સ્વામી આનંદ
દવે હિંમતલાલ રામચન્દ્ર, ‘સ્વામી આનંદ’ (૧૮૮૭, ૨૫-૧-૧૯૭૬) : નિબંધકાર, કોશકાર. જન્મ શિયાણી (વઢવાણ)માં. પૂર્વાશ્રમનું નામ હિંમતલાલ રામચન્દ્ર દવે/દ્વિવેદી. પ્રાથમિક શિક્ષણ ગીરગામ (મુંબઈ)માં. ૧૮૯૭માં લગ્નના વિરોધમાં, ભગવાન દેખાડવાની લાલચ આપનાર સાધુ સાથે, કિશોરવયે ગૃહત્યાગ. બે-ત્રણ વરસના, રઝળપાટ પછી, તેરમે વરસે રામકૃષ્ણ મિશનના સાધુઓના સંપર્કમાં મુકાતાં વિવિધ મઠો-આશ્રમોમાં વિદ્યાભ્યાસ અને ચરિત્ર ઘડતર. ૧૯૦૫માં બંગાળ-મહારાષ્ટ્રના ક્રાંતિકારીઓના સંસર્ગે સ્વાતંત્ર્યસંગ્રામમાં. ૧૯૦૭માં લોકમાન્ય તિલકના ‘કેસરી’ પત્રના મુદ્રાકાર્યમાં સહાય અને મહારાષ્ટ્રના ગ્રામપ્રદેશમાં સ્વરાજ ચળવળમાં સક્રિય. એ સાથે મુંબઈના મરાઠી દૈનિક ‘રાષ્ટ્રમત'ની ગુજરાતી આવૃત્તિનું સંપાદન. તે બંધ પડતાં ૧૯૦૯માં હિમાલયની યાત્રા. ૧૯૧૨માં મિસિસ એની બેસન્ટ સ્થાપિત પહાડી શાળા (હિલબૉયઝ સ્કૂલ)માં શિક્ષણકાર્ય. પછીથી ગાંધીસંપર્ક થતાં ૧૯૧૭માં ‘નવજીવન’ અને ‘યંગ ઇન્ડિયા'ના મુદ્રક અને પ્રકાશક તરીકે તંત્ર-સંચાલન. ૧૯૨૨માં ‘યંગ ઇન્ડિયા'માં પ્રકાશિત લેખ માટે મુદ્રક તરીકે જેલ-સજા. બારડોલી સત્યાગ્રહમાં વલ્લભભાઈ પટેલના અંગત મદદનીશ. ૧૯૩૦માં વિલેપારલેના ઉપનગર સત્યાગ્રહી તરીકે જેલવાસ. તે પછી થાણા (મુંબઈ), બોરડી (દ. ગુજરાત), કૌસાની (અલમોડા) અને કોસબાડમાં આશ્રમો સ્થાપી આદિવાસી તેમ જ પછાત વર્ગના લોકો વચ્ચે રચનાત્મક કાર્ય. સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા અપાયેલ પુરસ્કાર (૧૯૬૯) સાધુજીવનની અલિખિત આચારસંહિતાના જતન માટે સાભાર પરત. ૮૯ વરસની વયે મુંબઈમાં હૃદયરોગના હુમલાથી અવસાન. ગાંધીજીનાં મુખપત્રોમાં જરૂર પડતાં ‘ઈસુનું બલિદાન’ શીર્ષકથી લેખમાળા લખીને એમણે ગુજરાતી લેખનનો આરંભ કર્યો હતો. એમની વિશિષ્ટ ચરિત્રકથાઓને ચિંતનાત્મક નિબંધમાં સાધુજીવનનો રઝળપાટ, તજજન્ય અલગારીપણું, અનુભવગત બાહુલ્ય અને સચ્ચાઈ તેમ જ વૈવિધ્ય અનાયાસ પ્રગટ થાય છે. મરાઠી, હિન્દી, અંગ્રેજી ભાષાઓ અને તેની પ્રાદેશિક બોલીઓ ઉપર સમાન પ્રભુત્વ ધરાવતા એમની ગુજરાતી ભાષામાં સૌરાષ્ટ્રી, ચરોતરી, સુરતી અને કવચિત કચ્છી-સિધી બોલીઓનું સુભગ મિશ્રણ જોવા મળે છે. વ્યાપક જીવન-અનુભવ ને વિપુલ વાચનથી ઘડાયેલી એમની અરૂઢ છતાં પ્રૌઢ, કવચિત્ રમતિયાળ તો બહુધા સંઘેડાઉતાર, તત્ત્વાન્વેષી તેમ જ હૃદયરાગથી ઊભરાતી, વિપુલ અર્થાભિવ્યક્તિ ધરાવતા તળપદ શબ્દો, યથાર્થ રૂઢિપ્રયોગો તથા કહેવતોથી બળકટ નીવડતી ચિત્રાત્મક શૈલી ગુજરાતી ગદ્ય સાહિત્યમાં અલગ ભાત પાડે છે. સાધુજીવનની આચારસંહિતાના આગ્રહે, વર્ષો સુધી પોતાનાં લખાણોને ગ્રંથસ્થ કરવાની સંમતિ ન આપનાર એમણે એક બાજુ મહાદેવ દેસાઈ, સાને ગુરુજી, કિશોરલાલ મશરૂવાળા, નાનાભાઈ ભટ્ટ, ડૉ. માયાદાસ, છોટુભાઈ દેસાઈ જેવી નામી અને મોનજી રૂદર, વામનદાદા તથા સાધુસમાજની કેક, તેજ-તપઃપૂત વ્યક્તિઓ તો બીજી બાજુ જડસુ, ગંદા-ગોબરા અને કુર-- અાતતાયીઓ સમા મેજર ઈથરલી, નઘરોળ મુરશદ, કંસના વારસ ને અનામ ટાંગાવાળા ઇત્યાદિની ચરિત્રકથાઓના સંગ્રહ ‘કુળકથાઓ’ (૧૯૬૬), ‘ધરતીનું લૂણ(૧૯૬૯), ‘મોતને હંફાવનાર’ (૧૯૬૯), ‘સંતોના અનુજ’ (૧૯૭૧), ‘સંતોના ફાળા’ (૧૯૭૮), ‘નઘરોળ’ (૧૯૭૫), ‘ગાંધીજીનાં સંસ્મરણો’ (૧૯૬૩) તથા ‘ભગવાન બુદ્ધ’ (અન્ય સાથે, ૧૯૬૪) આપ્યા છે. સર્વધર્મસમભાવથી પોષાયેલી જીવનદૃષ્ટિથી ધર્મ અને સમાજની સમીક્ષા કરતા એમના ચિંતનાત્મક નિબંધોના સંગ્રહોમાં ‘ઈશુનું બલિદાન’ (૧૯૨૨), ‘ઈશોપનિષદ', ‘ઈશુભાગવત’ (૧૯૭૭), ‘લોકગીતા', ‘નવલાં દરશન અને બીજા લેખો’ (૧૯૬૮), ‘માનવતા ના વેરી’ (૧૯૬૬), ‘અનંત કળા’ (૧૯૬૭), ‘આતમનાં મૂલ’ (૧૯૬૭), ‘સર્વોદય વિચારણા’ (અન્ય સાથે) વગેરેનો સમાવેશ થાય છે. સમાજચિંતન અને બીજા લેખો’ (૧૯૮૩), ધર્મચિંતન અને બીજા લેખા’ (૧૯૮૨) ઉપરાંત રાધુજીવન દરમિયાન કરેલ. યાત્રા-પ્રવાસેની ઉપનીપજ સમી, ‘પ્રસ્થાન'માં ૧૯૫૪-૬૦ દરમિયાન પ્રકાશિત થયેલી પ્રવાસકથાઓ ‘ઉત્તારાપથની યાત્રા અને ‘બરફ રસ્તે બદરીનાથ’ (અન્ય સાથે, ૧૯૮૦) તથા ટ્વેન હડિનની ભ્રમણકથાનો અનુવાદ ‘એશિયાનાં ભ્રમણ અને સંશોધન (૧૯૭૯) વગેરે એમનાં મરણો સર પ્રકાશનો છે. ‘બચપણનાં બાર વરસ’ (૧૯૮૨) નામે અપૂર્ણ આત્મવૃત્તાંત પણ એમણે આપ્યું છે. આ ઉપરાંત વ્યાપક લોકસંપર્કના ફળસ્વરૂપે એકત્ર થયેલ તળપદ શબ્દપ્રયોગો, રૂઢિપ્રયોગ તથા કહેવતોનો સંગ્રહ જૂની મૂડી’ (૧૯૮૦) પણ એમણે આપ્યો છે; તો એમનાં પુસ્તકોમાંથી મૂળશંકર મો. ભટ્ટ પસંદ કરી આપેલાં લખાણોનો સંગ્રહ ધરતીની આરતી’ (૧૯૭૭) લોકમિલાપ ટ્રસ્ટ દ્વારા પ્રગટ થયો છે.