ગંધમંજૂષા/વિજયનગર

Revision as of 02:57, 28 May 2023 by Meghdhanu (talk | contribs) (+created chapter)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

વિજયનગર

હમ્પી હોય કે પોમ્પી
શો ફરક પડે છે ?
બંને હર્યાંભર્યાં ને હવે ભૂતભર્યાં.
એક દટાય ધખધખતા વિસુવિયસથી
તો એક ભભૂકી ભડભડીને ભડથું થઈ જાય
એથીય કરાલ જ્વાલાના અગ્નિથી
ધ્વસ્ત અસ્ત - ધૂલ ભસ્મ.
સિફેરિસ સાચું જ કહે છે :
‘આ પથ્થરો
કે જે આપણું ઘર થઈ શક્યા હોત.'
ઊભો રહું આ ઊષર ભૂખ૨ પહાડો પર
જ્યાં જ્યાં દૃષ્ટિ પડે ત્યાં ત્યાં
પથ્થરોનું ઇજન.

પથ્થરો ચોમેર વેરાયેલા પથ્થરો
તડકામાં નહાતા, વર્ષોનો અભિષેક ઝીલતા,
બખોલ ભરી અંધકાર વાગોળતા,
જમીનમાં રોપાયેલા
ભૂમિમાં મૂળ નાખી સત્ત્વ સારવતા
જુઓ જુઓ
હમણાં જ ફૂટી છે આ લઘુશિલાની કૂંપળ
ને એ ત્યાં વાતો કરતું ઊભું
એક શિલાવૃંદ.
હમણાં જ હાથમાં હાથ નાખી
ચાલવા લાગશે કે શું ?
પથ્થરો કસાયેલી કાયા જેવા પથ્થરો
જળનાં ગોત્રમાં જળ બની વહેતા પથ્થરો
પથ્થરની ગોદમાં લપાયેલા પથ્થરો
પથ્થરો બધે પથ્થરો
ન ઉપત્યકા ન અધિત્યકા
કેવળ મરિચિકા:
ન સ્વપ્ન, ન જાગૃતિ,
ન તુરીય, ન બ્રહ્મ;
બસ, બધે ભ્રમ ભ્રમ.
ભ્રમ સત્ય, જગત મિથ્યા અહીં.
તોતિંગ દરવાજાની ભૌગળ ભાંગે
કડક દઈ તૂટે કમાડની પીઠ
ધસમસતા હાથી રઘવાયા થઈ દોડે
ગંડસ્થળનો મદ મહાવતને ચડે
એક ચિંઘાડથી ચીરાઈ જાય આકાશનું પેટ તંગ

ઘોડાઓ
રાતા કાળા ઘોડાઓ
અંધકારથી રક્તથી અને ભૂમિની લાલાશથી
ઘડેલાં
તેમની સ્વેદગંધથી મત્ત બન્ને પવન
કેશવાળી સાથે રમતાં પવનથી
સળગી ઊઠે કેશવાળીઓ;
આહુતિ આપેલ અગ્નિશિખાઓ
પગના બલિષ્ઠ સ્નાયુઓમાં
ઘાસલ મેદાનનું જોમ; બાપો, બાપો;
સબાક
હીં હીં હીં હીં... હણહણાટીમાં
ફસડાઈ પડે ચાર પગ, ફાટી જાય આંખ,
ભાલામાં એક માથું પરોવી
તીરવેગે છૂટે એક અસવાર
છબાક્ જળમાં છબાક્
એય તુંગભદ્રાને ચીરતો.
તુંગભદ્રાનાં પાણી ચળક ચળક ચાંદનીમાં
ડાબલાના અવાજ દૂર દૂર દૂર
દબાય ગજશાળાના હાથીની ચાલ
સુકાય હાથીની સૂંઢમાં નરમ ઘાસના શ્વાસ
દબાય રાણીવાસનાં ડૂસકાં
રાણીવાસની દીવાલો ૫૨ કોલસાથી લખાયેલ
ટૂરિસ્ટનાં નામોને રાતનાં અંધકારમાં ભૂંસે
પટરાણીનું પ્રેત
કંકણના હીરામાં ચળકી ઊઠતી
રાણીની આંખમાં આંસુની ઝાંખપ
અંતઃપુરનાં કમાડ ઊઘડીને બની જાય
દશેય દિશા
અંતઃપુરની ઓસરીએ બેઠેલું એકાંત
વાતો કરે હવે દૂર દૂરના તારા સાથે.

પુરાતત્ત્વ ખાતું ઉત્ખનન કરે બજારનું
ને જાગી ઊઠું
જાગી ઊઠું ચામડા હિંગ ને તેજાનાની વાસથી
સ્વર્ણકારોની એરણ પર પડતાં
હળવી હથોડીના અવાજથી
સુંદરીઓના બાહુમૂલની ગંધથી
પંપા સરોવરના કમળતંતુના સ્પર્શથી
વાતવાતમાં હસી પડતું વૃંદ
ને કેવો ભ્રૂભંગ !
ભાવતાલ કરતી રૂપસીનો
સ્પર્શી ગયેલો સ્પર્શ
ને આ બધી તાલ જોતી છજાં પરની ખિસકોલી.

પાંપણ પરથી ટપકવા સરેલું એક આંસુ
અમથું અમથું હસી પડેલા હોઠોનો વળાંક
આંખના ખૂણામાં રક્તની ઉગ્રતા.
ઓ ઓ
બૂમ પાડું ને સાંભળતું નથી કોઈ કેમ ?
ઊભીબજારે ખંડેરોની શ્રેણી હેમખેમ.
વ્યાલનું રૂપ કરાલ હવે વિરૂપ
ઉગ્ર નરસિંહના સાથળ પર બેઠેલી લક્ષ્મીને
ઉઠાવી ગયું કોઈ
ને
હિમ હિમ ઠંડી મીણની મૂર્તિની જેમ
બેસી રહ્યા ન૨શૃંગાલ,
દેવોના રથનું ગળતું જતું પૈડું,
ઘર, બજાર, દેરી, મંદિ૨ ને મહેલના
સ્થંભો પર ટકેલું આકાશ,
ગર્ભમંડપના ઘુમ્મટમાં ભેજલ અંધકાર ને
ચામાચીડિયાની કાનાફૂસી,
બધે હવે ખુલ્લા પથ્થરોની નગ્ન ભૂમિતિ.
‘બધાં હવે આ તરફ આવો
સાથે થઈ જાવ બધાં,
બહેનો, તમે જરા આગળ, હા બરોબર;
જુઓ આ છે
૪૦” x ૩૦”નું નાવણિયું એટલે કે સ્નાનકુંડ
રાજાએ તેમની પટરાણી માટે બંધાવેલું.'

અહાહા
ધૂપધોયા કેશ, અભ્યંગ, સ્નાન,
રતિક્રીડા કલાન્ત,
બાહુ-પિંડીઓનું નરમ માંસ,
ત્રિવલ્લીમાં ભરાયેલ પીઠીની રેખાઓ,
ના ના,
બધું બધું હવે ખુલ્લા પથ્થરોની નગ્ન ભૂમિતિ.
ઓ ઓ મૃતકો,
જેટલું રક્ત તમારી કાયામાં
જેટલું રક્ત આ ભૂમિ પર
જેટલું આ ભૂમિમાં
તેટલું મારામાં પણ
તમારું માંસ નરમ બલિષ્ઠ મારા સ્નાયુઓમાં
તમારાં સ્વપ્નો ઝળહળતાં કે દૂર દૂરની
દીવાદાંડીના દીવા જેવાં મારી આંખમાં,
તમારા ખૂટેલ શ્વાસ મારા ખૂટલ શ્વાસમાં,
અથડાતો ફરું લથડાતો ફરું તમારાં સ્વપ્નો પીને.

વિજયનગરના સામ્રાજ્યની દિગંતજયી ગાથા
પીળાં પુસ્તકોનાં બરડ પાનાંઓમાં
હવે તો ઘાસની કાલજયી યાત્રામાં.
બધુંય ડૂબે
બધુંય ડૂલે
કોટકાંગરા ઘર બજાર ઉંબર પર.
મ્લેચ્છોનો નહીં, ઘાસનો વિજય;
ઘાસનો વિજયધ્વજ
વિજયનગરના ભગ્ન મંદિરનાં શિખરો પર
મહેલના મિનારા પર
વિજયનગરની બજારમાં ઘાસની આગેકૂચ
વિજયનગરના તૃણધ્વજની ખ્યાતિ
જગતનાં બધાં ખંડેરો પર
આમ જ ઘાસનો થશે વિજય,
જુઓ જુઓ
મારી છાતી પર પણ વરસતી ધૂળ
મારી છાતીમાંય ઘાસે નાખ્યાં મૂળ;
ખોદો
હવે કોઈ
મનેય મારામાંથી ખોદો.’