ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/અનિલ વ્યાસ/ખલેલ

Revision as of 12:28, 28 June 2021 by NileshValanki (talk | contribs)
ખલેલ

અનિલ વ્યાસ

રેકોર્ડ-રૂમમાં દાખલ થતાં એણે જોયું. નવું કૅલેન્ડર હજુ લટકતું હતું. એ ખુશ થયો. આવતાંની સાથે જ આમ જોવાની એને ટેવ પડી ગઈ હતી. કારણ કે આ વર્ષે ઑફિસની પોસ્ટમાંથી જ એણે કૅલેન્ડર તફડાવેલું ને ઝઘડીને રાખ્યું પણ હતું. એણે નિશ્ચય કર્યોઃ આમ જ દર વર્ષે એક કૅલેન્ડર ઉચાપત કરીશ. ઑફિસના લોકો સમજે છે શું? રેકોર્ડ-રૂમ એટલે ભારખાનું; ભૂતકાળના ભંડારમાં બેઠા એટલે ભવિષ્યની જરૂર નહીં?

ફાઇલિંગ-ક્લાર્કની અદાથી ટેબલ પર ગોઠવાઈ. એણે થોકડાબંધ કાગળ કાઢી છૂટા પાડવા માંડ્યા. એને થયું, વાસ આવી! પણ એ અટક્યો. એને કંઈ વિચારવામાં ભૂલ થતી લાગીઃ ‘વાસ આવી’ નહીં. ‘વાસ — છે’ એમ થાય છે. એટલે? એણે સુધાર્યુંઃ એટલે એમ કે કોઈનો વાસ છે. કંઈ પણ હોય, અહીંયાંની હવા જ બદલાઈ ગઈ છે. હરખચંદનો ડાયરો જ ઉજ્જડ થઈ ગયો છે. છએક અઠવાડિયાંથી મન ચણચણે છે, વાતવાતમાં અકારણ બાધણ થઈ જાય છે. આ વર્ષે, આ બધું મને ક્યાંથી વળગ્યું?

ખુરસીના હાથા પર કોણી ટેકવી. કાનની બૂટ મસળતાં એણે નવા વર્ષનું રાશિફળ યાદ કર્યુંઃ ધંધો જળવાશે, ધન-પ્રાપ્તિ થશે, મન પ્રફુલ્લિત રહેશે; પેલા અંગ્રેજી પેપરમાંય હતું કે ‘ઇફ બેચલર્સ, ચાન્સિસ્…’ એણે રંજ કર્યોઃ ધૂળ ચાન્સિસ્, પેલી ડોરિસ ફાઇલ લેવા આવતી’તી તેય બંધ થઈ ગઈ! નર્યું જૂઠાણું છે. આ વર્ષની શરૂઆત જ ભાંડવાથી થઈ, એ કેમ સહન થાય! પેલો મુથુસ્વામી કહે, ‘એમ વચ્ચે પોસ્ટમાંથી કૅલેન્ડર ઉપાડ્યું જ કેમ?’ જાણે ઑફિસ એના બાપની થાપણ! તે અહીં તો પરખાવી દીધું, ‘…વધારે હલામણ કર મા, નહીં તો શાહસાહેબને કહી દઈશ કે ‘સ્ટેશનર્સ’ પાસેથી કમિશન…’ તે ભડક્યો. પણ મારે ચુગલી કરી શું કામ બાખડવું જોઈએ! કંઈ નહીં તોય એ મને બે-ચાર પેન્સિલો, રબર, નોટબૂકો આપતો’તો, તે બે’નના છોકરાઓને કામ લાગતી’તી; તે હવે…! મંડાણ જ અવળાં થયાં છે. કંઈક…!

અકારણ રોષમાં એણે જોરથી પંચિંગ-મશીન દબાવ્યું. ને કાગળોનો જથ્થો છેદાઈ ગયો. ફાઇલમાં પરોવવા એણે કાગળ ઊંચક્યા ને જોયું. છેદમાંથી ઑફિસ દેખાઈઃ પેલી રિસેપ્શનિસ્ટ મિસ ફર્નાન્ડિઝ, શાહસાહેબની કૅબિન, એમની સ્ટેનો ડોરિસ, તમાકુ ચાવતો તુકારામ, મિસ અડવાની, મિસિસ દફતરી, મિસ્ટર પટેલ, મિ. રેગે, મિ. ખન્ના, મિ. શંકર! એ અટક્યો. એને આશ્ચર્ય થયુંઃ શંકરિયો-ચાવાળો, મિસ્ટર શેનો! એને ભૂલ અસહ્ય લાગી. એણે વિચાર્યું, અંદર અધૂરાપણું-અધૂરાપણું લાગે છે, મજા નથી આવતી; ચા પીધી હોય તો — ટેસ્ડેદાર! એણે બૂમ મારી.

‘શંકર…!’

‘કેમ અલ્યા, ઘાંટા પાડો છો!’

‘એક મસલાવાળી, કડક…!’

‘આજ રોકડા, કાલ ઉધાર…!’

‘અલ્યા સાંભળ, કાલ આજ થશે કે નહીં?’

‘ત્યારે કહેજો.’

‘એટલે…?’

‘જેમ મેં માગ્યું ને તમે કહ્યું કૅલેન્ડર લેવા આવતે વર્ષે આવજો તેમ…!’

એ ગમ ખાઈ ગયો. એને ખાતરી થઈ ગઈ કે ચા નહીં આવે. એણે ગજવામાંથી રૂપિયો કાઢી સ્વગત પૂછ્યુંઃ ચા પીઉં? પણ સાવધ થઈ સિક્કો ઝટ પાછો સેરવી દીધોઃ તુકારામ જોશે તો પાછો ગઈ કાલે રૂપિયો ઉધાર લીધો’તો એની ઉઘરાણી કરશે! એ પોતાની સતર્કતા પર મરક્યો.

‘કેમ હરખચંદ, હરખાવ છો?’

‘તો શું તમારા નામનાં છાજિયાં લઉં, મિ. દવે!’ રેકોર્ડ રૂમમાં દાખલ થતાં દવે સામે એનાથી સહસા અવિચારી ડાચિયું થઈ ગયું.

‘આજકાલ ભાઈ, ભડકેલા રહો છો? બાકી આ દૂર ખૂણામાં આવેલા રેકોર્ડ-રૂમમાં તે જલસો જામ્યો હોય. હમણાં કંઈ તમારી તબિયત, સ્વભાવ…!’

‘સ્વભાવની માંડ્યા વગર, ફાટોને શું જોઈએ છે તે…’

‘૧૯૮૯ની ૩૧૭ નંબરની ફાઇલ!’

‘હમણાં નહીં મળે, શોધવી પડશે.’

‘તેમાં આમ છણકો…’

‘કહ્યુંને મોકલીશ, જાવ…’

‘હરખચંદ, ઉદ્ધતાઈનીય હદ હોય, ‘કમ્પ્લેઇન’ કરવી પડશે!’

‘જાવ, થાય તે કરો. આજનું કામ કરવું નહીં ને ભૂતકાળ ઉખેડીને બેસવું છે!’

એણે બબડતાં કાગળો પરોવી ફાઇલ બંધ કરી. એ ખિન્ન થયો. જોયું ને નાહકનો લડી પડ્યો. આમ જ કોઈ દી’ ‘મેમો’ મળશે! સ્વભાવ જ તડતડી ગયો છે. દવેને જોઈને જ ઊખડી પડ્યો. બાકી હું જ હમણાં ડાયરો ઉજ્જડ થઈ ગયા પર ખરખરો કરતો’તો. નક્કી કોઈ સવાર છે. હમણાંની તો ભૂંડી ગાળેય બોલાતી નથી… ખટકે છે. નહીં તો અબ્દુલ રઝાક આવે ને રમઝટ જામી જાય! તારી તો..! પણ સારું જ થયું, એ આપણું કામ કહેવાય? પરંતુ હાથે કરીને મેં જ ખેલ વીંખી નાંખ્યો. કંઈ સમજાતું નથી. વાતે વાતે ‘સેન્સર’નો ત્રાસ અનુભવાય છે. કોઈ સામે જ કપડાં બદલતું હોય એવો સંકોચ સોંસરો ઊતરી રહ્યો છે, કે પછી આપણાં ઉતારતું હોય એવી મરવા જેવી શરમ કોરી રહી છે.

ઘડીક અજુકતી ભો લાગે છેઃ કોઈ નજર રાખી રહ્યું છે, ને જો સરતચૂક થઈ તો સપાટાભેર સૂંઢ વીંઝી ભીંત સરસો ચાંપી, રોટલો કરી, ફાઇલો ભેગા થાપી દેશે; ખબરેય નહીં પડે કે… એને થયું નિરર્થક વિરાચોથી એની છાતી પર ભાર વધી રહ્યો છે ને દબાણના જોરે પાપડીના દાણાની જેમ કોઈ સટકવા આકળું બન્યું છે. આળા મગજનો ભરોસો કરવા જેવો નથી; અત્યારે કોઈ ન આવે તો જ સારું, નહીં તો લડી પડાશે. એ થોભ્યો, અંદરની અકળામણ ઓકવા માટે એને ઘાંટો પાડવાની અદમ્ય ઇચ્છા થઈઃ ‘રોક મા… ટોક મા…!’

કોઈએ સાંભળ્યું તો નથી ને? એણે સ-સંકોચ ફાઇલ ફંગોળી; પણ પછી કંઈ સૂઝ્યું નહીં. એની અનિશ્ચિત નજર સરતી રહીઃ પંચિંગ-મશીન, વેરાયેલા રંગીન ચાંદલિયા, કાગળના થડકલા, ફાઇલોનો ઢગ, ફરસથી છત સુધીના-વર્ષોના રેકોર્ડ ઠાંસ્યા—છ-છ માળના લોખંડના ઘોડા; એણે બેદિલી અનુભવીઃ આ બધું કડડડ… ભૂસ… પડે… તો…’

તો…! એને ચા સિવાય કંઈ યાદ ન આવ્યું. એને થયું ભૂખ પણ લાગી છે. એક દિવસ ધમધમાવેલી દાળ, ગાંઠિયા ને લાડુનો ગંજ આરોગવો જોઈએ. ઘણા દિવસથી લાડુ… ને હવે તો ‘બારમું-તેરમુંય’ બંધ થઈ ગયાં છે! એ સભાન થયોઃ અત્યારે ભૂખ લાગે તો કેમ ચાલે, લંચ-ટાઇમ તો દોઢ વાગે છે. કંઈ નહીં, શંકરિયો ચા મોકલે તોય મજા આવે; પણ આ ઓરડીમાં ચા પીવાની જમાવટ નથી રહી. બધુંય અંધારિયું છે. ભીતર વાંદા-ઉધેઈ ફરતાં હોય એવું લાગ્યા કરે છે. એક જ બારી, એક સાંકડો દરવાજો, ને પ્રકાશ પણ, રેકોર્ડ-રૂ એનાથી અભડાઈ જવાનો હોય તેમ હરિજનની જેમ ઉંબરે જ ઊભો રહે છે. ને પેલી ઊજળી હવાય તે! એકાએક એનો તંગ ચહેરો મલકાટમાં વિસ્તર્યોઃ પેલો સ્વીચવાળો ખૂણો બહુ અડવો લાગતો’તો, હવે કંઈક ઠીક લાગે છે. કૅલેન્ડર વગર તે ઑફિસ કહેવાતી હશે? સારું જ થયું તફડાવ્યું તે, હવે ઝટ રજાની ગણતરીએ થઈ શકશે.

જો ભૂલકણો! એને પોતાના પર જ ગુસ્સો આવ્યો, આજે પણ તારીખ કાપવાની રહી ગઈ જોયું! ઊભા થઈ, લાલ પેન્સિલથી તારીખ પર ત્રાંસો લીટો કરતાં એને થયુંઃ અત્યારે મિ. ગોખલે હોય તો બોલી પડત, ‘ત્રણ ને એક ચાર, આજનો નંબર ચાર, ચોકો-છકો, ઉઘાડ-બંધ, અમેરિકન-ફિચર, મટકા નંબર આઠ…’ બાપનું વહાણ ને બેસવાની તાણ…! રેકોર્ડ-રૂમ તો જાણે આંકડા-બજાર, તે આખો દી’ ‘બેટિંગ’ ખાતો હ્યાં જ બેઠો હોય! ચાલો હરકત નહીં. પણ પછી કરે તકરાર! તે સાહેબની ધમકીથી આવતી જ બંધ કરી દીધો. ને ખરી રીતે આ બધું ઑફિસમાં… પણ મારે શી નિસ્બત! હું જ નકામો છું, બિચારો એ બચ્ચરવાળ… ને કોઈ વખત મને જ જબરો આંકડો લગાડી આપતો’તો! હશે, જે થયું તે…

તે થયું ત્યારે. એણે દાંત ભીંસ્યાઃ શંકરિયાએ ચા મોકલી નહીં. કિંતુ એણે મન મનાવ્યું. આજ તેર તારીખ એટલે બધું અપશુકનિયાળ જ થવાનું. પણ તારીખિયું ફક્કડ માર્યું છે. કંઈક નાનુંસૂનું નથી — અઢી ‘બાય’ દોઢનું સિંદૂરિયું, મહાકાય! આ ગૂંગળાવતી એકલતામાં એની જ રાહત છે. એ જ ‘બ્રાઇટ-સ્પૉટ’ મન પર રમી જાય છે. વાહ…! વાહ…! નહીં, ચા! એને આડ-વિચાર ખૂંચ્યો. આજે તો પેટેય અમળાય છે. શંકર ચા લાવે તો ગરમાગરમ પેટમાં રેડી ભૂખને ‘ચા-પીતી’ કરી દઉં… પણ નહીં આવે, નસીબ જ બગડ્યું છે. નહીં તો કોઈ ને કોઈ હરિનો લાલ ચા ‘ઑફર’ કરે જ! હું લેવાદેવા વિનાનો વડચકાં ભરતો થઈ ગયો છું. પણ મારા હાથની વાત નથી રહી. થાય છે કે છોને બધાં મરતાં, કિંતુ ડીંડવાણું સૌનું અનહદ વધી ગયું હતું. સૌ ઑફિસ છે એ જ ભૂલી જવા આવ્યાં હતાં. પણ ટેસડા બંધ થતાં રેકોર્ડ-રૂમમાં કોઈ ફરકતું નથી. કે પછી ઊંઘમાંથી જાગતા ‘બેડ-ટેમ્પર્ડ ચાઇલ્ટ’ની જેમ મને કોઈ વતાવતું નથી. હું એકલો પડી ગયો છું. એકલો પડું છું ને ભૂખ લાગે છે અને ભૂખને લીધે સૂઝ પડતી નથી. કંઈ સૂઝતું નથી એટલે…!

ભૂખ તો લાગે જ ને! સવારના એક કપ ચા મળે તે પછી દોઢ વાગે ઉસળ-પાઉંવડાનું જમવાનું ને એક સિગારેટ તે જ. પાંચસો રૂપિયા તમે કમાઈને બનેવીના હાથમાં મૂકો એટલે એની બક્ષિસ રૂપે એ તમને દરરોજની પાંચની નોટ આપે! પણ વાંધો નહોતો આવતો. ડાયરો જામતો ત્યારે હરકોઈ હરખચંદને ખુશ રાખતું. શું કુબુદ્ધિ સૂઝી કે… નક્કી કંઈ મંડરાયા કરે છે. નહીં તો એકાએક રંગ-રાગ આમ ઊડી જાય, ના… ના…’

— ‘હરખચંદ, મિ. શાહચી સ્ટેનોએ એલ. ડી. કૉર્પોરેશનની ફાઇલ માંગીતલી છે.’ તુકારામે બગાસું ખાતાં મિશ્રભાષામાં ફાઇલ માગી એની વિચારધારા તોડી. એણે ખીજમાં જ ફાઇલ ખેંચી તુકારામ સામે ફેંકી, ને એની પીઠ પાછળ હોઠ કરડ્યોઃ પહેલાં જ્યારે ડોરિસ પોતે જ ફાઇલ લેવા આવતી ત્યારે બનાવતો ખૂબ. એક તો એ ભાષા સમજે નહીં ને આપણે ગુજરાતીમાં હાંકે જઈએ. એટલે હસીને એ પૂછે ‘વૉટ ડિડ્ યૂ…’ તે આપણે ‘નથિંગ… નથિંગ’ કહેતાં ફાઇલ ધરી દઈએ. કિશ્ચનિયાઓનું એક સુખ, પીંજણ ના કરે; ને કોઈ વાતનું સ્નાનસૂતકેય નહીં, ફાઇલ આપતાં બે વખત એનો હાથ પરસી લો તોય… પણ હવે ક્યાં રહી એ મખમલી મજા! ને ક્યાંથી રહે? એ તો ફાઇલને બહાને પટલાને મળવા આવતી’તી. કોઈએ ભેરવી દીધેલું કે… ને આજકાલ ઠીક વા ફાટ્યો છે પરજાત-ધર્મની છોકરીઓમાં કે પકડવો તો ગુજરાતી, સ્વભાવે ગરીબ ને પૈસાનો પર્યાય! આમ તો હું… પણ બધું આડરસ્તે ચડી ગયેલું છે. તે દી’ તો પટેલની નફટાઈ પણ કેવી! રેકોર્ડ-રૂમમાં ડોરિસનો હાથ ઝાલીને પૂછે કે ‘નવું ઘડિયાળ કિધરસે બોટ કિયા!’ ને ત્યાંથી પત્યું હોય તો ઠીક, પાછો છોડે જ નહીં. જાણે હું તો છું જ નહીં, ને ઘોડાની આડશમાં ઊભાં રહેલાં, ચેડાં… કોઈ જુએ તો! આપણાથી રહેવાયું જ નહીં. મેં તો છણકો કરીને હાથમાં ફાઇલ જોંસી ‘આ રેકોર્ડ-રૂમ છે. જુહુ…!’ ને પેલી તો જે ‘યૂ… બ્રુઉઉટ…’ કહીને છંછેડાઈ ગઈ. તે એ ઘડી ને આજનો દિવસ આ તરફ કોઈ ડોકાયાં જ નથી. તો અહીંયાં કોને… કંઈ શરમ જેવું ખરું કે! પણ હું જ કમઅક્કલ છું. એણે વાસ્તવિકતા તરફ જોયુંઃ મારા બાપનું શું જતું’તું. ભલે ને પડે ઊંડા ભમ્મરિયામાં! બાકી હાથે કરીને ગુમાવી, પટેલની દહાડામાં મફત મળતી એક ‘ગુલાબી’! ને હવે શંકરની દાદાગીરી!

એહ એહ…! દાદાગીરી તો મિ. ખન્નાની મેં ક્યાં સહી? મને કહે હું જે પડીકું આપું એ તારે સાંજના મિ. લાલને બોરીબંદર પર આપી દેવાનું. ને ઉપરથી રોફ કરે ‘કીપ યોર માઉથ સટ્…’ પણ આપે પાંચનું પત્તું! ગયે અઠવાડિયે થયું, છે શું આ? તો પડીકામાં અવનવા નક્કર કટકા… ચોટ્ટાઓ, પેલો મિ. લાલ ઝવેરી લાગે છે. કંઈ સગડબગડ…! મેં તો ખન્નાને પૂછ્યું, ‘આ બધું…’ તે કહે ‘ઇડિયટ, યૂ આર આઉટ્…!’ આઉટ્ તો આઉટ્. ઇડિયટ હતો ત્યાં સુધી પાપની પોટલી ફેરવી! ગનીમત કે ઢાંક-પિછોડામાંથી ઊગરી ગયો. હશે. એણે છુટકારાનો દમ લીધો. હશે શું? એ સતર્ક થયોઃ મળતું’તું એય ગયું. હવે તો ચોખ્ખું, શાંત લાગે છે; પણ ફિક્કું ને સુસ્ત! અંદર જીવ સુધ્ધાં ડોહવાય છે. એણે ક્ષણેક રૂંધામણમાં આંખ મીંચી ને ત્યાં જ ‘ઇન્ટરકોમ’ની ઘંટડી વાગી.

એણે રિસીવર મૂકી ૨૨૯ નંબરની ફાઇલ કેશવ સાથે મુથુસ્વામીને મોકલી. મુથુસ્વામી… એણે ખુરસી પર બેસતાં નામ દોહરાવ્યુંઃ એય ખૂબ લાભ લેતો’તો. ‘કોટેશનો’ સરકાવી લે અને પછી કોણ જાણે કઈ ગટરમાં ‘ફ્લશ’ કરી સમુદ્ર ભેળાં કરી દે, ને પૂછો તો કહે, ‘દો-ચાર પેન્સિલ લે જાના’ તે ઠીક કહેવાય! એક પેન્સિલ માટે નિમકહરામી! મેં તો દબડાવ્યો. પણ એ તો ઊંધો જ બાઝ્યો ને ‘કમ્પ્લેઇન’ કરી કે ‘લેટર્સ આર મિસિંગ’ એ તો ઠીક થયું. શાહસાહેબનું કવરનું કામ કરીએ તે એ આપણી વતી બક્યા, ને બચી ગયા!

અને પેલા ચતુર્વેદીની લપમાંથી પણ ઠીક છૂટ્યા. ઑફિસમાં, ને એય રેકોર્ડ-રૂમના કબાટમાં બાટલી મૂકે. પાછો દર કલાકે આવી એક કાતરો મારી જાય, તે આ કંઈ પીઠું છે! જોકે આપણી ખામોશી દર શનિવારે પંજાબી ખાણું અપાવતી. એ તો સમજ્યા, પણ પકડાઈએ તો, એ તો ઊભો રહી જાય — ‘કિસીકી બોતલ!’ ને એક ખાણા માટે પેટ પર લાત પડી જાય, પછી શાહ પણ વચ્ચે ના આવે. આપણે શોધ્યું બહાનું ને કરી બાધણ, તે પત્યું, ગઈ ખસ! જો કંઈ થાય તો શાહને જરૂર સંડોવું પણ એનું નામ શંકા!

જોકે શંકાએ જ લાભ અપાવેલો. પેલો ‘સરક્યુલેટિંગ લાઇબ્રેરીવાળો કવર આપી જાય તે મારે શાહની કેબિનમાં મૂકી આવવાનું ને આગલું કવર પરત કરવાનું. એક દી’ કરવામાં ડોકિયું થઈ ગયું — કર્યું. આવા ફોટા? અરર… આ સાહેબ, જેને બાપા કહેવાનું મન થાય, અરે પાંચ તો સંતાન છે, એમને આ બધું, આ ઉંમરે… મા, બેન, દીકરી… કે નહીં? આ અસલિયત! પણ આપણે ફર્નાન્ડિઝ કહે છે એમ ઑફિસમાં ‘ગૉડ-ફાર જોીએ. ને તેરી ભૂ ચૂપ ને મેરી ભી ચૂપ! પરંતુ વાત મિ. રેગેને દેખાડાઈ ગઈ. એણે તો રૂપિયો પકડાવતાં આંખ મારી ‘બીજી વખત આવે તો, દાખવ.’ ને પછી તો કોણ જાણે ક્યાંથી. વાત ફરતી થઈ તે ખનખનાખન ફોરાં જેવા રોકડા રૂપિયાનો વરસાદ! પણ કીચડ બહુ, સૂગ ચડી ગઈ. બેશરમોને કંઈ નામોશીય નહીં. આખો દિ’ કોઈ ને કોઈ હાજર, સાથે ‘રિસ્ક’ કેટલી…!

છેલ્લા પખવાડિયાથી શાહ ‘ટૂર’ પર છે તે બધા પૂછે, ‘હરખચંદ, હમણાં કંઈ ડાયરો-મુજરો થયો નથી!’ કેમ પણ આપણી કામન છટકી ગઈ ને રેગેને ભંડાઈ ગઈ, ‘ઘેર… છે ને વહિની! પછી ટંટો થયો ને બધાય વેરી થઈ બેઠા, આ સજ્જનનું કામ છે? પણ હું શું કામ સંત બનું? જાય, શાહ ને સૌ જહન્નમમાં! ખેર, ધીકતી કમાણી ગઈ. ધૂળ પડી એ કમાણીમાં! ખરું તો એ પૈસામાંથી જ મિ. પારેખ પાસેથી ટી-શર્ટ લીધું હતું.

પારેખ પણ બીજો ઠગ છે. જ્યારે જુઓ ત્યારે ઑફિસમાં ‘કટપીસ’નો વેપલો માંડી બેઠો હોય. રેકોર્ડ-રૂમમાં જ સ્તો! ને ઉપરથી ગળે પડ્યો કે મારે એના કપડાંના ટુકડા મારા ખાનામાં રાખવા. એ તો કેમ બને? તે એનો ય ધંધો બંધ કરી દીધો, પરંતુ કોઈ વેળા મળતું ‘કટપીસ’ ગયું. ગયું તે ગયું. પણ આમ વફાદારી નેવે મુકાય છે! આપણે ફાઇલિંગ-ક્લાર્ક એટલે ફાઇલિંગ કરતાં રેકોર્ડ-રૂમમાં બેસવું. બસ.

એ મૂછમાં હસ્યો. એને થયું આ ત્રણ વર્ષે રાંડ્યા પછીનું ડહાપણ જો ઉભરાવવા માંડ્યું છે. આપણને શું? જીભડો બાંધી રાખવાથી સૌની મહેર રહેતી હોય તો ખોટું શું છે! જોયા કરવાના ખેલ! આપણે શીલ-દુશીલ જોખવાવાળા કોણ? આ બધું સમજું છું. છતાં કંઈ હાથની વાત નથી રહી — થઈ જાય છે. કોઈનો વાસ છે! એ વિથરાયોઃ કંઈ પણ હોય, રોનક ચાલી ગઈ; રહ્યું છે, તો આ રંગીન કૅલેન્ડર!

ફાઇલ ખોલી એણે વિધુર જેવો નિસાસો નાખ્યોઃ બધું જ ખાલી લાગે છે. એકલો પડી ગયો છું. બાકી અહીંયાં — લોકો બીડી પીવા કે પંચાત કરવા છટકી આવે; અબ્દુલની શેરો-શાયરી થાય; દવેના રેસના ઘોડા, ટ્રેનની અધૂરી ‘રમી’ રમાય; ઉધારની લેવડદેવડ, કમિશનની આપ-લે, પેલાં ફોટો-ચોપાનિયાંના રૂપિયા રેલાય, મહત્ત્વનો કોઈ કાગળ ડૂચાય; ઘરભેગી થવાની ‘સ્ટેશનરી’ બંધાય. ડોરિસ-પટેલની જોડી. ટૂંકમાં દોઢસો માણસની ઑફિસમાંથી પાંચ-પંદરનો ડાયરો તો હ્યાં જ જામ્યો હોય! બધાની મીઠી નજર ને માગ્યા વગરનો લાગો મળે તો સાંજના ઘરે જવાનુંય મન ન થાય.

એણે કટાણું મોં કર્યું. ઘર…! એ ચાલ, માંદલી મોટીબહેન, એનાં છ છોકરાં, મોટી ઇન્દુની સુવાવડનો ખાટલો, પાનની પિચકારી મારતો ગંધાતો એનો વર. દાદર ઘવડ-ઘવડ કરતાં બનેવી ચંપકલાલ, વાંદા-સૂંઘ્યું કાંદાનું શાક, ઠરીને ઠીબડું થઈ છીબા પરના પરસેવાથી પોચી પડેલી ખીચડી, ચાલીનો છ ફૂટનો ઓટલો, વાસ મારતાં સ્વપ્નાં આવે એવી સંડાસ નજીકની પથારીની જગ્યા, સાંકળચંદની સવારની ઠેસ, ડબલાના છાંટા, ફૂવડ બહેન-બનેવીનું સાત વાગે ઊઠવું ને આઠે મળતો ચાનો વાડકો! પછી હાશ, જલ્દી ભાગ ઑફિસે… ત્યાંનો ડાયરો, લાગો ને વહેલી પડે મહેર નજર!

અપ્રસન્ન મને એણે ટેબલ પર નિશ્ચિત હાથ પછાડ્યોઃ ઠીક ન કર્યું, હાથે કરીને ખોયું બધું! વાતવાતમાં ગરીબ ક્લાર્કથી આમ અળખામણા થઈ પડાય! આ પોષાય? સૌ મોં ફેરવી ગયાં છે. સૌ કોઈ ફાઇલની ‘રિક્વિઝિશન-સ્લિપ’ મોકલે છે, જાણે એકાએક બધા કામગરા, વફાદાર ન થઈ ગયા હોય! જાતજાતની ‘કમ્પ્લેયન્સ’ પણ વધી છે, ને પરેશાની પણ. છતાં બધું જ શાંત, ઊજળું, મોકળું લાગે છે. સાથે એકલવાયું, અતડું, ખાલી પણ! મગજ ચાલતું નથી. ફરીફરીને ભૂખ લાગે છે. કોને ખબર આ ભૂખ ક્યાંથી ઊઘડી છે! ભૂખ નહીં — ભૂખોઃ વાતની, આંખની, સમજની, મનની, પેટની…! આ ભૂખ ખોટી છે — બગાડની. ‘પરગેટિવ’ની જરૂર છે. હવે ક્યારે રજા આવે છે? એણે જોયુંઃ ત્રણ દિવસ પછી રવિવાર છે, ત્યારે એરંડિયું લઈ લઈશ. જોયું કેવી ખબર પડી ગઈ કૅલેન્ડર સામે છે તે? બસ હવે રવિવારે વાત. પણ ત્યાં સુધી ક્યાં જીવ પરોવવો! ચાની તલપ અદમ્ય થતાં એનો શંકર પર મિજાજ ગયો.

એને લાગ્યું એનો મિજાજ પોતાના પર વધુ ગયો છે. કંઈ અકલ્પ્ય અનુભવાય છેઃ જાણે ‘રેડ હૅન્ડેડ’ પકડાયો છે. લથપથ ધૂળિયા પગે કાશ્મીરી ગાલીચા પર ઊભો છે. ઠાકોરજીના વાઘા પર વાંદાની જેમ ફરી રહ્યો છે! ‘ભરાઈ પડ્યાં’ જેવું અડવું લાગે છે. ખેંચતાણ વધી રહી છે. કોઈ નથી આવતું તો ગમતું નથીઃ આવે છે તો લડી પડાય છે. ભીતર કંઈક ઊઘડ્યું છે. પણ જોઈને ચક્કર આવશે એવો ભય લાગે છે. ટૂંકમાં હું ‘હું’ નથી, ને છું, પણ, એવું કંઈ થાય છે! નહીં?’

વિચાર-દુર્ધર્ષથી કપાળ પર બાઝેલો પરસેવો લૂછવા એણે માથે રૂમાલ દાબ્યો. એને લાગ્યું મોઢું ધોયાથી શાતા વળે છે — મળતી નથી. પણ ઊંઘમાંથી ઊઠ્યા પછી પોપચાં નીચે લથડતી નીંદરડીના કૅફનો આનંદ ઓર છે. શાતાથી શું; લાડવા ખાવા જોઈએ; ડાયરો તો સાવ જ ઊજડી ગયો! એવું લાગે છે કે જાણે વિચારો ઘડીક ઊંઘી જાય છે, કે ઊંઘમાં વિચારી રહ્યો છુંઃ રેકોર્ડ-રૂમમાં પ્રકાશ પડે છે — વધુ, સ્ફૂર્તિલો, તેજસ્વીઃ હવા સભર, સૌરભ ભરી છે! એકાએક બગીચામાં કોઈ બારી ઊઘડી ગઈ હોય તેમ હવા-ઉજાસના ફરેરાટા બોલે છે, થાય છે બધું ઊડી જશેઃ કાગળ, ફાઇલ, ઘોડા, રેકોર્ડ, ગમગીની, દુવિધા, પેલી-પેલો… વાસ પણ…’

‘પડાઆઆ…ક્…’

કંઈ અવાજ થયો. નહીં? એ પ્રશ્નમાં જાગી ગયો. બારી ક્યાં ગઈ? બંધ થઈ ગઈ? એ વિમાસી રહ્યો. હવા-ઉજાસના ફરેરાટા…! બારી ક્યાં હતી! ત્યાં તો છે કૅલેન્ડર! શું બારી…!

‘પકડલા…!’ કેશવના શબ્દોએ એનું ધ્યાન ખેંચ્યું. ‘શું થયું, કેશવ!’

‘તે ઊંદીર, પકડલા!’ કેશવે પાંજરું બહાર કાઢ્યું. એ સચેત થયોઃ પાંજરું બંધ થયું કે બારી? ઉંદર ત્યાં પણ હતો — છે! એ ચકિત થઈ હસ્યો. પકડ્યો! એ જ, આટલા વખતથી કેમ સૂઝ્યું નહીં? એ હોય, ન હોય તો, અહીંયાં કોને પડી છે. પણ અવજ્ઞા ન થાય. ધૅટ્સ રાઇટ, ‘કૉન્શિયસ્’ થઈ જતો’તો…! સમજાઈ ગયું ચંદ-હરખ હવે પાછા હરખચંદ થશે. હુંય મૂર્ખ છું કેટલો મોહ હતો. આવી ખબર હોત તો! નેવર માઇન્ડ… એમની હાજરીમાં જ સ્તો! આઇ ગૉટ ઇટ… પકડ્યું!

‘કાય, સાહેબ?’ પાંજરું લઈ જતાં કેશવે સ-સ્વર સ્વગત ઉચ્ચારાયેલા શબ્દો સાંભળી પાછું જોયું. ‘કંઈ નહીં, તું જા ને શંકરને પાઠવ…!’

ખુશ થઈ એણે પગ પર પગની આંટી ચડાવી ખંધું હાસ્ય ફેંક્યું. પોતે પોતાના પર ફિદા થયેલો લાગ્યો. એણે તર્ક મમળાવ્યોઃ આવતા વર્ષે જોઈશું. પણ આ વર્ષે ના પાલવે. નાહકનું રહેંસાવાય છે! એણે શંકરની રાહ જોતાં આઠ-દસ કાગળ ફાઇલ કરી નાખ્યા. શાબાશ હરખચંદ એણે ઉપર જોયું. શંકર આવી ગયો હતો.

‘કેમ બોલાવ્યો, કહ્યુંને ઉધાર ચા…’

‘અલ્યા ડોબા, સાંભળ!’ એણે શંકરને તતડાવ્યો, ‘તું કંઈ માગતો’તો ને, લઈ જા.’

‘લઈ જાઉં, સાચે જ! આવડી મોટી પવિતર છબીવાળું કૅલેન્ડર! ઓહો… આ સિન્દૂરિયો રંગ, દુંદાળો દેવ, લાડવાનો ગંજ, ને મૂષક મા’રાજ, એમનાં દરરોજનાં દર્શન! વાહ, આ તો ફળે એવા જમણી સૂંઢના ગણેશ છે! ઉત્તમ!’

‘શ્રેષ્ઠ, સદે તો લઈ જા, બાકી મને તો… ને જો!’

‘હમજી ગ્યો, ગરમાગરમ બે કચોરી ને ટેસ્ડેદાર ચા, અબઘડી આવી!’

‘પૈસા…’

‘આ ગજાનનની કિરપા, ફાવે ત્યારે આલજો, ને…’

એ ખડખડાટ હસ્યોઃ ‘પકડી, રેડ-હૅન્ડેડ પકડી પાડી…’ ધડાક દઈને એણે કાગળ પંચ કર્યો. કચોરી ને ટેસ્ડેદાર ચા…’ જોયું ને શરૂઆત થઈ ગઈ! એણે ફાઇલ કરવા કાગળ ઊંચા કર્યા ને છેદમાંથી જોયું કે…