધ નીલ આકાશ.
હજી આજેય અહીં ઢળતી સાંજે
સજ્જોબાઈ યાદ કરી લે છે
તેની દેહની હવેલીની જાહોજલાલી.
–સાતેય કોઠે દીપમાળા પ્રગટી હતી
ને રૂંવે રૂંવે હતો રાગ.
હરી ભરી હતી જે હવેલી.
તેનો ઝરૂખોય હવે ઝૂકેલો,
અને ગવાક્ષેપ કજળેલા કાળા
ખાલી કૂખના ખાલી માળા.
પિપરીબાઈની આર્જવભરી ઠુમરી
ગૂંગળાઈ ગઈ છે તેના ડૂમો ભર્યા ગળામાં
દાદરો ગાતાં ગાતાં જ ચુકાઈ ગયો છે લય,
ને કજરી ગણગણતાં જ ચૂવે છે આંખ.
આથમી ગયો નિતંબના આકાશમાં
કોઈના નખક્ષતનો ચન્દ્ર અનેક કાયાઓના કળણમાં.
શેરીઓમાં હજીય રઝળ્યા કરે છે
કજરી - ચૈતીના સૂર.
તથાગતે કાશીરાજને સંબોધેલા જે ઉપદેશો
રવડતાં ગબડતાં પવન સાથે
ભટકાતાં ફરી હોર્ડિંગો સાથે
'Have Charminar'
'Live life king size'
ખમ્મા તમને !
મણિકર્ણિકાના ઘાટે
મડદાનું મોં ઊંચું કરી પોઝ ગોઠવી
તેની સાથે છેલ્લો કે કદાચ
પહેલો જ ફોટો પડાવતા સ્નેહીઓ,
વારો આવે ત્યારે
ઉતાવળા ડાઘુઓ વચ્ચે
બળવાની રાહ જોઈને નિરાંતે સૂતેલી
લાલપીળી નનામીઓ;
જળ પ૨ ડાકલાં દેતી ચિતાની જ્વાળાઓ,
વાંસના ઘીત્કાર ધક્કા સાથે ફંગોળાતા
અગ્નિ-ઉચ્છિષ્ટ અંગો -
શાંતિ પામે જળમાં, સમળી ગીધની ક્ષુધામાં
માછલીઓનાં પેટમાં.
હમણાં હવે પૂરી થશે સંબંધોની સૃષ્ટિ
બદલાઈ જશે દૃષ્ટિ
ને શરૂ થશે પ્રેતાત્માઓની ભૂતાવળ.
વીરડામાં આછરતા જળની જેમ
આછરતી સાંજ, આછરતો વાણીનો ડહોળ
પથ્થ૨ જડી શેરીમાં જે ઊતરી આવી'તી
ઘાટનાં પગથિયાં ઊતરી
ફરી ચડી
સમાઈ ગઈ શેરીમાં.
અંધકારની સરવાણીઓ ભળતી જતી ગંગામાં.
સાંધ્ય આરતીના આશ્વસ્ત વાતાવરણમાં
ધૂસર ધૂપમાં અભિષેક ઝીલતું કાશી વિશ્વનાથનું લિંગ,
ગંગા ૫૨ તરતો સાંધ્ય આરતીનો ગંભી૨ ધ્વનિ,
દૂર નીલશ્યામ દિગંતની પડછે ગલપક્ષીઓની હાર,
—જાણે કોઈ જળવેલ પરનાં નાનકડાં ફૂલો.
અનામિક, જલદી કર
બહુ ફોક્સ ન કર, ભલે રહ્યો ઝાંખો પ્રકાશ,
ધૂંધળું તો ધૂંધળું
Take a Snap please
ધૂંધળો હોય છે આ અરુણિમાનો આછો અંજવાસ,
ધૂંધળા હોય છે સુદૂર પર્વતનાં શિખરો,
ને
ધૂંધળો જ હોય છે નિહારિકાનો બાષ્પપૂંજ.
એક પગ જળમાં
ને
એક પગ જળની બહાર
અને હવે તો જળ જ જળ
કાંઠે આવી મારાં વસ્ત્રોની સાથે
પહેરી લઉં બધાં વરસો એક પછી એક
ને તે સાથે જ વળગી પડે નામઠામનાં
ઠીબ ઠીકરાં ચીવર ચીંથરાં
તે પહેલાં
તે પહેલાં Take a Snap Please.
એ... એ ગયો મારો જન્મ
જો-જો હજુ અડધોપડધો ઝાલી રાખ્યો છે તેને
જળ બધી રેખાઓને ભૂંસી નાખે,
અવળસવળ ઊલટસૂલટ કરી નાખે,
તે પહેલાં જલદી ક૨
આ તો છે જળ
નાદાન સાવ નાના બાળક જેવું,
ગંભીર ઋચામંત્ર જેવું.
પૂર્ણથી ઊભું કશું ન ખપે તેને.
નહાઉં છું અહીંયા
દશાશ્વમેઘ ઘાટ પર
સૂર્યની સાક્ષીએ
તારી સગી આંખની સામે તારા કૅમેરાના ફિલ્ડમાં
ને લાગે છે
નહાયો છું ક્યાં ક્યાં
-ગોદાવરી નાઈલ ર્હાઈન ડેન્યૂબમાં.
સહેજ તણાઉં છું અહીંયાં
ને નીકળું છું ક્યાં ક્યાં
તું જલદી કર અનામિક
દ્વાપર યુગમાં કે ત્રેતાયુગમાં જો પહોંચી જઈશ એકવાર
તો
ફરી ફરીનેય પાછો નહીં આવું.
ગંગા ક્ષમા કર મને
જગન્નાથની ગંગાલહરીનું જળ
ઘાટનાં પગથિયાં ચડી ચડીને અડ્યું નથી
મારી પાનીને
તું મહાન છે
પણ તારાથીય મહાન છે આ જળ.
અને
મારાં પાપ !
મારાં પાપ તો અતિક્ષુદ્ર છે.
એ નથી સગરપુત્રો જેવા બુલંદ
બસ
કોઈ રસળતી કાયા ૫૨ કામુક દૃષ્ટિ સરી પડી છે ક્યારેક
પણ તેને કાયાથી અભડાવવાનું કૌવત નથી.
ખોટું બોલ્યો છું ક્યારેક
પણ થોડા ખચકાટ સાથે.
પાડોશીને ઊઠીનો દૂધનો ગ્લાસ આપ્યો છે છલોછલ
થોડું પાણી ઉમેરીને પણ તેનો રંજ રહ્યો છે દિવસો સુધી.
શાંતિ સમયે પણ કોઈ મળતિયા રાજદ્રોહીની જેમ
અંદરથી તો રહી રહીને ઇછ્યું છે યુદ્ધ.
આવાં આવાં ક્ષુદ્ર છે મારાં પાપ.
પણ એક પાપ છે ઊંડું
ઊંડે ઊંડે રહ્યું છે કોરતું
-કર્ણના સાથળમાંના ભમરાની જેમ
જે છે તારાથી દૂર રહેવાનું.
દૂર દૂર એ રામનગરના સંગ્રહસ્થાનની
પેલી ખખડધજ ઘડિયાળમાં કચરાતો સમય
અહીં આળેટે છે જળ પર
સાંજના નરમ પ્રકાશમાં
ઘાટ, મંદિર, મહેલ હવેલીના
ઘુમ્મટ બુરજોની ઝાંખી રેખા પાછળ
સાંધ્ય આકાશની રક્તાત્મ જવનિકા.
સંધ્યારત બ્રાહ્મણની જલસિક્ત પીઠ જેવું
વારાણસી ઊભું છે ગંગામધ્યે - શાંત નિશ્વલ
ફડફડાટ કરતું કબૂતરોનું ટોળું
દૂર ઊડે – ટપકું થઈ પાછું આવે,
જળની આરસીમાં ઝિલાય
ને ફરી દૂર દૂર ઊડી જાય ટપકું થઈ.
તોફાની શિશુની જેમ પવન દોડતો આવે,
ને લપાઈ જાય મારા ઊડતા કપડામાં
પ્રગલ્ભ થઈ ઘાટે ઘાટે વાતો કરે,
આજકાલ શીખેલી તુલસીની ચોપાઈ ભૂલી જાય;
તો ઘડીકમાં
મંદિરની ધજા પર ચડી ચટપટ રામનું નામ બોલે,
નમણી નારીનું ભીનું વસ્ત્ર ફરકાવે,
સર સર હોડી સરકાવે,
જળને ખિલખિલ હસાવે,
દૂર તલના ખેતરમાં તલના ઘૂઘરા ખખડાવે,
શિશુના હાથની ધાણી વેરે,
સુક્કાં પાંદડાંઓને દડબડ દોડાવે
કણ કણ કરી કાયા વિખેરે આ પવન.
હું દેહી
આ પવન,
મને કરે વિદેહી.