એકોત્તરશતી/૮૬. યાબાર સમય હલ વિહન્ગેર
વિહંગનો જવાનો સમય થયો (યાબાર સમય હલ વિહંગેર)
વિહંગનો જવાનો સમય થયો. હમણાં જ માળો ખાલી થશે. ગીત થંભી ગયાં છે એવો ભ્રષ્ટ માળો અરણ્યના આંદોલનથી ધૂળમાં પડશે. રાત પૂરી થતાં સૂકાં પાંદડાં અને જીર્ણ પુષ્પોની સાથે પથચિહ્નહીન આકાશમાં અસ્તસિંધુને સામે પાર ઊડી જઈશ. કેટલાય સમય સુધી આ વસુંધરાએ આતિથ્ય કર્યું છે; કોઈ વાર આમ્રમંજરીના ગંધથી ભરેલી દાક્ષિણ્યથી મધુર ફાગણની આહ્વાનવાણી સાંભળી છે; અશોકની મંજરીએ ઇશારાથી મારા સૂરની માગણી કરી છે, અને મેં તે પ્રીતિરસે ભરીને આપ્યો છે; કોઈવાર વળી વૈશાખના ઝંઝાઘાતે અત્યંત તપેલી ધૂળથી મારો કંઠ રૂંધ્યો છે, મારી પાંખને અશક્ત બનાવી છે; એકંદરે પ્રાણના સંમાનથી હું ધન્ય છું. આ પારની કલાન્ત યાત્રા થંભી જતાં ક્ષણ માટે પાછળ ફરીને આ જન્મની અધિદેવતાને મારા નમ્ર નમસ્કારથી વંદના કરી જઈશ. ૨૮ એપ્રિલ, ૧૯૩૪ ‘પ્રાન્તિક’
(અનુ. નગીનદાસ પારેખ)