એકોત્તરશતી/૬૭. ચંચલા

Revision as of 02:21, 2 June 2023 by Meghdhanu (talk | contribs) (Added Years + Footer)


ચંચલા (ચંચલા)

હે વિરાટ નદી, તારાં અદૃશ્ય નિઃશબ્દ જળ અવિચ્છિન્ન અવિરલ સદા વહ્યાં કરે છે. તારા રુદ્ર કાયાહીન વેગે શૂન્ય સ્પન્દિત થઈને કંપી ઊઠે છે; વસ્તુહીન પ્રવાહનો પ્રચણ્ડ આઘાત લાગતાં પુંજ પુંજ વસ્તુરૂપી ફીણ જાગી ઊઠે છે; પ્રકાશની તીવ્ર છટા, દોડ્યે જતા અન્ધકારમાંથી રંગોના સ્ત્રોતરૂપે ચારે બાજુ વિખેરાઈ જાય છે; તારા વંટોળમાં, બુદબુદની જેમ સૂર્ય ચન્દ્ર તારા ઘૂમરી ખાઈ ખાઈને મરે છે. હે ભૈરવી, હે વૈરાગિણી, કશા ઉદ્દેશ વિના તું ચાલી રહી છે, એ તારું ચાલવું જ તારી રાગિણી છે—એના સૂર શબ્દહીન છે. અન્તહીન દૂર શું તને નિરન્તર સાદ દે છે? તેથી એના સર્વનાશી પ્રેમમાં તું ઘર છોડીને વહ્યા કરે છે. એ ઉન્મત્ત અભિસારે તારા વક્ષ પરનો હાર ફરી ફરી દોલાયમાન થઈ ઊઠે છે, ને એ આપમેળે નક્ષત્રોના મણિને વિખેરી દે છે. તારા છુટ્ટા વાળ અન્ધકાર ફેલાવતા શૂન્યમાં ઝંઝાવાતની જેમ ઊડે છે; તારો આકુલ અંચલ કંપતાં તૃણમાં તે વનવનના ચંચલ પલ્લવપુંજમાં રગદોળાય છે; તારા ઋતુના થાળમાંથી વારે વારે રસ્તે રસ્તે જૂઈ, ચંપો, બકુલ, પારુલ ખરી પડે છે. તું કેવળ દોડ્યે જાય છે, દોડ્યે જ જાય છે, ઉદ્દામ ગતિએ દોડ્યે જ જાય છે—પાછું વાળીને જોતી નથી, તારું જે કાંઈ છે તે બંને હાથે ફેંકતી જાય છે. તું કશું સંઘરતી નથી, કશાંનો સંચય કરતી નથી; તને નથી શોક, નથી ભય-વહ્યે જવાના આનન્દવેગમાં અબાધિત ગતિએ તું તારા પાથેયને ખરચી નાંખે છે, જે ક્ષણે તું પૂર્ણ હોય છે તે ક્ષણે તારું કશું હોતું નથી, તેથી જ તો તું સદા પવિત્ર છે. તારા ચરણસ્પર્શે પળે પળે વિશ્વની ધૂળ એની મલિનતા ભૂલી જાય છે તે મૃત્યુ ધસારાભેર જીવન બની જાય છે. જો તું ઘડીભર થાકીને થંભીને ઊભી રહી જાય તો તરત ચમકીને પુંજ પુંજ વસ્તુના પર્વતો જગત ઊભરાઈ ઊઠે. તારું પંગુ મૂક બહેરું અન્ય કબન્ધ ભયંકર સ્થૂળકાય બાધારૂપ બનીને બધાંને રોકી દઈને રસ્તા વચ્ચે ઊભું રહી જશે; સૂક્ષ્મતમ પરમાણુ પોતાના ભારથી, સંચયના અચલ વિકારથી કલુષની વેદનાના શૂળથી આકાશના મર્મમૂળે વીંધાઈ જશે. હે નટી, હું ચંચલ અપ્સરા, અલક્ષ્ય-સુન્દરી, તારી નૃત્યમન્દાકિની સદા ઝરી ઝરીને મૃત્યુસ્નાને વિશ્વના જીવનને પવિત્ર કરી મૂકે છે. આખું આકાશ નિઃશેષ નિર્મળ નીલિમામાં ખીલે છે. હે કવિ, અલક્ષિત ચરણની આ અકારણ ને અવારણીય ગતિએ, ઝંકારમુખર આ ભુવનમેખલાએ, તને આજે ઉન્મત્ત કરી મૂક્યો છે. તારી નાડીએ નાડીએ ચંચલનો પદધ્વનિ સાંભળું છું, તારા વક્ષમાં એ રણઝણી ઊઠે છે. કોઈ જાણતું નથી—તારા રક્તમાં આજે સમુદ્રના તરંગો નાચે છે, અરણ્યની વ્યાકુળતા કંપી ઊઠી છે; આજે પેલી વાત યાદ આવે છે—જુગ જુગથી હું ચાલતો આવ્યો છું, પડતોઆખડતો, ગુપચુપ, એક રૂપથી બીજા રૂપે, પ્રાણથી પ્રાણે; રાત્રે ને પ્રભાતે જે કાંઈ હાથમાં પામ્યો છું તેને દાને દાને, ગીતે ગીતે ક્ષય કરતો આવ્યો છું. અરે જો, એ જ સ્ત્રોત મુખરિત થઈ ઊઠયો છે, તરણી થરથર કંપે છે. તીરે કરેલો સંચય તારો છે ને તીરે જ પડ્યો રહેતો—એ ભણી નજર પાછી વાળીને જોઈશ નહિ. સંમુખની વાણી તારી પાછળના કોલાહલમાંથી તને મહાસ્ત્રોતમાં અતલ અંધકારે ને અપાર પ્રકાશમાં ખેંચી લો. ૧૮ ડીસેમ્બર, ૧૯૧૪ ‘બલાકા’

(અનુ. સુરેશ જોશી)