એકોત્તરશતી/૭૭. તપોભંગ

Revision as of 02:30, 2 June 2023 by Meghdhanu (talk | contribs) (Added Years + Footer)


તપોભંગ (તપોભંગ)

યૌવનની વેદનાના રસથી ઊભરાતા મારા દિવસો, હું કાલના અધીશ્વર અન્યમનસ્ક બનીને તું શું ભૂલી ગયો છે, હે ભૂલકણા સંન્યાસી? ચંચળ ચૈત્રની રાતે કિંશુકની મંજરી સાથે એ બધા દિવસો શું જતનના અભાવે શૂન્યના અપાર સાગરમાં વહી ગયા છે? આસોના વૃષ્ટિવિહીન, શીર્ણશુભ્ર મેઘના તરાપામાં ક્રૂર અવગણનાથી સ્વેચ્છાચારી પવનના ખેલથી વિસ્મૃતિના ઘાટે ગયા છે? એક સમયે એ સૌ દિવસોએ તારી પિંગલજટાજાલને શ્વેત, રક્ત, નીલ, પીત એવાં જાતજાતનાં પુષ્પોથી સુંદર રીતે સજાવી હતી, તે શું ભૂલી ગયો? એ લૂંટારુઓએ હસી હસીને હે ભિક્ષુક અંતે તારું ડમરુ અને શીંગું લઈ લીધું અને તારા હાથમાં મંજીરાં અને વાંસળી આપ્યાં. સુગંધના ભારથી મંદગતિ વસંતના ઉન્માદન રસથી તારું કમંડલુ ભરી અતિશય આળસમાં અને માધુર્યના વેગમાં તને ડુબાડી દીધો. તે દિવસે તારી તપસ્યા એકાએક વંટોળના વેગમાં સૂકાં પાંદડાં સાથે આકાશમાં ઉત્તરની દિશાના ગીતવગરના હિમમરુદેશમાં તણાઈ ગઈ. તારા ધ્યાનમંત્રને પુષ્પની સુગંધથી લક્ષ્યવિહીન દક્ષિણવાયુના કૌતુકે બહારના તટ પર આણ્યો. એ મંત્રથી સેવતી, કાંચન અને કરેણ મત્ત બની ગયાં, એ મંત્રને લીધે અરણ્ય વિથિકાએ નવપલ્લવરૂપે શ્યામ વિહ્નશિખા સળગાવી દીધી. વસંતની રેલના પ્રવાહમાં સંન્યાસનું અવસાન થયું. જટિલ જટાના બંધનમાં જાહ્નવીનું અશ્રુકલતાન તન્મય થઈને તે સાંભળ્યું. તે દિવસે તારું ઐશ્વર્યાં નવનવરૂપે અંતરમાં ઊઘડી રહ્યું. તારો વિસ્મય આપમેળે ઊભરાયો, પોતાના ઉદાર સૌંદર્યની તને પોતાને ભાળ લાગી, આનંદથી વિશ્વની ક્ષુધાને શમવનાર સુધાનું જ્યોતિર્મય પાત્ર હાથમાં ધારણ કર્યું. તે દિવસે ઉન્મત્ત બનીને વનેવનમાં જે નૃત્ય કરતો તું ફર્યો એ નૃત્યના છંદે, લયે તારી સાથે રહીને ક્ષણે ક્ષણે મેં સંગીત રચ્યું. તારા લલાટના ચંદ્રના પ્રકાશમાં નંદનવનનાં સ્વપ્નભરી આંખોથી નિત્યનૂતનની લીલા મારું મન ભરીને મેં જોઈ હતી. સુંદરના અંતર્લીન હાસ્યની લાલી જોઈ હતી. લજ્જિતના પુલકની સંકોચમય ભંગિમા રૂપતરંગાવલિ — જોઈ હતી. તે દિવસનું પાનપાત્ર આજ એની પૂર્ણતા તેં નષ્ટ કરી? ચુંબનરાગથી ચિહ્નિત બંકિમ રેખાલતાને રાતા ચિત્રાંકનથી ભૂંસી નાંખી? અગીત સંગીતની ધારા અને અશ્રુનો સંચયભાર, શું તારા આંગણામાં જતનને અભાવે ભાંગેલા પાત્રમાં રોળાય છે? તારા તાંડવનૃત્યથી તે ધૂળ ચૂરેચૂરા થઈ ગઈ છે? અકિંચન કાલવૈશાખીના નિશ્વાસથી એ લુપ્ત દિવસો આકુલ બની ઊઠ્યા છે શું?’ નહીં, નહીં, એ દિવસો છે. નિગૂઢ ધ્યાનની રાત્રિમાં એમને સંકેલી લીધા છે, એમને નીરવતામાં કાબૂમાં લઈને છુપાવી રાખે છે. તારી જટામાં ખોવાયલી ગંગા આજે શાંત ધારાવાળી છે. તારા લલાટે નિદ્રાના બંધનથી ચન્દ્ર આજે છુપાઈ રહ્યો છે. ફરીથી કઈ લીલાના છલથી બહારથી અંકિંચનનો વેશ ધાર્યો છે? દિગંતમાં જેટલે દૂર જોઉં છું તેટલે દૂર અંધકારમાં ‘નહીં રે, નહી રે’ ના અવાજ આવે છે. કાળનો તું ગોવાળ છે. સંધ્યાસમે તારું શિંગું વાગે છે. દિવસરૂપી ધેનુ તારા શાંત ગોષ્ઠગૃહમાં ઉત્કંઠિત વેગે પાછી ફરે છે, નિર્જન વગડામાં ભૂત ભડકાનો પ્રકાશ ઝબકે છે. પ્રલયના મેઘમાં વિદ્યુત્વહ્નિનો સર્પ ફેણ મારે છે. બધી ચંચળ ક્ષણો અંધકારમાં દુઃસહ નિરાશાથી નિબિડ નિબદ્ધ બનીને તપસ્યાના નિરુદ્ધ નિ:શ્વાસથી શાંત બની જાય છે. જાણું છું, જાણું છું, આ તપસ્યા લાંબી રાતભર તોફાની ચંચલના નૃત્યસ્ત્રોતમાં પોતાનું ઉન્મત્ત અવસાન શોધી રહી છે. બંદી યૌવનના દિવસો ફરીથી શૃંખલાવિહીન બનીને વ્યગ્રવેગે ઉચ્ચ મધુર ઉચ્છ્વાસપૂર્વક વારંવાર બહાર આવશે. વૃદ્ધોના શાસનનો નાશ કરનાર વિદ્રોહી જુવાન વીરો વારંવાર દર્શન દેશે; હું રચના કરું છું એના સિંહાસનની, એના સન્માનની. તપોભંગ કરનારા મહેન્દ્રનો દૂત છું હું, હે રુદ્ર સંન્યાસી! હું સ્વર્ગનું કાવતરું છું. હું કવિ યુગે યુગે તારા તપોવનમાં આવું છું. દુર્જયની જયમાળા મારી છાબડીને ભરી દે છે. મારા છંદના ક્રંદનમાં ઉદ્દામનો કોલાહલ ગાજે છે. વ્યથાના પ્રલાપથી મારા ગુલાબે ગુલાબમાં વાણી જાગે છે. કિસલયે કિસલયે કુતૂહલનો કોલાહલ પ્રગટાવીને મારાં ગીત ફેંકું છું. હે શુષ્કવલ્કલધારી વૈરાગી હું તારી સૌ છલના જાણું છું. તું છદ્મ રણવેશે સુંદરને હાથે આનંદથી સંપૂર્ણ પરાજય ચાહે છે. વારંવાર પંચશરને અગ્નિતેજથી બાળીને છેવટે બમણો ઉજ્જ્વલ કરીને જિવાડશે. વારંવાર એનાં ભાથાં સંમોહન અસ્ત્રથી ભરી દેવાને માટે હું કવિ સંગીતમાં ઇન્દ્રજાલ લઈને માટીને ખોળે ચાલ્યો આવું છું, જાણું છું, જાણું છું, હે અન્યમનસ્ક! વારંવાર પ્રેયસીની પીડિત પ્રાર્થના સાંભળીને નૂતન ઉત્સાહથી અચાનક જાગી જવા તું ચાહે છે. એથી તે તું ધ્યાનને બહાને વિરહમાં વિલીન થઈ જાય છે. વિચ્છેદના ભડભડતા દુઃખદાહથી ઉમાને રડાવવા માંગે છે. ભગ્ન તપસ્યા પછી મિલનની એ છબી હું યુગે યુગે જોઉં છું. હું વીણાના તારમાં ભૈરવી વગાડું છું. હું એ કવિ છું. તારા સ્મશાનના વૈરાગ્યવિલાસીએ મને પિછાનતા નથી. મારો વેશ જોઈને દારિદ્ય્રના ઉગ્ર દર્પથી ખલખલ અટ્ટહાસ્ય કરી ઊઠે છે. એવે સમયે વસંતમાં મિલનનું મુહૂર્ત આવે છે, ઉમાના કપોલ પર સ્મિતહાસ્ય-વિકસિત લજ્જા પ્રગટે છે. તે દિવસે વિવાહના યાત્રાપથ પર તું કવિને સાદ દે છે. પુષ્પમાળા વગેરે મંગળ સામગ્રીની છાબ લઈને સપ્તર્ષિના મંડળમાં કવિ સાથે ચાલે છે. હે ભૈરવ, તે દિવસે તારા લાલ આંખવાળા સાથી ભૂતગણો જુએ છે કે પ્રભાત સૂર્યના જેવું તેજસ્વી તારું શુભ્ર શરીર લાલ પામરીથી ઢંકાયેલું છે. માધવીલતાની નીચે હાડકાની માળા નીકળી ગઈ છે, લલાટ પર પુષ્પની રેણુનો લેપ છે, ચિતાની ભસ્મ ક્યાંય ભૂંસાઈ ગઈ છે! કવિની સામે કટાક્ષથી જોઈને ઉમા કૌતુકથી હસે છે. એ હાસ્યથી કવિના પ્રાણમાં સુંદરના જયધ્વનિના ગાનમાં બંસી વાગી ઊઠી છે. ઑક્ટોબર-નવેમ્બર ૧૯૨૩ ‘પૂરબી’

(અનુ. નિરંજન ભગત)