ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ઉત્પલ ભાયાણી/બદલો

Revision as of 12:39, 28 June 2021 by NileshValanki (talk | contribs)
બદલો

ઉત્પલ ભાયાણી

‘તારે એ વાત નથી કહેવી?’

નંદિનીને લાગ્યું કે સુકેતુ આજ નહીં છોડે. કદાચ કહેવડાવીને જ રહેશે. તેને ધ્રુજારી છૂટી ગઈ. છતાં તેણે વાત ટાળવાનો પ્રયત્ન ચાલુ રાખ્યો.

‘પણ કાંઈ વાત હોય તો તને કહું ને?’

સુકેતુ બે ક્ષણ માટે અપલક નેત્રે તાકી રહ્યો.

‘જો તારે વાત ન કહેવી હોય તો સાફ ના પાડી દે, પણ જુઠ્ઠું બોલવાનું રહેવા દે. હમણાં થોડી વાર પહેલાં તું બોલી કે મેં તારાથી કોઈ વાત છુપાવી નથી, સિવાય કે એક. અને તેને લીધે જ હું તારી સાથે મોડે સુધી હરીફરી શકતી નથી. તેં કહેલું કે નહીં?’

‘અરે, બાબા, એ તો હું અમસ્તું બોલી હતી. કયે દિવસે મેં તારી સાથે મોડે સુધી ફરવાની ના પાડી છે?’

‘અચ્છા એમ વાત છે? જો નંદિની હમણાં આઠ વાગ્યા છે. આપણે બારેક સુધી બેઠા છીએ. ખાવાની ચિંતા કરતી નહીં, ગોઠવણ થઈ જશે, બરાબર ને?’

‘હવે તું હદ કરે છે. જરાક તો વિચાર કર, કોઈ પણ છોકરીને બાર વાગ્યા સુધીઘેર કહ્યા વિના રખડવા દે ખરા?’

‘તો ઘેર ફોન કરી દે. કહી દે કે હું મિત્રો સાથે પિક્ચરમાં જવાની છું.’

‘હજી તો પરમ દિવસે જ એ બહાનું કાઢ્યું છે. ખરેખર કહું છું સુકેતુ, તારી આ જીદ આપણને એક વાર કાયમ માટે મળતાં બંધ કરી દેશે.’

‘ઇટ્સ નેકસ્ટ ટુ ઇમ્પોસિબલ.’

‘હજુ તું કાકાને જાણતો નથી. સુકેતુ?’

‘કેમ, તારા કાકા કેવા છે?’

નંદિનીનું મોઢું ફિક્કું પડી ગયું. તેને આથમતા સૂર્યનો આભાર માનવાનું મન થયું. નહીં તો તે સુકેતુથી પોતાના મનોભાવ છુપાવી શકી ન હોત. ડોકું ધુણાવીને અનાયાસે એટલું જ બોલાયું.

‘સુકેતુ તું કંઈ જ જાણતો નથી…કંઈ જ નહીં.’

‘રહેવા દે હું બધું જ જાણું છું. એ જ ને કે એ તારો સગા કાકા નથી. બહુ કડક ને ખરાબ સ્વભાવના છે. અને કોઈકવાર ડ્રિંક્સ લે છે. બોલ, છે આનાથી કંઈ વિશેષ?’

નંદિનીને હસવું કે રડવું તે સમજાયું નહીં. તેણે ચૂપ રહેવાનું જ મુનાસિબ માન્યું. પણ નંદિનીનું મૌન તેને માટે જ ખતરનાક નીવડ્યું. સુકેતુને પેલી ‘વાત’ યાદ આવી ગઈ.

તે સહેજ નંદિનીની બાજુમાં સરક્યો. તેનું ઢળેલું માથું ઊંચું કરી, પોતાના બે હાથ વચ્ચે તેના ગાલ દબાવી બોલ્યો, ‘સાચું કહે નંદિની, પેલી શું વાત હતી? મને નહીં કહે? તેં કદાચ આ વાતનો ઉલ્લેખ ન કર્યો હોત તો મને કંઈ ન થાત, પણ તેં હવે મારા મનમાં એક ભયંકર જિજ્ઞાસા જગાડી છે. અને તારા અંગેની કોઈ પણ જિજ્ઞાસા સંતોષ્યા વગર હું રહી શકું તેમ નથી.’

કદાચ સુકેતુની ગમે તેટલી મધુર કે ઉષ્માભરી વાણી નંદિનીને ન પિગાવી શકી હોત. પણ સુકેતુના સ્પર્શે તેના બધા જ નિશ્ચયો પાંગળા બનાવી દીધા. આંખમાં આંસુ ધસી આવ્યાં. માંડ માંડ તેને ખાળતાં તેણે મરણિયો, પણ નિષ્ફળ પ્રયત્ન કરતાં કહ્યું, ‘પ્લીઝ, સુકેતુ, કંઈ નથી, તને વિશ્વાસ નથી?’

‘તારી વાણી પર નહીં, તારી આંખો પર સદા મારી આંખો સાથે એકાકાર થવાને તત્પર રહેતી તારી આંખો આજે વિના કારણે ઢળી પડે છે. કશુંક છુપાવતી હોય તેમ. ના, ના નંદિની તારે મને કહેવું જ પડશે.’

નંદિનીને થયું હવે તે નિરુપાય છે. છેલ્લા એક વર્ષથી હંમેશાં સુકેતુ સાથેના મિલન દરમ્યાન સતત તેને ભય રહેતો કે નક્કી કોઈખ દિવસ તે લાગણીના આવેશમાં એક નબળી ક્ષણે પોતાની ઉપરનો કાબૂ ગુમાવી બેસશે. અને એક વર્ષથી હૃદયમાં પ્રયત્નપૂર્વક દાબી રાખેલી વાત ધરતીના પેટાળમાંથી જ્વાળામુખીની જેમ પ્રગટ થશે ને તેને છિન્નભિન્ન કરી નાંખશે.

કોઈક દિવસ બનવાની ઘટના આજની ઘટના બની ગઈ. નંદિનીની સ્થિતિ મૃત્યુથી છેલ્લી ઘડીઓ ગણી રહેલા માણશની અંતિમ કબૂલાતની ક્ષણો જેવી હતી. પ્રયત્નપૂર્વક તેણે સુકેતુના હાથોમાંથી પોતાનું મોઢું બીજી બાજુ ફેરવ્યું. મોટરની બારીમાંથી તે બહાર તાકી રહી.

ઢળતી સાંજનું આ દૃશ્ય તેને માટે પરિચિત હતું. કેટલીય રમણીય સંધ્યાઓને તેણે અહીંથી સુકેતુ સાથે કારમાં બેઠાં બેઠાં અંધકારમાં ઓગળી જતી જોઈ હતી. આજે એ અંધકાર સંધ્યા સાથે એક નંદિનીનો પણ સમાવેશ કરી લે તેમ તેણે ઇચ્છ્યું.

પણ આજ સુધી તેણે ઇચ્છેલી કઈ વાત વાસ્તવિકતા બની હતી? એક પણ નહીં. સુકેતુ સાથેનો પરિચય? તે પણ નહીં. તે સુકેતુનો ઇચ્છિત હતો, પોતાનો તો તે પછી બન્યો. એટલે જ તો આજે તે ‘પરિચય’માંથી ‘પ્રેમ’માં પરિણમેલા સંબંધનો અંત…

‘સુકેતુ, કાકા સારા નથી.’

‘એટલે?’

‘કહ્યું ને કે સારા નથી, મને એની બીક લાગે છે.’

સુકેતુ ચમક્યો. એક સામટા કેટલાય વિચારો ધસી આવ્યા. તેના કાકા… ખરાબ સ્વભાવ… કોઈક વાર… ડ્રિંક્સ… રાત્રે ફરવાની સામે નંદિનીનો સખ્ત વિરોધ… છુપાયેલી વાત… કાકા સારા નથી… ના, ના, પણ એમ કેમ બની શકે?

‘નંદિની… હું તને કહું છું કે મને સાફ સાફ કેમ નથી કહેતી, સ્પષ્ટ બોલ શું… શું છે?’ સુકેતુએ નંદિનીને લગભગ હચમચાવી મૂકી. પણ નંદિની પર ફક્ત તેની ભૌતિક અસર જ હતી. તેણે મોઢું સહેજ સુકેતુ તરફ ફેરવ્યું. કદાચ પ્રત્યાઘાત જાણવાની ઇચ્છાથી. અહીં પણ તેની ઇચ્છા ફળીભૂત ન થઈ. સુકેતુ દિગ્મૂઢ હતો, ચહેરો ભાવહીન.

‘હજી તું સમજ્યો નથી?’

હવે સુકેતુ સમજી ગયો, નિઃશંકપણે સ્પષ્ટ સમજી ગયો. તેણે આઘાત સહન કરી લીધો. પોતાની જાતને સંભાળી લીધી. ઉશ્કેરાટ શમાવવા તે પણ ચૂપ રહ્યો. પણ તેને લાગ્યું કે હજી કંઈક બાકી છે, કંઈક ખૂટે છે, હજી ઘણું જાણવાનું બાકી છે. પરંતુ શું બોલે? કેવી રીતે કહે?

સદા વાચાળસુકેતને આજે શબ્દો ફંફોસવા પડ્યા, તે નંદિનીથી વધુ નજીક સરક્યો. શબ્દોની ધારી અસર ઉપજાવવા સ્પર્શનો આધાર લીધો.

‘નંદિની તને કોઈ એવો અનુભવ થયો છે? પ્લીઝ નંદિની બોલ, કાંઈક બોલ… મને કંઈ નહીં થાય… આઈ કેન ટેઈક ઇટ ઇઝીલી… આઇ એમ પ્રીપેડ…’

બસ, બીજું શું કહું? રાત્રે જ્યારે મોડી ઘેર જાઉં છું, ત્યારે બીજાં બધાં સૂઈ ગયાં હોય છે. બારણું કાકા જ ખોલવા આવે છે ને તેની નજર ને હાવભાવ, વર્તન વગેરે એવું હોય છે ને કે…’

‘તું… તું… વિરોધ નથી કરતી?’

‘શું વિરોધ કરું? વિરોધ કરવાના પ્રયત્નથી માર ખાવો પડે ને પછી ધમાલ થાય.’

‘તારા, કાકીને તું કેમ કંઈ નથી કહેતી?’

‘કહેલું પણ તે વાત સાચી નથી માનતાં.’

‘શું?’

‘સમજી જાને, બહાનું કાઢે છે. તે પણ શું કરે? તેની સ્થિતિ પણ મારા જેવી જ છે ને?’

‘તો શું તારે આમ સહન કરવું? આનો કોઈ ઉપાય નથી? અને કોઈક દિવસ તે કંઈ આગળ વધશે તો…’

સુકેતુ અટકી ગયો, તે નંદિની સામે તાકી રહ્યો.

‘નંદિની…’ તે લગભગ બૂમ પાડી ઊઠ્યો. નંદિનીએ ચમકીને પાંપણો ઊંચકી.

‘મારા સોગન ખાઈને કહે કે તેમણે તારી ઉપર… તારી સાથે… કદી કાંઈ નથી કર્યું?’

કદી સોગનમાં ન માનનારના અને તે વિશે હાંસી ઉડાવનારા સુકેતુને આજે તેનો આશરો લેવો પડ્યો.

નંદિનીએ નકારમાં ડોકું ધુણાવવાનો પ્રયત્ન કર્યો. પણ સદંતર નિષ્ફળ ગયો. સુકેતુના સોગનના ભોગે તેનામાં જુઠ્ઠું બોલવાની શક્તિ નહોતી. પ્રત્યાઘાતોની આજે તેને કશી પરવા નહોતી. છતાં તે બોલી ન શકી.

મૌનનો અર્થ સુકેતુ સમજ્યો હતો. પણ તેને નંદિનીના મુખે સાંભળવાની ક્રૂર ઇચ્છા હતી.

‘પ્લી-ઇ-ઝ, નંદિની, સાચુ કહે, તેણે તારી ઉપર બળાત્કારકર્યો છે કે નહીં’

નંદિનીની ડોક હકારમાં હલી.

સુકેતુએ પહેલી વાર નિઃશ્વાસ છોડ્યો. હજી પણ તે. તેની જિજ્ઞાસા સંતુષ્ટ નહોતાં થયાં.

‘ક્યારે આ થયું?’

‘ગયા વેકેશનમાં, કાકી અને મુન્નો, કાકીના ઘેર ગયેલાં ત્યારે એક રાત્રે.’

‘તેં કંઈ… કંઈ ન કર્યું?’

પૂછતા તો પુછાઈ ગયો, પણ સુકેતુને લાગ્યું કે તેણે મૂર્ખ જેવો પ્રશ્ન પૂછ્યો છે.

‘મેં બૂમ પાડવા પ્રયત્ન કરેલો પણ તેમણે મોં દાબીને એમ કહેલું કે આમ પાસે જઈને આબરૂ બગાડે છે તેના કરતાં…’

નંદિની વધુ બોલી ન શકી. તે વધુ નિર્લજ્જ બની શકેતેમ નહોતી. હજી સમજાતું નહોતું કે આટલા શબ્દો પણ કેવી રીતે નીકળી શક્યા. આજે તે બધાં જ બંધનોથી મુક્ત થઈ ગઈ હતી.

સુકેતુ બોલી ઊઠ્યો, ‘એક વર્ષ પહેલાં આ બધું બન્યું અને તેં મને વાત પણ ન કરી?’

નંદિની નિરુત્તર રહી. જોકે સુકેતુને પણ ઉત્તરની અપેક્ષા ન હતી.

સુકેતુનું મન વિદ્રોહ પોકારી ઊઠ્યું. તે પોતાની જાતને અત્યંત કાયર લાગ્યો. નંદિની… પોતાની નંદિની… તે કંઈ કરી શકે તેમ નહોતો? એક ક્ષણ માટે તો તેના કાકાને રહેસી નાખવાનો તેને વિચાર આવ્યો. આટલી પશુતા, આટલી અનૈતિકતા! તેણે કંઈક કરવું જ પડશે. તેની છાતી ધમણની માફક હાંફવા લાગી. તેના મનમાં ભયંકર ઘર્ષણ ચાલી રહ્યું હતું.

એક લાંબા ગાળાની ચુપકીદી પછી તેણે હોઠ ફફડાવ્યા.

‘નંદિની, હું તને ચાહું છું. અને આ ક્ષણે પણ તેમાં કશો ફરક નથી પડ્યો. હજી પણ આપણો સંબંધ ચાલુ રહેશે ને તે લગ્નમાં પરિણમશે. પણ તું જાણે છે કે તે બહુ લાંબો ગાળો છે. હું ને તું હજી તો કૉલેજના ત્રીજા વર્ષમાં છીએ. ગ્રેજ્યુએશન પછી પણ મારે બે-એક વર્ષ લાગી જશે. પછી જ હું પપ્પા આગળ વાત કરી શકીશ. પણ ત્યાં સુધી… ત્યાં સુધી હું તને કોઈ હિસાબે તારા ઘેર, એ નરકમાં રહેવા દઈશ નહીં. હું વ્યવસ્થા કરીશ. બોર્ડિંગમાં રહેજે. ખર્ચાની ચિંતા કરતી નહીં, ગમે તે રીતે હું ફોડી લઈશ, પણ હવે હું આ ઘટનાનું પુનરાવર્તન સહન નહીં કરી શકું.’

નંદિનીને થયું કે સુકેતુ શા માટે અટક્યો? બસ, એ બોલ્યા જ કરે, બોલ્યા જ કરે, તેનો અવાજ આજે તેને અમૃત જેવો મીઠો લાગ્યો.

બે ક્ષણ માટે એક મધુર કલ્પના તેના માનસપટ પર રમી રહી. તે હૉસ્ટેલમાં રહેતી હોય, ત્યાં બે-ત્રણ સારી બહેનપણી હોય. શાંતિથી અભ્યાસચાલતો હોય, રોજ સાંજે સુકેતુ સાથે ફરવું. કશો જ ભય, કશી જ ચિંતા નહીં… પણ તેને લાગ્યું કે આ કલ્પના કલ્પના જ રહેશે. તે વ્યવહારુ હતી. સુકેતુ તો ઉશ્કેરાટમાં બોલતો હતો. તેણે હજી જિંદગીનું સાચું સ્વરૂપ જોયું નહોતું.

તેણે કહ્યુંઃ ‘સુકેતુ, એ બહુ જ અઘરી બાબત છે. તું ધારે છે એટલું એકલા જીવવું સહેલું નથી.’

‘હું પણ જાણું છું કે તે સહેલું નથી. તો શું આમ જ ચાલવા દેવું?’

‘એમ હું ક્યાં કહું છું.’

‘તો?’

નંદિની પાસે તેનો કોઈ ઉત્તર નહોતો. બંને ફરી પાછાં મૌનમાં ગરકાવ થઈ ગયાં. સુકેતુને પણ થયું આ નાનીસૂની બાબત નથી. લાંબો વિચાર માગી લે તેમ છે. ઉતાવળો નિર્ણય લેવો યોગ્ય નથી. તેને લાગ્યું કે અત્યારે તેની કે નંદિનીની મનઃસ્થિતિ કાંઈ પણ નિર્ણ લેવા જેવી નથી. બંનેને પોતપોતાની રીતે વિચારવા એખલતાની ભયંકર જરૂર છે.

‘નવ વાગી ગયા છે. ચાલ તને મૂકી જાઉં, ક્યાંક મોડું…’

તે વાક્ય પૂરું ન કરી શક્યો. નંદિનીના શબ્દો હજી મન પર અફળાતા હતા. પ્રત્યુત્તરની રાહ જોયા વિના તેણે ગાડી સ્ટાર્ટ કરી. કોઈ બે તદ્દન અજાણ્યા એક સફરમાં ભેગા થઈ ગયાં હોય તેમ તેઓ જઈ રહ્યાં હતાં.

ક્યારે નંદિનીનું ઘર આવ્યું તેની મોટર સિવાય કોઈને ખબર ન હતી.

નંદિનીએ બારણું ખોલ્યું. પણ ઊતરી નહીં, તે ઘણું કહેવા-કરવા ઇચ્છતી હતી. પણ પ્રગટ કશું ન થયું. સુકેતુ સમજી ગયો પણ તે ખુદ જ લાચાર હતો.

નંદિની ઊતરી ગઈ. સુકેતુને એક ભયંકર વિચાર આવી ગયો. આજે તો કાંઈ નહીં થાયને? પણ તેણે બારણું બંધ કરતાં તે ઝાટકી નાખ્યો. તેનાથી તેની કાનની ટશરો સુધ્ધાં લાલ થઈ ગઈ.

ચહેરાની લાલાશ તે પથારીમાં પડ્યો ત્યાં સુધી બહુ ઓછી નહોતી થઈ. વિચારોના વમળમાં ડૂબવું તેને ફાવ્યું. સિનેમાના ફ્લેશબૅકની જેમ તેના અંતરપટ પર તેના ને નંદિનીના સંબંધની શરૂઆત અત્યાર સુધીની ઘટનાઓ ક્રમબદ્ધ તરી આવી.

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં ૧૧ વર્ષ સંપૂર્ણ ફરજિયાતપણે બ્રહ્મચર્ય પાળ્યા પછી જ્યારે તે કૉમર્સ કૉલેજમાં પ્રવેશ્યો, ત્યારે તેની વય અનુસાર સ્વાભાવિક રીતે જ તેના મનમાં એક કોમળ કલ્પના આકાર લઈ રહી હતી. એક સીધી, સારી, સુંદર છોકરી સાથે પરિચય થઈ જાય તો બસ! અને વર્ગમાં ત્રીજે જ દિવસે નંદિની સાથે પ્રથમ નજર મળી ત્યારે તેને પ્રતીતિ થઈ ગયેલી કે તેનું સ્વપ્ન સાકાર થશે જ.

નંદિની દેખાવે કંઈ અત્યંત સુંદર કહી ન શકાય, પણ તેને જોતાં એક છાપ સ્પષ્ટપણે તરી આવતી કે તે સ્ત્રીત્વથી ભરપૂર છે. ‘સ્ત્રી’ શબ્દથી જે સ્ત્રી વિશેના ખ્યાલો તેને ઉદ્ભવતા તે તેને નંદિનીમાં જોવા મળ્યા. નજર મેળવવાની સંપૂર્ણ ઇચ્છા છતાં જ્યારે તે પ્રયત્નપૂર્વક તેની આંખો ઢાળી દેતી ત્યારે તેને ગુસ્સો નહોતો ચડતો. પણ આનંદ થતો. અને પછી તો મહિનામાં જ તેણે તેમની વચ્ચે સંબંધ સ્થાપ્યો. સદા જ બધું સહી લેતી. કદી વિરોધ ન કરતી, ઓછાબોલી નંદિનીને જોઈ તેને લાગતું કે તેની જિંદગીની સૌથી મોટી મંઝિલ મળી ગઈ છે.

અને ત્રણ ત્રણ વર્ષથી આ સંબંધ વણતૂટ્યો ચાલતો હતો. તેનું ઘર આઝાદ ખ્યાલોનું હતું. નંદિની છૂટથી આવ-જા કરતી. પોતાના રૂમમાં કલાકો તેની સાથે ગાળતી. જોકે હજી સુધી તે તેના ઘેર નહોતો ગયો. સુકેતુને બીજી કોઈ મહેચ્છા પણ નહોતી. નંદિનીને પરણી પપ્પાના બિઝનેસમાં જોડાઈ જવું. બસ આ જ હવે બાકી રહ્યું હતું.

સુકેતુને તેની જિંદગીની સફરમાં રસ્તો સીધો જ દેખાતો હતો. ક્યાંય પણ વળાંકની અપેક્ષા ન હતી. પણ રસ્તામાં આટલો મોટો ખાડો આવશે તે તેની કલ્પના બહાર હતું. તેના મિત્રો તેને નસીબદાર માનતા. મજાકમાં ઘણી વાર કહેતા પણ, યાર તારે હવે શું બાકી રહ્યું છે. તું તો પરિણીત જ છે. અને મઝા તો તે અત્યારથી જ લૂંટી છે. પણ તે જ જાણતો હતો કે તેણે ‘મઝા’ લૂંટી નહોતી, જોકે તે તેમ સહેલાથી કરી શકે તેમ હતો. પણ સુકેતુ સંયમી હતો. ઉતાવળો નહોતો. તેને સુહાગરાત અને ‘મેરિડ લાઇફ’નો સાચો આનંદ મેળવવો હતો. અત્યારના ક્ષણિક આવેગને સંતોષવા તે ભવિષ્ય નીરસ બનાવી દેવા નહોતો માગતો.

તેને બરાબર યાદ આવ્યું કે એક વાર તેણે નંદિનીને કહેલું કે ‘તારું શરીર એ તો મારી મિલકત છે. પણ જ્યાં સુધી આપણે પરણીએ નહીં ત્યાં સુધી હું તેનો હદકાર નથી. ત્યાં સુધી તે તારે કોઈની અમાનતની જેમ સાચવવાનું છે.’

અને આજે શું થઈ ગયું? તેને નંદિનીનું શરીર યાદ આવ્યું. પણ સાથોસાથ જ તેના કાકાની ચહેરો પણ પડછાયાની જેમ તરવરી રહ્યો. તેને લાગ્યું તે ચહેરો તેની સામે અટ્ટહાસ્ય કરી રહ્યો છે. તેને કહી રહ્યો છે. ‘તું હાર્યો છે, તું લૂંટાયો છે.’

સુકેતુ ખૂબ ઉશ્કેરાઈ ગયો. તેને લાગ્યું તે કદી નંદિનીથી તે ચહેરો અળગો નહીં કરી શકે. જ્યારે જ્યારે તે નંદિનીને પ્રત્યક્ષ કે પરોક્ષ મળશે ત્યારે અવિરતપણે તે ચહેરો ઉપસ્થિત રહેશે જ. તે નંદિનીના નાપાક, વ્યભિચારી કાકાને તો કશું કરી શકે તેમ નહોતો.

રહી રહીને તેને નંદિની જ ગુનેગાર લાગવા માંડી.

તેને એ છોકરીની સૂરત યાદ આવતાં ત્રાસ છૂટી ગયો. નંદિનીએ તેને પરાજિત કર્યો હોય કે તેની ‘મિલકત’ છીનવી લીધી હોય તેવું તે અનુભવી રહ્યો. નંદિનીએ ગમે તે રીતે અટકાવવું જોઈતું હતું.

પણ તે કરે શું?

તો હવે પોતે શું કરે? અને છેવટે તેણે એક દૃઢ નિશ્ચય કરી લીધો. તે નિશ્ચયના પ્રત્યાઘાતોનો વિચાર કરતાં કરતાં તે ક્યારે ઊંઘી ગયો તેની તેને ખબર ન રહી.

બીજા દિવસની સવારે અગિયાર વાગ્યે તેણે નંદિનીને ફોન કર્યો. ડાયલ ફેરવતાં તેની આંગળીઓ ધ્રૂજી રહી હતી.

‘હલ્લો…’

‘હું સુકેતુ બોલું છું.’

‘હં.’

‘આજે બપોરે મારે ઘેર આવી શકીશ?’

‘હા.’

‘તો એક-બે વાગ્યે તારી રાહ જોઉં છું.’

‘સારું.’

સુકેતુએ ફોન કરી કરી દીધો.

બપોરે જ્યારે નંદિની આવી ત્યારે સુકેતુમાં કોઈ વિચિત્ર સ્વસ્થતા આવી ગયેલી. તે તેને નીચે લેવા ન ગયો. તે આવી. હંમેશની જગ્યાએ સુકેતુના રૂમની બારી પાસે આવેલા પલંગના છેડે બેસી ગઈ.

નંદિનીએ હંમેશના પરિચિત વાતાવરણમાં કશોક ફેરફાર થયો હોય એમ લાગતું જ હતું. તેમાં જ્યારે સુકેતુએ આવીને રૂમનું બારણું અંદરથી લોક કર્યું ત્યારે તેને તે વિષે શંકા ન રહી.

સુકેતુ આવીને પાસે બેઠો. બંનેને હતું કે કદાચ કાલની વાતનો પડઘો પડશે. પણ સુકેતુ તો જાણે ભૂલી જ ગયો હોય તેમ આડીઅવળી વાત કરવા માંડ્યો. અને નંદિની પાસે તેવી અપેક્ષા રાખવી વ્યર્થ ન હતી. નંદિનીને શાંતિ થઈ.

પણ નંદિનીને આજ સુકેતુ કાંઈ જુદા જ મૂડમાં લાગ્યો. નંદિનીને પણ ચાલુ પરિસ્થિતિમાં આ પરિવર્તન ગમ્યું. જોકે તે પરિસ્થિતિ ન હોત તોપણ તેને ગમ્યું જ હોત. આમે ય તેના ગમા-અણગમાનો પ્રશ્ન ગૌણ હતો.

અચાનક સુકેતુએ નંદિનીને પોતાની સાથે પલંગ પર સૂવડાવી દીધો. બંને વચ્ચે શાબ્દિક વ્યવહાર બંધ હતો. પણ બંનેનાં શરીર એકબીજા સાથે વાતો કરતાં થઈ ગયાં.

નંદિની સંપૂર્ણપણે આવેશમાં આવી ગયેલી. તે આ વિશ્વમાંથી સરી ગયેલી. સુકેતુ પણ ઉશ્કેરાઈ ગયેલો. પણ તેનો ઉશ્કેરાટ ગયેલો. પણ તેનો ઉશ્કેરાટ હેતુપૂર્ણ હતો. કોઈ નિશ્ચિત ધ્યેય પાર પાડવા એક બુદ્ધિશાળીમાણસ પહેલેથી જ યોજના કરી ગણતરીપૂર્વક આગળ વધે ને ધ્યેય પાર પાડે તેમ સુકેતુએ તેના ગઈરાતના નિશ્ચયને પાર પાડ્યો. કદાચ તેણે કલ્પેલી ‘સુહાગરાત’નું રિહર્સલ. ગ્રેન્ડ રિહર્સલ, તેણે આજે કરી નાખ્યું.

બે કલાક બાદ જ્યારે નંદિનીએ પાછા ઘેર જવાની અનુમતિ માગી ત્યારે સુકેતુએ મૂંગા મોંએ હા પાડી. હંમેશની જેમ સુકેતુ આજે નંદિનીને વળાવવા ન ગયો. તે વરંડાનું બારણું ખોલી બહાર ઊભો રહ્યો. નંદિની પોર્ચમાંથી નીકળી ધીમે ધીમે દરવાજા તરફ ડગલાં ફરતીજતી હતી. દરવાજો ખોલતાં તેણે પાછળ ફરી ઉપર જોયું અને સુકેતુ સામે મ્લાન હાસ્ય કર્યું.

સુકેતુ તેને જોઈ રહ્યો. તેના મુખ પર બદલાનું આછું સંતોષભર્યું સ્મિત હતું. લાગ્યું કે તેની ભૂખ સંતોષાઈ ગઈ છે.

પણ… પણ અંતે તો તે એંઠા વાસણમાં જમ્યો હતો! તેનું સ્મિત અદૃશ્ય થઈ ગયું. અટ્ટહાસ્ય કરતો કાકાનો ચહેરો તેની સમક્ષ તરવરી રહ્યો. કોઈ ભયંકર બદસ્વાદથી તેનું મોં ભરાઈ ગયું. તેને અસહ્ય ગૂંગળામણ થઈ આવી.

તેણે નિશ્ચય કર્યો કે હવે તે નંદિનીને નહીં મળે.