ટોપીવાળા ચંદ્રકાન્ત અમૃતલાલ : (૭-૮-૧૯૩૬) કવિ, વિવેચક. જન્મ વડોદરામાં. ૧૯૫૮માં મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. ૧૯૬૦માં એમ.એ. ૧૯૮૨માં ગુજરાત યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. ૧૯૬૧થી ૧૯૬૫ દરમ્યાન પોરબંદરની કે. એચ. માધવાણી કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ૧૯૬૫માં ગુજરાતી વિભાગના અધ્યક્ષ તરીકે દાહોદની નવજીવન આર્ટ્સ ઍન્ડ કૉમર્સ કૉલેજમાં જોડાયા. ૧૯૭૧ થી ૧૯૮૪ સુધી એ જ કૉલેજના આચાર્ય. ૧૯૮૪થી. અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક. લા. સ્વાધ્યાય મંદિરના નિયામક. ૧૯૮૭માં જર્મની, બેલ્જિયમ, ફ્રાન્સ, સ્વિટ્ઝર્લૅન્ડ વગેરે દેશોનો યુરોપ-પ્રવાસ. ‘મહેરામણ’ (૧૯૬૨) એમનો પ્રથમ કાવ્યસંગ્રહ છે; પણ એમની પ્રતિભાનો વિલક્ષણ આવિષ્કાર તો થયો એમના બીજા કાવ્યસંગ્રહ ‘કાન્ત તારી રાણી’(૧૯૭૧)માં. એમાં અનુભૂતિને વિશિષ્ટ ભાષાભિવ્યક્તિમાં ઢાળતી દુર્ગમ પ્રયોગશીલતા છે; તો ‘પક્ષીતીર્થ’ (૧૯૮૮)ની કાવ્યરચનાઓ વધુ ખુલ્લી અને વધુ પાર દર્શક બનવા તરફ ઢળેલી છે. ‘બ્લૅક ફૉરેસ્ટ’ (૧૯૮૯) યુરોપીય સંવેદના નિરૂપતો કાવ્યસંગ્રહ છે. વિવેચનની ભાષાભિમુખ તરેહ આપતો ‘અપરિચિત અ અપરિચિત બ’ (૧૯૭૫) એમનો વિવેચનસંગ્રહ છે. ‘હદ પારના હંસ અને આસ્બેટ્રોસ’ (૧૯૭૫)માં ફ્રેન્ચ પ્રતીકવાદી કવિતાના અનુવાદો અને પ્રતીકવાદ પરનો લઘુપ્રબંધ છે. ‘મધ્યમાલા’ (૧૯૮૨)માં મધ્યકાલીન કવિઓની રચનાઓને નવા અભિગમથી મૂલવવાનો ઉપક્રમ ધ્યાનાર્હ છે. ‘પ્રતિભાષાનું કવચ’ (૧૯૮૪) વિવેચનસંગ્રહ પશ્ચિમમાં પ્રગટેલી–વિકસેલી ભાષાવિજ્ઞાનલક્ષી, સંરચનાલક્ષી અને શૈલીવિજ્ઞાનલક્ષી વિવેચનના સંસ્કારો દર્શાવે છે. ‘સંસર્જનાત્મક કાવ્યવિજ્ઞાન’ (૧૯૮૫) નૉઅમ ચોમ્સ્કીના સંસર્જનાત્મક રૂપાંતરણ વ્યાકરણને આધારે કાવ્યનો વિચલન સિદ્ધાંત આપતો એમનો શોધપ્રબંધ છે. ‘આધુનિક સાહિત્ય સંજ્ઞા કોશ’ (અન્ય સાથે, ૧૯૮૬), ‘વિશિષ્ટ સાહિત્ય સંજ્ઞા કોશ’ (૧૯૮૮) પણ એમણે આપ્યા છે. એમના અનુવાદ-ગ્રંથોમાં બૅકેટની અણુનવલ ‘કલ્પો કે કલ્પના મરી પરવારી છે’ (૧૯૭૦) તેમ જ રિલ્કેની બે કૃતિઓ ‘દુઇનો રુણિકાઓ’ (૧૯૭૬) અને ‘ઑર્ફિયસ પ્રતિ સૉનેટો’ (૧૯૭૭)નો સમાવેશ થાય છે. એમણે આધુનિક ગુજરાતી કાવ્યરચનાઓના અંગ્રેજી અનુવાદનું પુસ્તક કન્ટેમ્પરરી ગુજરાતી પોએટ્રી’ (૧૯૭૨) પણ આપ્યું છે. ‘મૈથિલી સાહિત્યનો ઇતિહાસ (૧૯૮૭) અનુવાદગ્રંથ પણ એમના નામે છે.